આણંદનો આંખ ઉઘાડતો કિસ્સો:'હવે હુંય જોઉં છું કે તારી ઇજ્જત કોણ બચાવે છે' કહી પ્રેમીએ પ્રેમિકાને જબરદસ્તી બાઇક પર બેસાડી અને પછી સર્જાયો ફિલ્મી ડ્રામા

આણંદ3 મહિનો પહેલાલેખક: તેજસ શાહ
  • મોસાળ ગયેલી યુવતી પડોશમાં રહેતા પરિણીત યુવકના પ્રેમમાં પડી
  • પ્રેમીએ બદનામ કરવા છતાં પ્રેમિકા હિંમતથી ચુંગાલમાંથી બહાર નીકળી

આણંદમાંથી મુગ્ધાવસ્થામાં પરિણીત યુવકના પ્રેમમાં પડેલી યુવતીનો આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. મોસાળે ગયેલી યુવતી પડોશમાં રહેતા પરિણીત યુવકના પ્રેમમાં પડી અને તેની હવસનો ભોગ બનતાં બચી ગઈ. બાદમાં યુવકે જે જે રીતે તેને બદનામ કરી ત્યારે જે હિંમત અને જાગૃતિથી યુવતીએ આ પરિસ્થિતિનો સામનો કર્યો તથા યુવકને સબક શીખવ્યો, તે અન્ય આવી પરિસ્થિતિનો ભોગ બનતી યુવતીઓ માટે ઉદાહરણ રૂપ છે. દિવ્ય ભાસ્કર દ્વારા યુવતી અને તેના નારી સુરક્ષાની કામગીરી કરતા સામાજિક કાર્યકરનો સંપર્ક કર્યો ત્યારે યુવતીએ જે પોતાની આપવીતી કહી એ જોઇએ આ અહેવાલમાં.

મામાના ઘરે જતાં યુવકના સંપર્કમાં આવી
હું રોશની (નામ બદલ્યું છે)શહેરથી મારા મામાને ત્યાં ગામડે ગઈ ત્યારે પડોશમાં રહેતી પ્રીતિ (નામ બદલ્યું છે)સાથે મારે મિત્રતા થઈ હતી. ગામ નાનું અને ઘરકામ સિવાય કંઈ જ કામ નહીં. નાના, મામા તેમજ મામી સાથે ખેતરે જઈએ કે ક્યારેક પ્રીતિ સાથે તેના ઘરે ગપ્પા ટાઈમપાસ કરીએ. આ દરમિયાન તેના ભાઈ અજય (નામ બદલ્યું છે)સાથે મુલાકાત થતી. તે 23 વર્ષનો હતો અને પરિણીત પણ હતો. જેથી તે અને તેની પત્ની પણ ક્યારેક મારી અને પ્રીતિની વાતમાં જોડાઇ ઠઠામશ્કરી કરતાં હતાં. મારે અને અજયને પણ બોલચાલની છૂટ થઈ ગઈ અને તેના આકર્ષણમાં ખોવાયેલી હું ક્યારે તેના પ્રેમમાં પડી એ સમજ ન પડી. સંબંધ મજબૂત બનતાં બોલચાલમાં શરમનાં બંધનો પણ તૂટ્યાં હતાં.

શહેર આવ્યા બાદ ફોનમાં વાત થતી
આ દરમિયાન એક દિવસ અજય મને ઘરે એકલી ભાળી મામાના ઘરમાં ઘૂસ્યો અને મને જકડી લીધી. હું હેબતાઈ ગઈ અને શરમાઈ પણ ગઈ! જોકે બહુ જ કુનેહપૂર્વક થોડીઘણી છૂટછાટ બાદ તેના હાથેથી સરકી હું બહાર ભાગી ગઈ. મેં તેનો ઈરાદો પૂરો થવા ન દીધો. એ બાદ દિવસ જતાં હું શહેર આવી ગઈ. જોકે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી, જેથી તે નોકરી પર હોય કે હું કોલેજ કે સાંજે હોસ્પિટલમાં હોઉં ત્યારે તે દરમિયાન અમારી ફોન પર વાતચીત ચાલતી હતી. સોશિયલ મીડિયા થકી ચેટિંગ પણ થતું હતું. અભ્યાસ અને નોકરી વચ્ચે સમય પસાર થઈ જતો હોઇ રૂબરૂ મળી શકાય એમ નહોતું.

ફોન ઉપાડવાનું બંધ કરતાં બદનામ કરવાનું શરૂ કર્યું
આ દરમિયાન એક દિવસ અજયનો ફોન તેની બહેનના ટેક્નિકલ કોર્સના એડમિશન માટે આવ્યો હતો. જ્યાં હું અભ્યાસ કરતી હતી. એ મુજબ મેં એડમિશન કરાવી દીધું અને અજય અને તેની બહેન પ્રીતિ 15 હજારની ફી ઇન્સ્ટિટયૂટમાં ભરી ગયાં હતાં, જે નોન-રિફન્ડેબલ હતી. આ દરમિયાન પ્રીતિને ઇન્ટિટ્યૂટમાં ન ફાવતાં તેણે અભ્યાસ છોડી દીધો અને ફીની રકમ પરત માગી હતી, જે પરત મળી શકે ન હોવાનું જાણવા છતાં તેનું આડ લઈ અજયે મને બિનજરૂરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. હું તેનો ઈરાદો પામી ગઈ હતી, એટલે મેં તેના ફોન રિસીવ કરવાનું અને ચેટિંગ બંધ કરી દીધું હતું. જેથી તેણે મારા મોસાળમાં અને સગાંવહાલાંમાં મારા વિશે ખોટી વાતો કરી બદનામ કરતો હતો. આ ઉપરાંત મને સોશિયલ મીડિયામાં વધુ બદનામ કરવાના ધમકીભર્યા મેસેજ કરતો હતો.

