તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં સામુહિક આપઘાત:પતિને દેવું થઈ જતાં પત્નીએ પુત્ર-પુત્રી સાથે ઝેરી દવા ખાધીઃ માતા પુત્રનું મોત, પુત્રીનો બચાવ

આણંદ7 મહિનો પહેલા
આણંદમાં સામૂહિક આપઘાતનો બનાવ.
  • 15 વર્ષીય પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ, આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી
  • પુત્રીના ફોનથી દોડી આવેલા પિતા દવાખાને લઈ ગયા પણ પત્ની-પુત્રને ન બચાવી શક્યા

આણંદમાં શુક્રવારે બનેલી સામુહિક આપઘાતની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. મૂળ મથુરાના પણ આણંદમાં વર્ષોથી સ્થાયી થયેલા બિઝનેસમેન પરિવારના મોભીના પત્ની, પુત્ર, પુત્રીએ તેમની ગેરહાજરીમાં ઝેરી દવા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમયસર સારવાર મળતાં પુત્રીનો બચાવ થયો હતો જ્યારે માતા અને પુત્રનું મોત થયું હતું. જોકે, સ્યુસાઈડ નોટ મળી ન હોય આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ પ્રારંભિક તપાસમાં આર્થિક સંકડામણ હોવાનું ખૂલ્યું છે.

શુક્રવારે સવારે એક જ ઘરમાંથી બે અર્થી ઉઠતાં શહેરીજનોની આંખો ભરાઈ ઉઠી હતી.
શુક્રવારે સવારે એક જ ઘરમાંથી બે અર્થી ઉઠતાં શહેરીજનોની આંખો ભરાઈ ઉઠી હતી.

આણંદ શહેરમાં જીવનદીપ સોસાયટીમાં મૂળ મથુરાના પણ વર્ષોથી ધંધાર્થે આણંદ શહેરમાં સ્થાયી થયેલા પ્રકાશભાઈ અશ્વિનકુમાર શાહ પત્ની ટીનાબેન (ઉ.વ-38), પુત્ર મીતકુમાર(ઉ.વ-12) અને પુત્રી તૃષ્ટિબેન(ઉ.વ-15) સાથે રહેતા હતા. તેઓ છેલ્લાં દસેક વર્ષથી વિદ્યાનગરમાં મીત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ટ્રાવેલ્સનો વર્ષોથી ધંધો કરે છે. પ્રકાશભાઈ ગુરૂવારે રાબેતા મુજબ તેમની ઓફીસે ગયા હતા. એ સમયે પત્ની અને બે બાળકો એકલાં હતા. દરમિયાન, બપોરના બાર વાગ્યાની આસપાસ પુત્રી તૃષ્ટિએ પિતાને ફોન કરીને ઝેરી દવા ખાધી હોવાની જાણ કરી હતી. પુત્રીનો ફોન આવતાં જ તેઓ તુરંત જ હાંફળાં-ફાંફળા ઘરે આવી પહોંચ્યા હતા. જ્યાં ત્રણેયની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.

તેમણે તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે આણંદ શહેરની ખાનગી હોસ્પિટલમાં ત્રણેયને ખસેડ્યા હતા, અને બીજી તરફ બનાવની જાણ મિત્ર વર્તુળ અને સગા-સંબંધીઓને કરી હતી. દરમિયાન, સારવાર દરમિયાન ટીનાબેન તેમજ પુત્ર મીતનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રી તૃષ્ટીનો બચાવ થયો હતો. આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તેની પૂછપરછ કરતાં તેણીએ આર્થિક સંકડામણને લઈને પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

ઝેરી દવા પી લેતાં માતા-પુત્રનાં મોત.

સમયસર સારવાર મળતાં પુત્રીનો જીવ બચ્યો
મળતી માહિતી મુજબ, આણંદની જીવનદીપ સોસાયટીમાંના 51 નંબરના મકાનમાં રહેતા અને વિદ્યાનગર ખાતે આવેલા મિત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા પરિવારે આર્થિક તંગીના કારણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 15 વર્ષીય પુત્રીને સમયસર સારવાર મળતાં તેનો જીવ બચ્યો છે, જ્યારે 38 વર્ષીય ટીનાબેન પ્રકાશભાઈ શાહ અને 12 વર્ષીય પુત્રનાં મોત થયાં હતાં.

'આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો હતો પરિવાર'
મહત્વનું છે કે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પ્રકાશભાઈ શાહ ની દીકરી તૃષ્ટિ પોલીસ અને મામલતદાર ને આપેલ નિવેદન મુજબ પરિવાર છેલ્લા દસેક માસ થી આર્થિક તંગી અને સંકળામણનો સામનો કરી રહ્યો હતો. જેને લઈ મૃતક ટીના બહેને અને બન્ને સંતાનોએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું.

