રાજકારણમાં હડકંપ:ઉમરેઠ પાલિકાના તત્કાલિન સત્તાધીશોને ફરવા માટે સરકારી પૈસૈ મોંઘી કાર મંગાવી, પ્રાદેશિક કમિશ્નરની રિકવરી માટે નોટીસ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીઓ માટે પાલિકાએ બારોબાર ઠરાવ કરી 10.50 લાખની નવી કાર મંગાવી

ઉમરેઠ નગરપાલિકામાં તત્કાલીન પ્રમુખ સંગીતાબેન તથા ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટે ભેગા મળીને જે તે સમયે 10.50 લાખની નવી કાર મંગાવી હતી. આમ કોઈપણ જાતના ઠરાવ કે સભ્યો સાથે ચર્ચા કર્યા વગર પાલિકામાં લાખોની માતબર રકમનો ખર્ચ પાડીને કાર મંગાવી હતી. જે બાબતે જાગૃત નાગરિકો દ્વારા વડોદરા પ્રાદેશિક કમીશ્નરને લેખિત રજુઆત કરી હતી. તેઓએ તપાના અંતે પ્રાદેશિક કમિશ્નર દ્વારા રકમની રિકવરી નોટિસ મોકલતા ઉમરેઠના રાજકારણમાં હડકંપ મચી છે.

ઉમરેઠ નગરપાલિકામાં જે તે સમયે પ્રમુખ તરીકે સંગીતાબેન પટેલ હતા અને તે સમયે ચીફ ઓફિસર તરીકે ભારતીબેન સોમાણી ફરજ બજાવતા હતા. ત્યારે ચીફ ઓફિસર પાસે કાર ન હોવાથી ભાડાના કારમાં ફરતા હોઈ જે તે સમય દરમિયાન પાલિકામાં પોતાની સત્તાની રૂએ 10.50 લાખના ખર્ચે નવી કારની ખરીદી કરવામાં આવી હતી. આમ જે તે સમયે પ્રમુખ અને ચીફ ઓફિસરે સત્તાનો દુરપયોગ કરી પાલિકાના નાણાનો ખોટી રીતે ઉપયોગ કર્યો ના આક્ષેપો થયા હતા અને નગરમાં રાજકારણ રમાણે ચઢ્યું હતું.

જે બાબતે ઉમરેઠના જાગૃત નાગરિક નીલેશ વ્યાસ અને ભરતભાઈ ઠાકરે ઉચ્ચ કક્ષાએ તેમજ પ્રાદેસિક કમીશ્નર વડોદરાને લેખિત રજુઆત કરી જે બનાવ અંગે તપાસ કરાવતા સત્તાધીશોએ સત્તાનો દુરપયોગ કરી ખોટી રીતે નાણાં વેડફ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. જે બાબતે વડોદરા પ્રાદેશિક કમિશ્નરે ભુતપુર્વ પ્રમુખ સંગીતાબેન પટેલ, સીઓ ભારતીબેન સોમાણી અને ચીફ એકાઉન્ટન્ટને નોટીસ પાઠવીને રુા. 10.50 લાખ દિન 30 માં પાલિકામાં જમા કરવા હુકમ કર્યો છે.

આ હુકમને લઈ ઉમરેઠના રાજકારણમાં ચર્ચાનો ચક્રવાત ઉભો થયો છે. હાલ ઉમરેઠના ચીફ ઓફિસરની અન્યત્ર બદલી થઈ ગઈ છે. જોકે, બાબતે ઉમરેઠ પાલિકાનાં પૂર્વ પ્રમુખ સંગીતાબેન પટેલએ જણાવ્યું હતું કે. જે તે વખતે નગરપાલિકાનાં વિકાસનાં કામ અર્થે પાલિકાનાં ચીફ ઓફિસરને જુદી જુદી જગ્યાએ વારંવાર જવાનું થતું હતું. ચીફ ઓફિસર પાસે પોતાની કાર ન હોવાથી પાલિકા બોર્ડની મીટીંગમાં ઠરાવ કરી કારની ખરીદી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...