ઉમરેઠ તાલુકાના એક ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને 36 વર્ષીય યુવક લગ્નની લાલચ આપી અઢી માસ અગાઉ ભગાડી ગયો હતો. ટેક્નીકલ સોર્સના આધારે યુવક આંધ્રપ્રદેશમાં હોવાની બાતમી મળતાં જ પોલીસે બંનેને દબોચી લઈ તેમના મેડિકલ કરાવવાની કવાયત હાથ ધરી છે.
સમગ્ર બનાવની હકીકત એવી છે કે, ઉમરેઠ તાલુકાના હેમરાજપુરામાં ચંદુ મફત ચાવડા રહે છે. તે આખ્યાનકાર છે અને જિલ્લામાં તેમજ જિલ્લા બહાર આખ્યાન કરીને જીવન ગુજરાન ચલાવે છે. થોડાં સમય અગાઉ ઉમરેઠના એક ગામમાં રહેતી 15 વર્ષીય સગીરા તેનું આખ્યાન સાંભળવા ગઈ હતી અને એ સમયે તેના પરિચયમાં આવી હતી. દરમિયાન, શખસે તેને પટાવી-ફોસલાવી હતી અને લગ્નની લાલચ આપી હતી. દરમિયાન, ગત 12મી માર્ચના રોજ સગીરાના ઘરે લગ્નપ્રસંગ હોય ત્યારે તેણી વરઘોડામાં ગઈ નહોતી અને ઘરે જ રોકાઈ હતી.
દરમિયાન, રાત્રિના સમયે તે યુવક સાથે ફરાર થઈ ગઈ હતી. જોકે, સમગ્ર બનાવથી અજાણ પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. આ અંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં અપહરણની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં ટેક્નીકલ સોર્સ અને બાતમીના આધારે બંને જણા આંધ્રપ્રદેશમાં હોવાની માહિતી મળતાં જ પોલીસે બંનેને દબોચી લીધા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.