ચોમાસાની શરૂઆત થવાની હોઈ હાલ ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણની ખરીદી કરવામાં આવતી હોય છે. ખેડૂતોને ગુણવત્તાસભર અધિકૃત બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ખેતી નિયામક ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લામાં સ્કવોડ બનાવી ડીલરો અને એજન્સીઓને ત્યાં ચકાસણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આણંદ નાયબ ખેતી નિયામકે જણાવ્યું હતું કે, આ ટીમ દ્વારા આણંદ જિલ્લાના 40 વિક્રેતાઓને ત્યાંથી બિયારણના-14, રાસાયણીક ખાતરના-1 તથા જંતુનાશક દવાના-6 મળી કુલ 21 નમુના લઈ રાજ્ય પ્રયોગશાળા, ગાંધીનગરમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.આ ઉપરાંત 16 વિક્રેતાઓને નોટીસ પાઠવવામાં આવી છે અને રૂા. 9.96લાખનો જથ્થો અનિયમીતતાના કારણે અટકાવવામાં આવ્યો છે.
વધુમાં તેઓએ ખેડૂત ગ્રાહકોની જાગૃતિ થવાની સલાહ આપતા જણાવ્યું હતું કે, ખેત સામગ્રીની ખરીદી સમયે વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ, સરનામા તથા તેની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ, લોટ નંબર, બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પુરી થયા તારીખ વિગતો દર્શાવતું પાકુ બીલ મેળવી લેવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇ થેલી, ટીન, લેબલ સાથે અવશ્ય કરી લેવી તથા પી.ઓ.એસ મશીનથી રાસાયણીક ખાતરની ખરીદી ફરજીયાત કરવી અને ખરીદેલ રાસાયણીક ખાતરનો જથ્થો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ મેસેજમાં ખરીદેલ જથ્થો સરખો રહે તે જોવું.
આ ઉપરાંત ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઇ શંકા હોય તો જે તે તાલુકાના ખેતીવાડી અધિકારી અથવા જિલ્લા કક્ષાએ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરીનો સંપર્ક કરવો તેમ વધુમાં જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.