હેલ્મેટ અને સીટબેલ્ટ ડ્રાઈવ:આણંદમાં પ્રથમ દિવસે પોલીસની કડકાઈ નહીં, વિદ્યાનગર પોલીસે હેલ્મેટ ધારક વાહન ચાલકોને ગુલાબ આપી સ્વાગત કર્યું

આણંદ5 મહિનો પહેલા
  • વાહન ચાલકોમાં રોડ સેફ્ટી અંગેની જાગૃતિ અને કાયદાના પાલન અંગે અનુશાસન આવે તે માટે પોલીસના પ્રયાસ

રાજ્ય ટ્રાફિક વિભાગ IGPના આદેશને પગલે રાજ્ય સહિત આણંદ જિલ્લામાં 6થી 15 માર્ચ સુધી સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે જિલ્લા પોલીસ દ્વારા ઠેર ઠેર ટ્રાફિક જંકશન ઉપર હેલ્મેટ અને સીટ બેલ્ટની ડ્રાઇવ ગોઠવાઈ છે. જોકે, પોલીસ હાલ પ્રથમ દિવસે કડકાઈ કરી રહી નથી, પરંતુ વાહનચાલકોમાં રોડ સેફ્ટી અંગેની જાગૃતિ અને કાયદાના પાલન અંગે અનુશાસન આવે તે માટે સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે.

આ અંગે વિદ્યાનગર પોલીસ દ્વારા પણ જનતા ચોકડીએ હેલ્મેટ અને સીટબેલ્ટ ડ્રાઈવ ચલાવાઈ રહી છે. રોડ સેફટી અને સરકારી નિયમોનું પાલન કરતા અનેક વાહન ચાલકો આજે હેલ્મેટ સાથે જોવા મળ્યા હતા. તો બીજી તરફ સરકાર તો ગમે ત્યારે ગમે તે નિયમો બનાવે અને મરોડે તેવી માનસિકતા રાખતા અનેક વાહનચાલકો પણ પોલીસ હાથે હેલ્મેટ વિના ઝડપાયા હતા.

મહત્વનું છે કે, સરકારી આદેશનું પાલન કરી વાહન લઈ નીકળેલ હેલ્મેટ ધારક વાહનચાલકોને વિદ્યાનગર પોલીસ દ્વારા કાયદાના પાલન માટે ગુલાબનું ફૂલ આપી સ્વાગત કર્યું હતું.કાયદાના પાલનમાં કાચા અને બેદરકાર નાગરિકોને વિદ્યાનગર પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. જોકે, કેટલાક વાહનચાલકોને દંડ પણ કરવામાં આવ્યો છે. હેલ્મેટ અને સીટબેલ્ટ ડ્રાઈવના પ્રથમ દિવસે પોલીસ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

શહેરી વિસ્તારમાં જ્યાં 30થી 50 વચ્ચેની સ્પીડે ચલાવતા વાહનચાલકોને હેલ્મેટ ફરજિયાતને લઈ ગણગણાટ ચાલુ છે. માળિયામાંથી હેલ્મેટ ઉતારવો પડશે તેમજ જે લોકો પાસે નથી તેણે નવા ખરીદવા પડશે. નાના મોટા કામ માટે જતા વાહનચાલકોને આ ખૂબ જ કાંટાળાજનક તેમજ ટ્રાફિક પોલીસની અણગમતી કનડગતનો સામનો કરવો પડશેની ગણગણાટ પણ સાંભળવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...