આણંદ જિલ્લામાં વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા રેશનકાર્ડધારકોને ઓછું અનાજ વિતરણ કરવામાં આવતું હોવાની તથા કેટલાંક દુકાનદારો દ્વારા ઓફલાઇન અનાજ વિતરણ કરાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે તપાસ કરતાં સમગ્ર જિલ્લામાં 99 જેટલાં દુકાનદારોની નિષ્કાળજી પ્રકાશમાં આવી હતી. જેને પગલે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તમામને નોટિસ આપવામાં આવી છે અને આગામી દિવસમાં આ અંગેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. જો સંતોષકારક જવાબ નહીં લાગે તો પરવાના રદૃ કરવા સુધીની કાર્યવાહી કરાશે.
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લા પુરવઠા અધિકારી એસ. જે. શાહની સૂચના મુજબ દરેક તાલુકામાં આવેલી વ્યાજબી ભાવની દુકાનો પર ચાલતી ગેરરીતિઓ સંદર્ભે જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન, તપાસમાં ઓફલાઇન વિતરણ કરતાં 50 જેટલા સંચાલકો અને રેશનકાર્ડ દીઠ નક્કી કરેલાં અનાજ કરતાં ઓછું અનાજ આપતાં 49 જેટલા દુકાનદારો મળી કુલ 99 દુકાનદારો મળી આવ્યા હતા. જેને પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.
આણંદ જિલ્લા ક્લેકટર ડી.એસ.ગઢવીએ રેશનકાર્ડની દુકાનો પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અને દરેક રેશનકાર્ડને પુરતા પ્રમાણમાં અનાજ વિતરણ થાય છે કે નહીં તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. જોકે, આમ છતાં, 99 દુકાનદારો રેશનકાર્ડ ધારકોને નિયત કરેલ જથ્થા કરતાં ઓછું અનાજ વિતરણ કરતાં હોવાનું તથા ઓફલાઈન અનાજ વિતરણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ અંગે વાત કરતાં જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.શાહે જણાવ્યું હતું કે, આ તમામને નોટીસ પાઠવીને જવાબ માંગ્યો છે. આગામી સમયમાં તારીખ ફાળવીને તમામને બોલાવવામાં આવશે. અને જવાબ લેવામાં આવશે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો તેમની સામે પરવાના રદૃ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
અનાજ વિતરણમાં 95 ટકાનો વધારો થયો
આણંદ જિલ્લા પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસ કરતાં ફેબ્રુઆરી માસમાં આધાર આધારિત વિતરણ શરૂ કરવામાં આવતાં 95 ટકા વિતરણમાં વધારો થયો છે. આગામી દિવસમાં 100 ટકા આધાર આધારિત વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે.
95 ટકા કાર્ડ પર અનાજ વિતરણ થવું જોઈએ
સામાન્ય રીતે નિયમ પ્રમાણે દુકાનદારોને પરવાનો આપવામાં આવ્યો છે ત્યારે તેમાં 95 ટકા કાર્ડ પર અનાજ વિતરણ થવું જોઈએ. પરંતુ તાજેતરમાં તપાસ કરવામાં આવી તેમાં મોટાભાગના દુકાનદારો દ્વારા માત્ર 50થી 60 ટકા જ અનાજ વિતરણની કામગીરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આમ, મોટાભાગના દુકાનદારો તેમની દુકાન તેમના સમયે જ ખોલતા હોવાનું અથવા તો દિવસ દરમિયાન બંધ રાખતા હોવાનું પણ ફલિત થાય છે. આ સિવાય, ઓફલાઈન કામગીરી કરતા હોવાનું પણ બહાર આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.