નવરાત્રોત્સવ માટે માઇભક્તોમાં ઉમંગ:હવે માત્ર 3 દિવસ શ્રાદ્ધ પછી નવ દિવસ શ્રદ્ધાનું પર્વ નવરાત્રી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપળાવ, કાસોર, સોજિત્રા, નડિયાદ અને ઘડિયા માતાજીના ધામમાં પણ નવરાત્રોત્સવ માટે માઇભક્તોમાં ઉમંગ

ચરોતરમાં ચોસઠ જોગણીના ગામે ગામ મંદિરો આવેલા છે. આસો નવરાત્રી એટલે શારદીય નવરાત્રી માટે ચરોતરના 580 જેટલા માતાજીના મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવ દિવસ દરમિયાન આણંદ, નડિયાદ, પીપળાવ, કપડવંજ, કઠલાલ સહિત ગામે ગામ મંદિરોમાં નવ દિવસ દરમિયાન માતાજીની આરાધના સાથે પૂજાપાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

મોટા મંદિરોમાં ગરબા બંધ રાખવામાં આવ્યા છે પણ માતાજીની પૂજાઅર્ચનાના કાર્યક્રમો યથાવત છે. આણંદ જિલ્લામાં સૌથી પ્રાચીન અને જાણીતા એવા પીપળાવ આશાપુરી માતાના મંદિરમાં નવ દિવસ સુધી પૂજાઅર્ચના કરવામાં આવશે. તેમજ કાસોર મહાકાળી મંદિર, આણંદ અંબાજી મંદિર , ખોડિયાર માતાના મંદિર સહિત ગામેગામ નવ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

પીપળાવ આશાપુરી મંદિરમાં 9 દિવસ સુધી માતાજીની વિશિષ્ટ આરાધના
સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે પાટીદાર સમાજ સહિત સૌ કોઇની કુળદેવી આશાપુરી માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જયાં સમગ્ર રાજયમાંથી હજારો ભકત દર્શન માટે આવે છે. આશાપુરી માતાના મંદિરમાં ચાલુ વર્ષે પણ સરકારી ગાઇડ મુજબ નવ દિવસ સુધી માતાજીને શણગાર સજાવીને દરરોજ સવાર સાંજ આરતી કરીને નૈવેધ્ય ધરાવીને મહાપૂજા કરવામાં આવશે. તેમજ આઠમના દિવસે સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીનું હવન કરવામાં આવશે.> હસમુખભાઇ પટેલ, આશાપુરી મંદિર ટ્રસ્ટ, પીપળાવ

કાસોર(ભાલેજ) મહાકાળી માતાના મંદિરે નવ દિવસના વિશિષ્ટ કાર્યક્રમ
આણંદ તાલુકાના કાસોર(ભાલેજ) ગામે નવ દિવસ સુધી મહાકાળી મંડળ દ્વારા સવાર સાંજ માતાજીને જુદા જુદા શણગાર સજીને માતાજીની આરાધના કરવામાં આવશે. તેમજ આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યુ છે. હાલમાં માતાજીના ચોકના ચોકમાં રોશની કરવામાં આવી રહી છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાજીના ભોજનનો થાળ ધરાવી રાત્રે રાસ-ગરબા રમાડવામાં આવશે. > દક્ષેશ પટેલ, પ્રમુખ, મહાકાળી મંડળ, કાસોર

​​​​​​​સોજીત્રા ક્ષેમકલ્યાણી માતાના મંદિર 9 દિવસ પૂજાઅર્ચના કરવામાં આવશે
​​​​​​​સોજીત્રા ગામે રાજપૂત સમાજના કુળદેવી બિરાજમાન છે. અહીં લગ્ન બાદ દંપતી મીંઢળ છોડવામાં માટે આવે છે. નવરાત્રિના 9 દિવસ માતાજીને શણગાર સજાવીને દરરોજ પુજા કરવામાં આવશે. તેમજ પાઠ કરીને માતાજીની આરાધાના કરાશે. તેમજ દશેરા સુધી સવાર સાંજ માતાજીની આરતી કરવામાં આવે છે. તેમજ હવનનું પણ આયોજન કરવામાં આવશે.ક્ષેમકલ્યાણી માતાના મંદિરે 9 દિવસ સુધી સાંજે મહાઆરતી કરીને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. > જગદીશ મહારાજ, સોજીત્રા

​​​​​​​નડિયાદ પ્રસિદ્ધ માઇ મંદિર ખાતે 9 દિવસ નૃત્ય આરતીનું આયોજન
નડિયાદ માઇ મંદિર ખાતે પ્રથમ દિવસે માતાજીનું ઘટસ્થાપન અને જવારા સ્થાપના કરવામાં આવશે. જે સાથે અખંડ ગરબો મુકી નવરાત્રિની શરૂઆત કરવામાં આવશે. 9 દિવસ સુધી રોજ જુદા જુદા પ્રકારની નૃત્ય આરતી થાય છે. જેમાં વિશેષ આકર્ષણ લલીત પંચમી અને આઠમની આરતીનું હોય છે. લલીત પંચમીએ એક પરિવારના પાંચ સભ્યો દ્વારા નૃત્ય આરતી થતી હોય છે. તો આઠમના દિવસે રાત્રે 8 વાગ્યે મહાકાળ આરતી બાદ 9 વાગ્યે વર્ષમાં એક જ વાર માની અખંડ જ્યોતમાંથી ચાચર પ્રગટાવી તેના દર્શન અપાય છે.

ઘડિયા સ્થિત વહાણવાટી માતાજીના મંદિરે ફૂલોના ગરબાની માનતાનું મહત્વ
​​​​​​​કપડવંજના ઘડિયા સ્થિત વહાણવટી માતાજી મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ તથા મહારાજ બિપીનભાઇ ના જણાવ્યા મુજબ આસો સુદ-1ના શુભ મુહૂર્તમાં માતાજીના ઘટસ્થાપન, ધજા આરોહણ અને મહા આરતી કરી નવરાત્રીના શુભ પ્રારંભ કરવામાં આવે છે. મહોત્સવમાં આઠમ સુદ માતાજીનો હવન કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માટીના ગરબા, ફૂલોના ગરબા મુકી માનતા પૂર્ણ કરતા હોય છે. નોમની રાત્રે બાર વાગ્યા પછી ચાર ચોકમાંથી માતાજીના ગરબાના વળામણા વાજતે ગાજતે કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...