લોક અદાલત:આણંદમાં નેશનલ લોક અદાલતમાં 6 હજારથી વધુ કેસોનો નિકાલ, અકસ્માતને લગતા કેસોમાં 3.44 કરોડ ચૂકવવા આદેશ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

આણંદમાં નેશનલ લોક અદાલતમાં મુકાયેલા જુદા જુદા છ હજાર જેટલા સમાધાનકારી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં અકસ્માતને લગતા વળતરના 57 કેસમાં રૂ.3.44 કરોડ ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય કેસોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન મુજબ આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકાની કોર્ટ દ્વારા 12મી ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આણંદના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી. બી. ગોહિલની અધ્યક્ષતામાં એમ.એ.સી.પી. કેસ, ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-138ના કેસ, લગ્ન સંબંધી ફેમિલી કેસ, મહેસૂલના કેસ, મજૂરો સાથેના તકરારના કેસ, દીવાની દાવા જેવા કે ભાડા કબજાના દાવા, બેંકના કેસો, વીજળી તથા પાણીના કેસ તેમજ હજુ સુધી અદાલતમાં દાખલ ન થયા હોય તેવા બેંકોના પ્રિ-લિટીગેશન કેસો સહિતના સમાધાન માટે રાખવામાં આવેલ કેસો પૈકી કુલ 6132 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં મોટર અકસ્માતને લગતા વળતરના કેસોમાં કુલ-57 કેસોનો સુખદ નિકાલ કરી રૂપિયા 3.44 કરોડ, નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ- 138 ના 579 કેસોનો સુખદ નિકાલ કરી 16 કરોડ, ફોજદારી સમાધાન લાયક કેસ, લગ્ન સંબંધી ફેમિલી કેસ, મજૂરો સાથેના તકરારના કેસ, દીવાની દાવા જેવા કે ભાડાના, બેંકના વગેરે કેસો અને હજી સુધી અદાલતમાં દાખલ ના થયા હોય તેવા બેંકોના પ્રિ-લિટીગેશન કેસો મળીને કુલ- 6132 જેટલા કેસોમાં સુખદ સમાધાન થયું હતું. આ લોક અદાલતમાં જિલ્લા ન્યાયાધીશ વી.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સચિવ એ. જી. શેખએ બેંકના અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ સંલગ્ન વકીલઓ સાથે વખતો વખત મીટીંગનું આયોજન કરી આ લોક અદાલતને સફળ બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...