કાર્યવાહી:વિદ્યાનગર પાલિકાની બાકીદારો સામે તવાઇ, 530ને મિલકત જપ્તીની નોટિસ

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની 1.86 કરોડની વેરા વસુલાત બાકી પડતા કાર્યવાહી શરૂ

વિદ્યાનગર પાલિકામાં 100 ટકાના બદલે માત્ર 72.36 ટકા વેરા વસુલાત થઇ છે ત્યારે 100 ટકા વસુલાત કરવાના લક્ષ્યાંક સાથે 530 બાકીદારોને મિલકત જપ્તીની નોટીસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. વિદ્યાનગર નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાનગર પાલિકા હસ્તક 12 હજાર ઉપરાંત મિલકત ધારકો આવેલા છે.

પાલિકામાં મિલકત, સફાઇ, દિવાબતી, ગટર અને શિક્ષણ ઉપકર વેરો ભરપાઇ કરવામાં નહીં આવતાં 1.86 કરોડ ઉપરાંત વેરા વસુલાત બાકી પડે છે. આથી વિદ્યાનગર પાલિકાએ વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 1227 જેટલા બાકીદારોના માંગણા બિલની નોટીસ ફટકારી વેરો ભરી જવા માટે રીક્ષામાં સતત માઇક એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે. તેમજ ટીમોએ ડોર ટુ ડોર વસુલાત કરવામાં આવતાં 3.67 કરોડ ઉપરાંતની વસુલાત કરી છે.

જોકે, 1.86 કરોડની વેરા વસુલાત બાકી પડતી હોય 100 ટકા લક્ષ્યાંક પુરો કરવા માટે પાલિકાએ 530 બાકીદારનો મિલકત જપ્તી નોટીસ ફટકારી છે. આમ છતાં વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તો ટીમો દ્વારા મિલકત જપ્તીની કાર્યવાહી શરૂ કરાશે. છેલ્લા 5 વર્ષથી વિદ્યાનગર પાલિકામાં 100 ટકા વેરા વસુલાતની કામગીરી કરવામાં આવે છે. આ વખતે પણ ટાર્ગેટ પૂરો કરવામાં આવશે.

વેરો નહીં ભરાય તો કાર્યવાહી કરાશે જ
વિદ્યાનગર પાલિકામાં બાકીદારોને વારંવાર સૂુચના આપવા છતાં બાકી વેરો ભરપાઇ કરવામાં આવતો નહતો. આથી ટીમો બનાવીને વેરા વસુલાતની ઝુંબેશ હાથ ધરવામાં આવતાં વિદ્યાનગર પાલિકાએ ચાલુ વર્ષે 3.67 લાખ ઉપરાંત રકમની વસુલાત કરી છે. તેમજ 1.86 લાખ ઉપરાંત રકમની વસુલાત કરવા માટે મિલકત જંપતી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.> જે.વી.પરમાર, ચીફ ઓફિસર, વિદ્યાનગર પાલિકા.

અન્ય સમાચારો પણ છે...