આણંદ જિલ્લામાં પ્રદૂષણ અટકાવવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. જે અંતર્ગત પ્રદૂષણ વિભાગની ટીમોએ તપાસ કરતાં કેટલાંક એકમો દ્વારા ઝેરી ગેસ છોડીને પ્રદૂષણ ફેલાવાતું હોવાનુ ખૂલવા પામ્યુ હતુ. તેમજ કેટલીક જગ્યાએ વેસ્ટ કેમિકલનો નિકાલ ખુલ્લામાં કરાતાં જમીનને નુકશાન થતું હોય જેવી અનેક બાબતોને ધ્યાને લઇને તપાસ દરમિયાન 1085 જેટલા એકમોને પોલ્યુશનના નિયમોનો ભંગ કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે.
આણંદ જિલ્લા પ્રદૂષણ વિભાગ દ્વારા જિલ્લામાં પ્રદૂષણને અટકાવવા માટેની કવાયત હાથ ધરી હતી. જે અંતર્ગત જુદી જુદી ટીમો બનાવીને ખંભાત, તારાપુર, સોજીત્રા, બોરસદ પંથક સહિત વિદ્યાનગર વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક નાનામોટા એકમોની તપાસ હાથ ધરી હતી . જેમાં ખંભાત અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતાં એકમોને નોટીસ ફટકારી છે.
જ્યારે અન્ય વિસ્તારોમાં પોલ્યુશન વિભાગના નિયમો અનુસાર એકમોએ જરૂરી સાધનો વસાવા તેમજ, રજીસ્ટ્રેશન નિભાવ તેમજ કર્મચારીઓના સ્વાસ્થયને નુકશાન ન થાય તે માટે જરૂરી નિયમોનું પાલન કરવાનું હોય છે. પરંતુ મોટા ભાગના નાના એકમો રજીસ્ટ્રેશન વગર તેમજ નિયમોનો ભંગ કરતાં હોય તેવા 700થી વધુ એકમોને નોટીસ પાઠવી છે.
નોટિસ | પ્રદૂષણ નિયંત્રિત કરવા અને રજિસ્ટ્રેશન પૂરુ કરવા તાકીદ
આણંદ જિલ્લા પ્રદૂષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલ્યુશનના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે ચેકીંગ હાથધર્યું છે. જેમાં કેટલાંક નાના એકમોએ રજીસ્ટ્રેશન ને રીન્યુ કરાવ્યું ન હતું. તો વળી કેટલાંક નવા સ્થપાયેલા એકમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી.
જ્યારે ખંભાત, તારાપુર વિસ્તારમાં કેમીકલ ખુલ્લા છોડીને પ્રદૂષણ ફેલાવતા એકમોને નોટીસ પાઠવવામાં આવી છે. આ એકમો દ્વારા તાત્કાલિક પોલ્યુશનના નિયમો અનુસાર અમલ કરીને સાધનો વસાવા તેમજ પોલ્યુશન ન ફેલાય તે માટે તકેદારી લેવા જણાવ્યું છે. જો તેનો અમલ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
રજીસ્ટ્રેશન નહીં કરનારને નોટીસ મળી
વિઠ્ઠલ ઉદ્યોગનગર વિસ્તારના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, નોનકેમિકલ ઝોન હોવાથી નિયમોનું પાલન નહીં કરનારને નોટીસ મળી છે. ખાસ કરીને નાના એકમો રજીસ્ટ્રેશન કરાવતાં નથી. તેમજ પોલ્યુશન અટકાવવા માટે નિયમોનું પાલન કરતાં નથી. તેવા એકમોને પ્રદૂષણ વિભાગે નોટીસ પાઠવી છે. જીબીસીબીએ કયાં કારણસર નોટીસ પાઠવી છે. તેની તપાસ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.