છેલ્લાં કેટલાંય સમયથી મોટાભાગના વાલીઓમાં સરકારી શાળાની સામે પોતાના પુત્ર-પુત્રીને ખાનગી શાળામાં ભણાવવાનો મોહ વધ્યો છે. જોકે, એમાં ખોટું પણ નથી. કેમ કે, વર્ષો અગાઉ સરકારી શાળાઓની સ્થિતિ, બાળકોના અભ્યાસ અને રમત-ગમત સહિતની અન્ય પ્રવૃતિઓમાં બાળકોનો વિકાસ જાણે રૂંધાઈ જતો હોય એવું ચિત્ર ખડું થતું હતું. પરંતુ હવે, એવું નથી. છેલ્લાં કેટલાંય સમયથી સરકારી શાળામાં ભણતાં બાળકો ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવું જ્ઞાન ધરાવે છે. ભણવાનું હોય કે રમત-ગમત તેઓ હવે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને હંફાવી રહ્યા છે.
અલબત્ત, આવો જ એક કિસ્સો તાજેતરમાં આણંદ પાસેના ગોપાલપુરા સરકારી શાળામાં બન્યો છે. જેમાં બેનીફિટ ટુ સોસાયટી અંતર્ગત આઈજીબીસી (ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ) ગ્રીન યોર સ્કૂલ-2021માં ગોપાલપુરા સરકારી પ્રાથમિક શાળાની સમગ્ર ભારતમાંથી પ્રથમ પસંદગી કરવામાં આવી છે. આ માટે રૂપિયા ચાર લાખનો રોકડ પુરસ્કાર પણ શાળાને આપવામાં આવ્યો છે.આ બાબતે વાત કરતાં શાળાના આચાર્યા શૈલીનબેન ડાભીએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષથી ઓનલાઈન થતાં આ કાર્યક્રમમાં અમારી શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
ગામડાના વિદ્યાર્થીઓ કે જેઓ માટે કમ્પ્યુટર, લેપટોપ, ઓનલાઈન કાર્યક્રમ પણ આમ જોવા જઈએ તો નવાઈ કહેવાય, એ સમયે તેઓએ હિન્દી અને થોડું અંગ્રેજીમાં સમગ્ર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ગ્રીન યોર સ્કૂલ -2021 સ્પર્ધામાં દેશભરમાંથી 380 જેટલી જુદા જુદા માધ્યમ અને બોર્ડની સરકારી અને ખાનગી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં નેશનલ કક્ષાની તથા હેલ્થ, કોમ્યુનિટી, નેચરલ રિસોર્સિસના સંવર્ધન માટે કેવા પ્રયાસ કરી શકાય તે જણાવવાનું હતું.
આ સ્પર્ધામાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજુ કર્યા હતા. જેમાં અમારી પ્રાથમિક શાળાએ એક સરકારી શાળા તથા ગુજરાતી માધ્યમની એક માત્ર શાળા હતી, તેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ભૂગર્ભ જળ સંરક્ષણ કાર્યપ્રણાલી, આલ્કોહોલ મુક્ત સેનેટાઈઝર, શાળા નર્સરી, કેમિકલ મુક્ત પેસ્ટીસાઇડ જેવા ઇકો ફ્રેન્ડલી વિચારો રજૂ કર્યા હતા. અને સમગ્ર ભારતમાં તેની પસંદગી થઈ હતી.
પુરસ્કારની રકમનો ઉપયોગ શાળાના વિકાસ માટે કરાશે
મદદનીશ શિક્ષિકા પીનલબેન પરમારના પ્રયાસ થકી ફાઈનલ આઠમાં શાળાએ સ્થાન મેળવ્યા બાદ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં દિવ્યા ભરવાડ, હિમાશું મકવાણા અને ઈસ્માઈલ ચૌહાણે છથી સાત જ્યુરી સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓ અને િશક્ષકોની મહેનતને પગલે રૂપિયા ચાર લાખનો રોકડ પુરસ્કાર મળ્યો છે જેનો આગામી સમયમાં શાળાને ઈકો ફ્રેન્ડલી બનાવવા ઉપયોગ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.