બોરસદના ધોબીકૂઈ વિસ્તાર સ્થિત ઈન્દિરા કોલોનીમાં 29 વર્ષીય અજયકુમાર લાલજીભાઈ સોલંકી તેની માતા બાલુબેન સાથે રહે છે. સોમવારે સાંજે તે વિદ્યાનગર સ્થિત તેની નોકરીના સ્થળે હતો. દરમિયાન, નાપા તળપદ સ્થિત ઊંટવાડીયાપુરા ખાતે રહેતા સંજય અમરસિંગ ચૌહાણ, તેનો ભાઈ કમલેશ અમરસિંગ ચૌહાણ, સંજયની પત્ની સીતા તથા તેમનો મિત્ર વિષ્ણુ ગોપાલ તળપદા લાકડી-દંડા સહિતના મારક હથિયાર સાથે તેના ઘરે આવી પહોંચ્યા હતા. અને તે તમામે બાલુબેનને લાકડી-દંડાથી માર માર્યો હતો.
એ પછી કમલેશે અજયને ફોન કરી તારી માતા મારી અને મારા ભાઈના આડા સંબંધની વાતો કરે છે એટલે અમે તેને માર માર્યો છે તેમ કહી ફોન પર જ ધમકી આપી હતી. જેને પગલે ડરી ગયેલો અજય તાબડતોડ તેના ઘરે આવ્યો હતો. જ્યાં ચારેય શખસોએ તેને પણ માર માર્યો હતો. દરમિયાન, અજયના મિત્ર શશીકાન્ત ત્યાં આવી પહોંચતા તેમણે તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. આ બનાવ બાદ અજય અને તેની માતાને લોકોએ તુરંત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અજયની માતા બાલુબેનનું મોત નીપજ્યું હતું. આ મામલે અજયની ફરિયાદના આધારે બોરસદ ગ્રામ્ય પોલીસે મહિલા સહિત ચારેય જણાં વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.