ઉમરેઠના સૈયદપુરા ગામ પાસેથી પસાર થતી નહેરમાં શનિવારની વ્હેલી સવારે મળેલી મૃતક યુવતીની હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. આ હત્યા કરાયેલી યુવતીની લાશને ઈકો કારને લઈ નહેરમાં નાખવા એક યુવક આવ્યો હતો. આસપાસમાં કોઇ ન હોવાથી તેણે યુવતીની લાશ બહાર કાઢી નહેરમાં ફેંકી દીધી હતી. જોકે, તે ત્યાંથી ઝડપથી ભાગવા માટે કાર રિવર્સમાં લઇ રહ્યો હતો. દરમિયાન કાર પર કાબુ ગુમાવતા તે ખેતરમાં ઘૂસી ગઇ હતી. જ્યાંથી કારને બહાર કાઢી ન શકતાં ત્યાં જ મુકી ભાગી ગયો હતો. આ અંગેની જાણ થતાં ભાલેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યુવતીની લાશ નહેરમાંથી કાઢી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ તપાસમાં ઉત્તરસંડાના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી મુખ્યઆરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
ઉમરેઠ તાલુકાના સૈયદપુરા ગામે પસાર થતી મોટી કેનાલમાં શનિવારની વ્હેલી સવારે 5.45 વાગ્યાની આસપાસ અજાણ્યો શખસ કારમાં 30થી 35 વર્ષની યુવતીની લાશ લઇને આવ્યો હતો. તેણે નહેર પાસે કાર એક સ્થળે ઉભી રાખી આસપાસમાં નજર કરી કોઇ ન દેખાતા તેણે યુવતીની લાશ બહાર કાઢીને કેનાલમાં નાંખી દીધી હતી. બાદમાં તેણે ત્યાંથી સલામત નિકળવા માટે કારને રિવર્સમાં લઇ યુટર્ન લેવા કોશીષ કરી હતી. પરંતુ નહેરનો રસ્તો સાંકડો હોવાથી તે રસ્તા પરથી ઉતરી નજીકના ખેતરના ખાડામાં ઉતરી ગઈ હતી. આથી, તેણે કારને બહાર કાઢવા કોશીષ કરી હતી. પરંતુ તેમાં સફળતા મળી નહતી.
બીજી તરફ ધીરે ધીરે અજવાળું થતાં ખેતરમાં ચહલપહલ શરૂ થઇ ગઇ હતી. જેના કારણે આ યુવક ગભરાઇ ગયો હતો અને કાર મુકી ભાગી ગયો હતો. આ અંગે નજીકના લોકોએ પોલીસને જાણ કરતાં ભાલેજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કારનો કબજો લીધો હતો. આ ઉપરાંત નહેરમાં પણ લાશ જોવા મળતાં તેને તરવૈયાની મદદથી બહાર કાઢી હતી, પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી. ભાલેજ પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીના મોંઢા પર તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું દેખાયું હતું. આથી, યુવતીની હત્યા કર્યા બાદ તેની લાશ સગેવગે યુવક આવ્યો હોવાનું તારણ કાઢ્યું હતું.
પોલીસે કાર નં.(GJ-7-AD-7732)જપ્ત કરી તેના નંબર આધારે માલીકની શોધખોળ કરી હતી અને જે આધારે તપાસ હાથ ધરતા નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામના બે શખ્સો દિનેશ ભીખાભાઇ મેકવાન તથા જેક્શન શાંતિલાલ મેકવાનની પોલીસે ધરપકડ કરતા આ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો છે.
ભાલેજ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીની ઘનીષ્ટ પુછપરછ કરતા મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ નડિયાદ તાલુકાના ચકલાસી અલિન્દ્રા રોડ ઉપર આવેલ બાગે ચિશ્તીયા (મહેતાબ) સોસાયટીમાં રહેતો મુખ્ય આરોપી મિન્ટુ ઉર્ફે જમાલ અહેમદઅલી મલિકે રાખેલા ભાડાના મકાનમાં 30થી 35 વર્ષની યુવતીની હત્યા કરી હતી. ત્યારબાદ લાશનો નીકાલ કરવા ગાડી વ્યવસ્થા આ કામના સહ આરોપીઓ દિનેશ તથા જેક્શનની મદદ લીધી હતી અને આરોપી મીન્ટુ ઉર્ફે જમાલ અહેમદઅલી મલિક નાસી ગયો હતો.
ભાલેજ પોલીસે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપીના સાગરીત બે આરોપીઓ દિનેશ ભીખાભાઇ મેકવાન તથા જેક્શન શાંતિલાલ મેકવાનની ગણતરીના કલાકોમાં શોધી કાઢી મર્ડરનો ગુનાનો પર્દાફાશ કર્યો છે. તેમજ આ કામના મુખ્ય આરોપી મિન્ટુ ઉર્ફે જમાલ મલિકને પકડવા સારુ ઘનીષ્ટ પ્રયત્નો ચાલુ છે.
આ અંગે .ડીવાયએસપી બી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, મૃતક યુવતીનું નામ સલમા હોવાનું જાણવા મળ્યું છે. તેના પરિવાર વિશે કોઈ જ માહિતી મળી નથી. મુખ્ય આરોપી મીન્ટુ ઉર્ફે જમાલ અહેમદઅલી મલિક પશ્ચિમ બંગાળનો છે. તેને આ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો કે આ યુવતી કોઈ સેક્સ રેકેટ તે અંગે મુખ્ય આરોપી ઝડપાય તો જ જાણી શકાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.