દહેજના ત્રાસે ઘરસંસાર ઉજાડ્યો:બોરસદની પરિણીતા સાથે ઝગડો કરી નડિયાદના સાસરિયાંએ મધરાતે ઘરમાંથી કાઢી મુકતાં પોલીસ ફરિયાદ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસરીમાં આઠ મહિના સુધી ત્રાસ ભોગવનારી પરિણીતાએ આખરે ચાર સામે ફરિયાદ આપી

નડિયાદના ભોજા તલાવડી વિસ્તારમાં રહેતી બોરસદની પરિણીતાને લગ્નના થોડા સમય બાદ સાસરિયામાં દહેજની તેમજ નાની નાની બાબતે પજવણી કરવામાં આવતી હતી. તેમાં પણ ગયા વર્ષે થયેલા ઝઘડામાં સાસરિયાંએ માર મારી મધરાતે ઘરમાંથી બહાર કાઢી મુકી હતી. આ અંગે પરિણીતાએ બોરસદ ગ્રામ્ય પોલીસમાં પતિ સહિત ચાર સાસરિયાં સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

બોરસદના નાપા તળપદમાં રહેતા વ્યક્તિની દીકરીના લગ્ન નડિયાદના ફૈઝાન પાર્ક ખાતે રહેતા આસીફમીયાં અજીમોદ્દીન કાજી સાથે થયાં હતાં. આ લગ્ન બાદ પીડિતાના સસરા અજીમોદ્દીન ત્રાસ આપવા લાગ્યાં હતાં. તેઓ વારંવાર પીડિતાને "તારા પિતાએ માંગ્યા મુજબ વસ્તુઓ આપી નથી." તેમ કહી બોલાચાલી કરવા લાગ્યાં હતાં. આ ઉપરાંત સાસુ બિસ્મીલ્લાબીબી પણ તારા બાપે સોનાનો દોરો આપ્યો નથી તેમ કહી દાગીનાની માગણી કરવા લાગ્યાં હતાં. પીડિતાની નણંદે પણ તેના પતિને ચઢવણી કરતાં ઘરકંકાસ ઉભો થયો હતો. તેમાંય નણંદ વારંવાર પતિ જમી લે પછી જ જમવા દબાણ કરતાં હતાં. આથી, ઝઘડા વધી ગયાં હતાં.

આ સિવાય પરિણીતાને કપડાં પહેરતા આવડતાં નથી અને તારી જીભ બહુ મોટી થઇ ગઇ છે. તેમ કહી ચઢવણી કરી મધરાતે બે વાગ્યાના સુમારે પરિણીતાને ઘરની બહાર કાઢી મુકી હતી. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે પરિણીતાએ પતિ આસીફ કાઝી, સસરા અજીમોદ્દીન, સાસુ બિસ્મીલ્લાબીબી અને નણંદ અતિકા મલેક સામે ફરિયાદ આપતાં બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...