વરસાદ:આણંદ જિલ્લામાં વાદળોની ઘેરાબંધી વચ્ચે સામાન્ય વરસાદ, બોરસદના કણભા ગામે વીજળી પડી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી ત્રણ દિવસ સુધી ચરોતર પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના

આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી છુટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યાં છે. જેના કારણે સિઝનના વરસાદમાં દરેક તાલુકામાં 10 ટકા ઉપરાંતનો વધારો નોંધાયો છે. મંગળવાર સાંજથી બુધવાર સવાર સુધી વરસાદે વિરામ લીધો હતો. બુધવારે બપોરે 1 વાગ્યા થી સાંજના 6 કલાક સુધી ઝરમર વરસાદ સમગ્ર જિલ્લામાં પડયો હતો.

બુધવારે દિવસે આણંદમાં 5 મીમી, આંકલાવમાં 3 મીમી,સોજીત્રામાં 6 મીમી અને તારાપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો છે. રાજયના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી જિલ્લા કલેકટર દક્ષિણીએ અધિકારીઓ અને તલાટી કમ મંત્રીને હેડક્વાર્ટર નહીં છોડવા તેમજ તમામ પંચાયતોમાં જરૂરી સાધનો રાખવા જણાવ્યું છે. તેમજ માર્ગ મકાન વિભાગને ભારે વરસાદમાં માર્ગો પર વાહન વ્યવહાર બંધ ન થઇ જાય તે માટે તકેદારી રાખવા જણાવ્યું હતું. જેથી માર્ગ મકાન વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં 10થી વધુ જેસીબી ચોકડી પર મુકી દેવામાં આવ્યા છે.

કણભામાં વીજળી પડવાથી એક પશુનું મોત નિપજ્યું
આણંદ જિલ્લા પશુપાલન વિભાગના ડો. સ્નેહલ પટેલે જણાવેલ કે, કણભા ગામમાં વીજળી પડવાથી એક પશુનું મોત નિપજયું હતું.પશુપાલકે આ બાબતે પશુપાલન વિભાગને જાણ કરી હતી. આથી વેટરનરી ટીમોએ સ્થળ પર દોડી જઇને પશુનું પીએમ કર્યું હતું.

3 દિવસ વરસાદની પડવાની આશા
આણંદ કૃષિ હવામાન વિભાગના અધિકારી મનોજ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, 3 દિવસ સુધી આણંદ-ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 17મી પછી સિસ્ટમ નબળી પડશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...