જબરદસ્તી બાઇક પર બેસાડીને લઇ ગયો
એક દિવસ હું ઓફિસથી ઘરે જતી હતી ત્યારે તે અચાનક મારી પાસે ધસી આવ્યો. મારી સામે તાડુકીને મને બદનામ કરવાની ધમકી આપી અને 'તારી ઈજ્જત જશે' એમ કહી મારો મોબાઈલ અને બેગ બન્ને આંચકી લીધી હતી. હું કરગરી ,પરંતુ તેને મને જકડી બાઇક પર બેસાડી દીધી હતી અને કહ્યું, 'હવે તારી ઈજ્જત કોણ બચાવે છે એ જોઉં છું.' અચાનક ઘટેલી આ ઘટનાને લઈ હું ખૂબ હેબતાઈ અને ડરી ગઈ હતી. તેણે મારું રીતસરનું અપહરણ જ કર્યું હતું અને તેને મારો હાથ ખૂબ જોરથી જકડી રાખ્યો હતો.

બમ્પ આવતાં યુવતી કૂદી ગઈ
મનમાં અનેક વમળો આંટા મારતા હતા. કુટુંબની પરિસ્થિતિ સારી ન હોવાથી મારા સગા જ મારા અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે. અહીંનો અભ્યાસ પૂરો કરી માસ્ટર્સ માટે વિદેશ જવાનું પણ આયોજન છે. એક તરફ પરિવારની લાગણીઓ અને ઊજળું ભવિષ્ય હતું તથા બીજી તરફ આ અજયનો અત્યાચાર! વળી, આજે મારા શરીર સાથે જબરદસ્તી કરી તેનો મલીન ઈરાદો પાર પાડવા ગમે તે હદે જશે તેવી ખાતરી હતી. હવે અમે ટૂંકા એકાંકી અંધારિયા માર્ગથી થોડે આગળ મુખ્ય માર્ગ તરફ આવી ચૂક્યાં હતાં. બાઇક તેજ ગતિએ ચાલી રહી હતી. માર્ગમાં બમ્પ નજીક આવતો જોઈ તેણે મારો હાથ ઢીલો કર્યો કે તરત જ મેં કાંઈપણ જીવવામારવાના પરિણામની પરવા કર્યા વગર હિંમત ભેગી કરી બાઇક પરથી કૂદી ગઈ અને જાહેર માર્ગે જોરથી ઢસડાઈ પડી હતી, જેથી માથામાં ખૂબ જોરદાર વાગ્યું હતું તેમજ મોઢે અને હાથ પગે ખૂબ છોલાઈ ગયું અને લોહી પણ ખૂબ નીકળ્યું હતું. આસપાસ અને રાહદારી લોકોને લાગ્યું અકસ્માત થયો અને લોકટોળા ભેગા થઈ ગયા હતા. મને વધુ વાગ્યું હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હોસ્પિટલમાંથી ઘરે જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન ઘટનાસ્થળેથી અજય ભાગી ગયો હતો.

પરિવારે પોલીસ કેસની ના પાડી
મારા ઘરે પણ માતા-પિતા મારા ભણતર અને ભવિષ્યને લઈ શું કરવું એની ચિંતામાં સરી પડ્યાં હતાં. પરિવારજનોને સઘળી વાત કરી પોલીસ કેસ કરવા તૈયારી બતાવી, પરંતુ સામાવાળા બધી રીતે પહોંચી વળે તેવા હોઈ તેમજ તેમના એક સંબંધીની પોલીસમાં પણ મોટી ઓળખાણ હોવાથી પોલીસ કેસ કરીએ તોપણ કંઈ જ ફાવટ આવે એમ નહોતી. પરિવારજનોએ તેમ જણાવતાં હું હતાશ થઈ ગઈ હતી. મારે મારો મોબાઈલ, બેગ એટીએમ કાર્ડ પરત જોઈતું હતું. સામાન્ય નોકરી કરતા મારા પિતા હોસ્પિટલ ખર્ચ પણ ઉપાડી શકે એમ નહોતા.
સંસ્થાએ મદદ કરી
અજય ફરી મારી પર અત્યાચાર કરશે અને તે મારા મોબાઈલ, બેગ અને એટીએમનો દુરુપયોગ કરશે તેવી ભીતિ હતી, જે મને હોસ્પિટલમાં પણ આરામ કરવા દેતી નહોતી. મેં મારી સહેલીને સઘળી બાબત જણાવતાં તેણે નારી સુરક્ષા અને અધિકાર માટે કામ કરતી સંસ્થાની મુલાકાત કરાવી, જ્યાં મારી સઘળી વેદના પરિવારની સ્થિતિ જણાવી. તેમણે અજય અને તેની પત્ની તેમજ તેના કુટુંબને નોટિસ પાઠવી સુરક્ષિતતાની કાયદેસર બાંયધરી લખાણ લઈ સમાધાન કરાવી મને બચાવીને રાહત આપી છે.

અન્ય સમાચારો પણ છે...