કોબ્રા સાપને રેસ્ક્યુ કરાયો:આણંદના કરમસદના ફાર્મ હાઉસમાંથી નેચર હેલ્પ ફાઉન્ડેશને ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ

આણંદ14 દિવસ પહેલા
  • વેદાંત ફાર્મ હાઉસના કોટેજના કાચના દરવાજામાં સાપ ફસાતાં લોકો ગભરાયા
  • સંસ્થાના વોલન્ટિયર દ્વારા સાપને ત્યાંથી ખસેડી તેનું રેસ્ક્યુ કરાયું
  • બધા સાપ ઝેરી હોતા નથી, બિન ઝેરી સાપ કરડવાથી ક્યારેય માણસ મરતો નથી : પીયૂષભાઈ

કરમસદ શહેર ખાતેના ગાના રોડ પરના વેદાંત ફાર્મ હાઉસના કોટેજના કાચના દરવાજામાં સાપ ફસાયો હતો. જેના કારણે આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. આ અંગે સ્થાનિકોએ નેચર હેલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. જેને પગલે સંસ્થાના વોલન્ટિયર દ્વારા સાપને ત્યાંથી ખસેડી તેનું રેસ્ક્યુ કરાયું હતું અને લોકોને ભયમુક્ત કર્યા હતા.

આણંદના કરમસદ-ગાના રોડ પર આવેલા વેદાંત ફાર્મ હાઉસના કોટેજના કાચના દરવાજામાં સાપ ફસાઈ ગયો હોવાની વિગતો સામે આવી હતી. સાપ ત્યાં લાંબા સમયથી હતો અને નીકળતો નહોતો, જેથી ત્યાંના લોકો પણ ગભરાઇ ગયા હતા. જેના માટે સ્થાનિકો દ્વારા વન્ય પ્રાણીઓ બચાવતી સંસ્થા નેચર હેલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક કરાયો હતો. સંસ્થાના વોલન્ટિયર પીયૂષભાઈ પરમારે સ્થળ પર પહોંચી તેનું રેસ્ક્યુ કર્યું હતું.

આ અંગે પીયૂષભાઈએ જણાવ્યું હતું કે આ સાપ નાગ હતો, જેને અંગ્રેજી ભાષામાં કોબ્રા કહેવાય છે. આ સાપનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ રેસ્કયુ ઓપરેશન બાદ કોબ્રા સાપને સલામત રીતે માનવ વસ્તીથી દૂર છોડવા તજવીજ હાથ ધરાઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે જાહેર જનતાએ તકેદારી અવશ્ય રાખવી કે ઘર, બંગ્લોઝ, ફાર્મહાઉસ, ગાર્ડનમાં અવાવરી વસ્તુ ન રાખવી, નકામી પાઈપ, થેલા, બોક્સ, જૂના શૂઝ યોગ્ય ઠેકાણે રાખવા. હંમેશા રાત્રિના સમયે બુટ ઘરની બહાર નીચે ઉતાર્યા પછી અવશ્ય પહેરતી વખતે ચેક કરવા જોઈએ, પછી જ પહેરવા જોઈએ. ઘણી વાર અમારા રેસ્ક્યુમાં બુટમાંથી પણ સાપ જોવા મળ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘરમાં કોઈ નકામો હોલ કે ગટર લાઈનના લીકેજ હોય તો તેવી જગ્યાએ પણ સાપ બેસી જાય છે. ખાસ કરીને જો સાપ ઘરમાં જોવા મળે તો તેને મારશો નહીં. તે ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે તેનું ધ્યાન રાખી ફોરેસ્ટ વિભાગ અથવા નેચર હેલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક કરવો. બધા સાપ ઝેરી હોતા નથી, મુખ્ય ચાર ઝેરી સાપ જોવા મળે છે, કોબ્રા (નાગ), (કાળોતરો) ક્રેટ, રસલ વાઈપર (ખળચિતરો), ફુરસો (સો-સ્કેલ્ડ વાઇપર). બિન ઝેરી સાપ કરડવાથી ક્યારેય માણસ મરતો નથી. પણ સાપ કરડે ત્યારે કોઈ પ્રકારની અંધશ્રદ્ધા રાખી ભૂવા-તાંત્રિકો કરતા પહેલાં તુરંત ડોક્ટર પાસે જવું અને સારવાર લેવી.

અન્ય સમાચારો પણ છે...