તારાપુર-વટામણ ધોરી માર્ગ પર ઇન્દ્રજ ગામની સીમમાં પુરપાટ ઝડપે જતી ટ્રકે આગળ જતાં ટ્રેક્ટરની ટ્રોલીને ટક્કર મારતાં તેમાં સવાર વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ધોળકા તાલુકાના ગાલોણ ગામમાં રહેતા વિજયસિંહ ઉર્ફે ટીકુભાઈ બચુભાઈ ચાવડા ખેતી કરે છે. તેઓએ ખેતી કામ માટે ટ્રેક્ટર નં.જીજે 38 બી 4604 ખરીદ્યું હતું. તેમના ઘરે રમેશ ઉર્ફે રમો હિરાભાઈ જાદવ (રહે.રૂપગઢ, તા. ધોળકા) ઘણા વરસોથી તેમના પરિવાર સાથે ડેલામાં રહેતા હતા અને જમીન ભાગે ખેડતાં હતાં. દરમિયાનમાં 15મી માર્ચના રોજ સવારના રમેશ ઉર્ફે રમો હીરાભાઈ જાદવ સાથે ટ્રોલીમાં ઘઉં ભરી તારાપુર માર્કેટ યાર્ડમાં વેચવા માટે નીકળ્યાં હતાં. આ સમયે વિજયસિંહ ચાવડા ટ્રેક્ટર ચલાવતાં હતાં અને તેમની ડાબી બાજુ પંખા ઉપર રમેશભાઈ જાદવ બેઠાં હતાં. વટામણ ચોકડી થઇ ટોલ નાકુ વટાવી ખાનપુર દરગાહ વટાવી ઇન્દ્રણજ દુરાવીટ કંપનીથી થોડે દુર પહોંચ્યાં તે સમયે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે તેમની ટ્રોલીને જોરદાર ટક્કર મારતાં તેઓ ટ્રેક્ટર સાથે ઉથલી પડ્યાં હતાં. જેના કારણે બન્ને ઘવાતાં તાત્કાલિક 108 બોલાવી હતી. જોકે, રમેશભાઈ જાદવને ગંભીર ઇજા પહોંચી હોવાથી સ્થળ પર જ મૃત્યું નિપજ્યું હતું. જ્યારે વિજયસિંહ ચાવડાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે તારાપુર પોલીસે ટ્રક નં.જીજે 13 એડબલ્યુ 1989ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.