ઓનલાઈન સેવામાં વધારો:આણંદમાં વાહન ચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશને ધક્કો નહીં ખાવો પડે, ઈ-એફઆઈઆરની સુવિધા ચાલુ કરવામાં આવી

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન કે મોબાઈલ ચોરીના કિસ્સામાં મોબાઈલ એપ મારફતે નાગરિકો ફરીયાદ કરી શકશે
  • ઈ-એફઆરઆઈની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાશે તેવી ફરિયાદ એફઆઈઆરમાં રૂપાંતરિત કરાશે

આણંદ જિલ્લામાં નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા માટે વાહન અને મોબાઈલ ચોરીની ઈ-એફઆઈઆરની સુવિધા ચાલુ કરવામાં આવી છે. જેના થકી નાગરીકો વાહન કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે ફરીયાદ કરી શકશે.

આણંદ જિલ્લાના લોકો ઘરે બેઠા મોબાઈલમાંથી વાહન ચોરીની ફરીયાદ કરી શકશે. આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં ઈ-એફઆરઆઈની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ એફઆઈઆરમાં રૂપાંતરિત કરવામાં આવશે.

નાગરીકો આ રીતે કરી શકશે ફરિયાદ

ઈ - એફઆરઆઈ સુવિધાની કાર્યપ્રણાલી અંગે યાદીમાં જણાવાયું હતું કે, ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા સમયે આપવામાં આવેલી અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને મેલ અથવા એસએમએસથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.

આ બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆરઆઈ ફોરવર્ડ થશે. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર કે પોલીસ અધિક્ષકની કચેરીએ ઈ-એફઆરઆઈ ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર કે પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક ઈ-એફઆરઆઈ મોકલી આપશે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં ઈ-એફઆરઆઈ જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી અસાઈન થવા અંગે મેલ અથવા મેસેજથી જાણ કરવામાં આવશે.

ઈ-એફઆરઆઈ મળ્યા બાદ કેવી રીતે કામ કરશે?

આ પ્રકારની ઈ-એફઆરઆઈ મળતાં તપાસ અધિકારીને સૌપ્રથમ જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા ઈ-એફઆરઆઈ અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે. બાદમાં થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં ઈ-એફઆરઆઈનો યોગ્ય નિકાલ કરશે.

ઈ-એફઆરઆઈની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં એફઆરઆઈ દાખલ કરશે. જો બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે એફઆરઆઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. ઈ-એફઆરઆઈ માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.

ઈ-એફઆરઆઈ અપલોડ થયાના 72 કલાકમાં તેનો નિકાલ કરવાનો રહેશે

સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી ઈ-એફઆરઆઈ અપલોડ થયાના 72 કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો 72 કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ ઈ-એફઆરઆઈ હોવા અંગેનો મેલ અને મેસેજ તુરંત જ ઉપરી પોલીસ અધિકારીઓને કરવામાં આવશે. આમ ઈ-એફઆરઆઈ સંદર્ભે પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો ઈ-એફઆરઆઈને ઈ-ગુજકોપ દ્વારા એફઆરઆનો ધોરણસરનો રનીંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

આ ઉપરાંત ઈ-એફઆરઆઈ અંગે 120 કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...