વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના જ્ઞાનોદય પરીક્ષા ભવનમાં હાલમાં પ્રથમ સેમિસ્ટરની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે છેેલ્લાં બે દિવસથી વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરીનો પ્રશ્ન ઊભો થતાં તેમણે આ મામલે રજૂઆત કરી હતી. જેમાં યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા તપાસ કરતાં વિદ્યાર્થીઓનો મોબાઈલ ચોરી કરનારો શખસ એમએસસીના પ્રથમ સેમિસ્ટરમાં અભ્યાસ કરનારો યુવક જ નીકળ્યો હતો.
આ અંગે વાત કરતાં વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએે જણાવ્યું હતું કે, સોમવાર અને મંગળવાર એમ બે દિવસ વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરી થતાં હોવાની રજૂઆત મળતાં જ અમે લોકોએ યુનિવર્સિટીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. દરમિયાન, સાંજના સેશનમાં પરીક્ષા પૂરી થાય તેના દસેક મિનિટ પહેલાં ઉમરેઠમાં રહેતો વિદ્યાર્થી પેપર આપીને નીકળી જતો હતો. વિદ્યાર્થી એમએસસીના પ્રથમ સેમિસ્ટરમાં હતો. તે શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતાં તેણે જ મોબાઈલ ચોર્યા હોવાની કબુલાત કરી હતી.
સામાન્ય રીતે તે પોતાના થેલા પાસે જે વિદ્યાર્થીનો થેલો પડ્યો હોય તે ફંફોસતો અને મોબાઈલ ચોરી લેતો હતો. તેણે બે મોબાઈલ ચોર્યા હોવાનું જણાવ્યું હતું. જે પૈકી એક કબજે લેવાયો છે. હાલમાં તેના વિરૂદ્ધ શું કાર્યવાહી કરવી તે નક્કી કરાયું નથી, એમ વાઈસ ચાન્સેલરે વધુમાં ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.