સામુહિક આપઘાત મામલે પોલીસે તપાસ શરૂ કરી
સામુહિક આપઘાત મામલે પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં આણંદ ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.જરૂરી પૂછપરછ અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી હતી.ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ મૃતક ટીના બેન અને મિતકુમારના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે આણંદ જનરલ હોસ્પિટલમાં મોકલી દેવાયા હતો.જ્યાં પોસ્ટમોર્ટમ થઈ જતા બન્ને મૃતક ના મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયા છે.પરિવારજનો દ્વારા મૃતદેહને ધાર્મિક વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરી દેવાયા છે.

પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણનું કારણ સામે આવ્યું છે. જો કે, તેમ છતાં પોલીસે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તેને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસ પહેલાં વડોદરામાં પણ સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો હતો
ઉલ્લેખનીય છે કે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે પણ બુધવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પરિવારના 3 સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આપઘાત કરવા પાછળ આર્થિક સ્થિતિ કારણભૂત છે. પરિવારનો ધંધો બંધ થઈ જતાં અને બીજો ધંધો બરાબર ન ચાલતાં બાળકો સાથે 6 સભ્યોના પરિવારે ઝેરી દવા પીવાની નોબત આવી હતી. જેમાં ઘરના મોભી, પૌત્ર, અને તેમની ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીનું કરુણ મોત થયું છે, જ્યારે મોટો દીકરો અને તેની પત્ની અને માતા સહિતનાં 3 પરિવારજનો હાલ સારવાર હેઠળ છે

ભાઈ અને માતાના મોતથી તૃષ્ટિ અજાણ
ઘરમાં પિતાની ગેરહાજરીમાં માતા અને બંને સંતાનોએ પાણી સાથે ઝેરી દવા ખાઈ લીધી હતી. જોકે, બાદમાં પુત્રીએ પિતાને ફોન કરીને ઝેરી દવા ખાધી હોવાની જાણ કરી હતી. તાબડતોડ દોડી આવેલા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન માતા ટીના અને ભાઈ મીતનું મોત થયું હતું. એક જ પરિવારમાંથી બેના મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, હાલમાં હોસ્પિટલ બિછાને સારવાર હેઠળ રહેલી તૃષ્ટિને એ વાતની જાણ જ નથી કે, હવે દુનિયામાં તેની માતા અને ભાઈ રહ્યા નથી.

અનાજમાં મૂકવાની દવા ખાઈ આપઘાત કર્યો
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા પ્રકાશભાઈને રૂપિયા 30થી 35 લાખનું દેવું હતું. લોકડાઉનને પગલે તેમના ધંધાને આર્થિક રીતે ફટકો પડ્યો હતો. કોઈ પણ પ્રકારની આવક ન થતાં આખરે પરિવાર આર્થિક ભીંસ અનુભવતો હતો. અને તેને કારણે જ ઘરમાં અનાજમાં મૂકેલી દવા ખાઈને મોતને વ્હાલું કરી લીધું હતું. આમ, અનાજમાં મૂકવાની દવા ખાઈને આપઘાત કર્યો હતો.

13 દિવસમાં સામુહિક આપઘાતની બીજી ઘટના
આણંદ શહેરમાં સામુહિક આપઘાતની છેલ્લાં 13 દિવસમાં બીજી ઘટના બની છે. ગત 22 ફેબ્રુઆરીએ રાસનોલ ગામે પણ પતિ, પત્ની અને સાળાના ગળે ફાંસો ખાઈ સામુહિક આપઘાતની ઘટનામાં બહેન મમતાબેન અને તેઓના ભાઈ અશોકભાઈનુ મોત નીપજ્યું હતું. જોકે, પતિએ પત્નીએ ના પાડતાં ફાંસો ન ખાતાં બચાવ થયો હતો. જેને ખંભોળજ પોલીસે ઘટનાના ત્રણ દિવસ બાદ સારસા ખાતેથી ઝડપી પાડ્યો હતો. આમ, એ દિવસે ઘટના બની એના 13 દિવસ બાદ ગુરૂવારે પુન: સામુહિક આપઘાતની ઘટના બની હતી.

મારે હાલમાં કંઈ કહેવું નથી : પ્રકાશભાઈ શાહ
સમગ્ર ઘટના બાબતે પ્રકાશભાઈ શાહનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં હું કંઈ બોલી શકવા કે કહી શકવાની સ્થિતિમાં નથી. મારા ઘરના બે લોકોને મેં ગુમાવ્યા છે. મારાથી એથી વિશેષ કંઈ કહી શકાય તેમ નથી.