પેરોલ જમ્પ કરી ફરાર:આણંદના ઉમરેઠમાં 6 માસની પુત્રીના હત્યા કેસમાં સજા ભોગવતી માતા ફરાર, પોલીસે શોધખોળ હાથ ધરી

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેરોલ પર 90 દિવસ માટે છુટેલી મહિલા હાજર ન થતાં પોલીસે ગુનો નોંધ્યો

ઉમરેઠમાં નવેમ્બર 2018માં સગી જનેતાએ તેની છ માસની પુત્રીની હત્યા કરી હતી. આ હત્યા કેસમાં સંડોવાયેલા મહિલા આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જેને પેરોલ પર છોડતાં ફરાર થઇ ગયાં હતાં. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠના અહીમા ખાતે રહેતા રમીલાબહેન પ્રવિણભાઈ રોહિતે નવેમ્બર,2018માં છ માસની દીકરીની હત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે તેમને આજીવન કેદની સજા અને રૂ.પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. જોકે, તેમને 90 દિવસના પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યાં હતાં અને 4થી ઓક્ટોબર 2021ના રોજ હાજર થવા ફરમાવવામાં આવ્યું હતું. જોકે, તેઓ હજાર થયાં નહતાં અને શોધખોળ કરતાં મળી આવ્યાં નહતાં. આખરે આ અંગે રમીલાબહેન પ્રવિણભાઈ રોહિત સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રમિલાબહેન રોહિતને ઘર કંકાસ થતાં તેઓએ પોતાની છ માસની બાળકી સાથે આપઘાત કરવા લાલપુરા- સાવલી રોડ પર આવેલા મહીસાગર નદી પરના બ્રિજ પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ બાળકીને નદીમાં ફેંકી દેતાં તેનું મોત નિપજ્યું હતું. પરંતુ કોઇ કારણસર તેઓ પરત ઘરે ફરી ગયાં હતાં. આ કેસમાં પોલીસે તેમની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. જેમાં તેમને આજીવન કેદની સજા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...