તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગરની ગણતરી:ચરોતરમાં સૌથી વધુ મગર આણંદમાં નહીં, ખેડા જિલ્લામાં !

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગરની વસ્તી ગણતરીમાં આણંદમાં 70થી 90 જ્યારે ખેડામાં 170થી 190 મગર મળી આવ્યા હતા

સામાન્ય રીતે મધ્ય ગુજરાતમાં વડોદરા બાદ આણંદમાં મગરની સંખ્યા વધુ હોવાનો મત છે. જો હજુ પણ તમે એમ માનતા હોવ તો તમે સાચા નથી. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં નેચર ક્લબ દ્વારા આણંદ અને ખેડા જિલ્લામાં મગરની ગણતરી કરવામાં આવી ત્યારે આ વાત બહાર આવી છે. જેમાં મગરની સંખ્યા આણંદ કરતાં ખેડા જિલ્લામાં વધુ છે, એમ સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા યોજાયેલા વેબિનારમાં વિદ્યાનગરના નેચર ક્લબ, કોન્ઝેવેન્સીના રીસર્ચ કો ઓર્ડિનેટર અનિરૂદ્ધ વસાવાએ જણાવી હતી.

ખેડા જિલ્લામાં સંખ્યા વધુ હોવા પાછળનું કારણ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, બે ગામોની જિલ્લા ફેરબદલીને કારણે આ બન્યું છે, કે જ્યાં સૌથી વધુ મગર હતા. અગાઉ પેટલી ગામ આણંદ જિલ્લામાં ગણાતું હતું. હાલ આ ગામ વસો તાલુકામાં ગણાય છે, જે ખેડા જિલ્લામાં આવેલું છે. ગામમાં આવેલા તળાવમાં મગરની સંખ્યા અંદાજે 25થી 30 જેટલી છે. એ જ રીતે હાલમાં ખેડા જિલ્લામાં ગણાતા દેવાવાંટા ગામના ભાભારામ તળાવમાં 55થી 60 જેટલાં મગર છે.

મગરની ગણતરી ગત જાન્યુઆરીમાં કરી એ સમયે આણંદમાં 70થી 90 મગર જ્યારે ખેડા જિલ્લામાં 170થી 190 મગર મળી આવ્યા હતા. ગણતરી 68થી 70 ગામમાં કરી ત્યારે આ વાત બહાર આવી હતી. અને તેને કારણે જ હવે આણંદ નહીં, પણ ખેડા જિલ્લામાં મગર વધુ છે એમ કહેવાય. નોંધનીય છે કે, વેબિનારમાં નેચર એન્ડ એન્વાયરમેન્ટ ક્લબના કો-ઓર્ડિનેટર ડો. રાજીવ ભટ્ટ, સોજિત્રા રેન્જના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગાર્ડ અજય મહિડા, કમ્યુનીટી સેન્ટરના નિયામક ડો. વિભા વૈષ્ણવ સહિત અન્ય હાજર રહ્યા હતા.

કેનાલ-કાંસને કારણે મગરો માઈગ્રેશન કરતા હોય છે
દિવસમાં સામાન્ય રીતે ડે બાસ્કીંગ કાઉન્ટ અને રાત્રિના સમયે આઈ શાઈન કાઉન્ટના આધારે મગરની ગણતરી થતી હોય છે. અને તેના આધારે એક આંક નક્કી થતો હોય છે. એ જ રીતે બીજી તરફ કેનાલ અને કાંસને કારણે મગરોનું માઈગ્રેશન થતું હોય છે. બધા ગામના તળાવ કાંસ સાથે કનેક્ટ હોય મગર સરળતાથી માઈગ્રેટ થતા હોય છે.

વડોદરાના મગરોને હવે માણસનો ડર ન રહેતા, તેઓ હિંસક બની ગયા, 30-35 વર્ષમાં ચરોતરમાં માંડ પાંચેક જ હુમલાના બનાવ
વિશ્વામિત્રી નદીમાં આસપાસના રહેણાંક વિસ્તારની ઘુસણખોરી વધી ગઈ છે. એને કારણે બન્યું છે એમ કે હવે મગરો માણસથી ડરતા નથી, એમ કહેતા અનિરૂદ્ધ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, મગર સામાન્ય રીતે માણસથી ડરતો હોય છે. પરંતુ માનવને ઓળખતા થતાં વિશ્વામિત્રી અને નર્મદાના મગરો માનવ પર હુમલા કરી રહ્યા છે. એક મહિનામાં જ માણસ પર મગરે કરેલા હુમલાની પાંચથી છ ઘટનાઓ બનતી હોય છે.

તેની સરખામણીમાં જોઈએ તો હજુ પણ ચરોતરના મગરો એટલા હિંસક નથી. ચરોતરના મગરો ડોસાઈલ છે. આજે પણ જો તળાવ પાસે મગર હોય અને કોઈ માણસ તેની પાસે જાય તો મગર તુરંત જ તળાવમાં અંદર જતો રહે છે. છેલ્લાં 30-35 વર્ષમાં ચરોતરમાં મગરના હુમલાના માંડ પાંચેક જેટલા બનાવ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...