આણંદ ખાતે કલેક્ટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી પરિષદની બેઠક મળી હતી. જેમાં કલેક્ટરે નાગરિકોને સ્વયંભૂ રીતે ટ્રાફિકના નિયમોનું અસરકારક પાલન કરવા અનુરોધ કર્યો છે, જેથી અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય. આ મિટિંગમાં વિદ્યાનગર રોડના આડેધડ પાર્કિંગ અને આણંદ ટૂંકી ગલીના દબાણોનો મુદ્દો ટોકિંગ પોઈન્ટ બન્યો હતો.
આણંદમાં વિકસતા જતા વિસ્તારો અને વિકસિત બજારોમાં પાર્કિંગ અને દબાણો અને તે કારણે ઉભી થતી ટ્રાફિક સમસ્યા રાહદારીઓ અને પ્રજાજનો માટે માથાના દુખાવા રૂપ બની રહી છે. આ સમસ્યાની અનેક ફરિયાદો હવે જાહેર ટિકાને પાત્ર બની રહી છે. આ કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસ તંત્રની કામગીરી ઉપર પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જો કે જિલ્લા માર્ગ સલામતી પરિસદની મીટીંગમાં કલેક્ટર દ્વારા આ અંગે ખાસ કવાયત હાથ ધરવા સંબંધિત તંત્ર અને અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
આણંદ ખાતે કલેક્ટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી પરિષદની બેઠકમાં કલેક્ટર દ્વારા વિદ્યાનગર રોડ પર રાત્રિના 11:30 કલાક સુધી સતત ટ્રાફિક નિયમન અને આડેધડ થતા પાર્કિંગ મુદ્દે ચર્ચા ચાલી હતી. જેના બાદ આ વકરતી જતી સમસ્યા અટકાવવા માટે ટ્રાફિક પોલીસને ફરજ સોંપવા ઉપસ્થિત પોલીસ અધિકારીને તાકીદ કરી હતી. તેમજ શહેરના જૂના બસ સ્ટેન્ડ સામે ટુંકી ગલી વિસ્તારમાં બેરોકટોક ઉભા થયેલા અને જાહેર સમસ્યા બની રહેલા દબાણો મુદ્દે લાંબી ચર્ચા થઈ હતી. આ સમસ્યાને અંકુશ લેવા અને ટ્રાફિકની સરળતા રહે માટે બિનજરૂરી દબાણો દૂર કરવા કલેકટર દ્વારા આણંદ ચીફ ઓફિસરને સૂચના આપી હતી.
આ ઉપરાંત આ મિટિંગમાં ગણેશ ચોકડી તરફનો ટ્રાફિક ઘટાડી શકાય તે માટે સાંસદ મિતેશભાઇ પટેલે તુલસી ગરનાળાથી ચિખોદરા તરફ જઈ શકાય છે તેવું સાઈન બોર્ડ તુલસી ચોકડી ખાતે લોકો જોઇ વાંચી શકે તે રીતે મુકવા માટે સૂચન કર્યું હતું. આ અંગે કલેકટર દ્વારા આ અંગે જરૂરી ઘટતી કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને સૂચના આપી હતી.
આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે અકસ્માત ઝોન (બ્લેક સ્પોટ) શોધી કાઢવા માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને કલેકટર મનોજ દક્ષિણીએ સૂચના આપી હતી. તેમણે જિલ્લાના માર્ગો પર ગતિ અવરોધક બંમ્પ પર સફેદ પટ્ટા લગાવવા, ટ્રાફિક સિગ્નલ ચાલુ રહે તેમજ આણંદ શહેરના મુખ્ય માર્ગો પર ઓડ-ઇવન રીતે પાર્કિંગ માટે જરૂરી વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી.
આ મિટિંગના પ્રારંભમાં આરટીઓ અધિકારી આર.પી. દાણીએ બેઠકની જરૂરી વિગતો આપી હતી. આ બેઠકમાં માર્ગ સલામતી પરિષદના સભ્ય નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બી.ડી જાડેજા પ્રાંત અધિકારી વિમલ બારોટ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, મામલતદાર, ચીફ ઓફિસર આણંદ નગરપાલિકા, સિવિલ હોસ્પિટલના પ્રતિનિધિ, ખાણ ખનીજ વિભાગના અધિકારી અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના અધિકારીએ ઉપસ્થિત રહી માર્ગ સલામતી અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.