તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આડા સંબંધના વહેમમાં મોગરીના યુવકની હત્યા

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ સંતાન ધરાવતા મૃતકને નડિયાદની પરણિતા સાથે પ્રેમસંબંધ હોવાનો ઘટસ્ફોટ

આડા સંબંધના વહેમમાં નડિયાદના બે શખ્સોએ યુવકની હત્યા કરી નાંખી છે. આ મામલે જોકે, મોડી સાંજ સુધી પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. મૃતક યુવકની લાશ બોરીયાવી નહેરમાંથી મળી આવી હતી. એ પછી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

મોગરી સ્થિત મફતપુરા રોડ પાસેની શુક્લની ખરી પાસે રાજેશભાઈ મહેશભાઈ રાવળ રહે છે. તેને સંતાનમાં ત્રણ પૂત્રીઓ છે. રવિવારે સાંજે બર્થ ડે પાર્ટીમાં જવાનું કહીને તેઓ ઘરેથી નીકળ્યા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ફર્યા નહોતા. દરમિયાન, ચિંતાતુર પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. જેમાં તેમનું મોપેડ બોરીયાવી નહેર પાસે મળી આવ્યું હતું. પોલીસે આ સંદર્ભે તપાસ હાથ ધરતા મોપેડ રાજેશ રાવળનું હોવાનું ખૂલ્યું હતું.

દરમિયાન પરિવારજનોની પ્રાથમિક પૂછપરછ કરતાં રાજેશ રાત્રિના સમયે તેના મિત્ર અમિત અને તેના સાળા સાથે ગયો હોવાનું જણાવ્યું હતું. એ પછીથી તેમનો કોઈ પત્તો નથી. હાલમાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

તબિયતથી માર માર્યો છે એવું તેમણે કહ્યું
છેલ્લાં કેટલાંક સમયથી નડિયાદના અમિત નામના ઈસમ સાથે મારા ભાઈને મિત્રતા હતી. મને એવું પણ જાણવા મળ્યું હતું કે, અમિતની પત્ની સાથે ભાઈને સંબંધ હતા. અને રવિવારે સાંજના સમયે તે અમિતની પુત્રીની બર્થ ડે પાર્ટીમાં જવાનું કહીને જ નીકળ્યો હતો. આ અંગે જ્યારે પૂછપરછ કરાઈ ત્યારે અમિતના સાળાએ તબિયતથી માર માર્યો છે એવી કબુલાત કરી હતી. > નિરવભાઈ રાવળ, મૃતકનો ભાઈ.

બર્થ ડેનું કહી ઘરેથી નીકળ્યો હતો
રાત્રિના સમયે રાજેશ ઘરે બર્થ ડે પાર્ટીમાં જવાનું કહીને નીકળ્યો હતો. એ ગીફ્ટ પણ લઈ ગયો હતો. એવું કહેવાય છે કે તેના મોપેડ પરથી તે જે ગીફ્ટ લઈને ઘરેથી નીકળ્યો હતો તે પણ મળી આવી છે. > મિલનભાઈ પટેલ, મોગરી, સ્થાનિક

બોરીયાવી નહેરમાંથી લાશ મળી છે
રાજેશનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો છે. જોકે, હાલમાં અમે લોકો સમગ્ર બાબતે તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં તેના શરીર પર ઈજાના ચિન્હો મળ્યા નથી. પરંતુ તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેનું મૃત્યુ કેવી રીતે થયું છે તે તપાસમાં ખૂલે એ પછી જ આગળની કાર્યવાહી હાથ ધરાશે. > નિલેશભાઈ રામી, પીએસઆઈ, આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન.

અન્ય સમાચારો પણ છે...