રોંગ સાઈડમાં આવતી કારે અકસ્માત સર્જયો:બોરસદ-વાસદ હાઈવે પર કારચાલકે અડફેટે લેતા માતા-પુત્રીના મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

બોરસદ - વાસદ ધોરી માર્ગ પર દાવોલ ગામ પાસે બ્રિજ પર રોંગ સાઈડે પુરપાટ ઝડપે દોડતી કારે સામેથી આવતી બાઇકને ટક્કર મારતાં તેના પર સવાર માતા - પુત્રીના કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આંકલાવના રેલવે સ્ટેશન પાસે રહેતા રાજેશકુમાર રમણભાઈ પરમારના મોટાભાઈ ધવલભાઈ પરમાર છે. તેમના પરિવારમાં પત્નિ કોમલબહેન, બે બાળકો બંસરી (ઉ.વ.5) અને નાનો દિકરો ધ્રુવિક ઉર્ફે ધ્રુવ (ઉ.વ. દોઢ) છે. ધવલનો દિકરો ધ્રુવ બિમાર હોવાથી બોરસદ દવાખાને બતાવવા માટે સોમવાર સવારે કોમલબહેન, બંસરી સાથે ધ્રુવને લઇ આંકલાવથી બોરસદ તેમની બાઇક નં.જીજે 23 ડીએન 2533 પર નિકળ્યાં હતાં. દરમિયાનમાં ધવલભાઇને દાવોલ બ્રિજ પર અકસ્માત થયાનું જાણવા મળતાં રાજેશકુમાર તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. તપાસ દરમિયાન કોમલબહેન અને બંસરીનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. કાર નં.જીજે 25 એએ 1028ના ચાલક આશીષ વલ્લભ ફળદુ (રહે.સાયણ, સુરત)એ પોતાની કાર રોંગ સાઇડમાં પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ધવલભાઈના બાઇક સાથે અકસ્માત સર્જી દીધો હતો. જેના કારણે ધવલભાઈ અને ધ્રુવને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં બોરસદ શહેર પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.

પોલીસ તપાસમાં કારના ચાલક આશીષ વલ્લભ ફળદુ (રહે.સાયણ, સુરત)એ પોતાની કાર બોરસદથી વાસદ તરફ જતા રોંગ સાઇડે દાવોલ બ્રિજ પર પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી લાવી તેમજ આ રીતે વાહન ચલાવવાથી મોટો અકસ્માત થઇ શકે તેમ છે અને જાન માલનું નુકશાન થઇ શકે છે, તેમ જાણતા હોવા છતાં રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી ધવલભાઈની બાઇકને ટક્કર મારતાં માતા - પુત્રીના મોત નિપજ્યું હતું. જ્યારે પિતા - પુત્રને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...