કોરોના ઇફેક્ટ:કોમર્શિયલ નવરાત્રિ પર બ્રેકથી ગાયકવૃંદને 1 કરોડથી વધુનું નુકસાન

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રાપ્તિ મહેતા અને બ્રિજ જોષી. - Divya Bhaskar
પ્રાપ્તિ મહેતા અને બ્રિજ જોષી.
  • સમગ્ર ચરોતરને ગરબે રમાડતાં પ્રખ્યાત કલાકારો હવે ઘર આંગણે માતાજીની આરાધના કરવા મજબૂર

મા અંબાની આરાધનાના પર્વને આડે હવે માંડ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા શેરી ગરબામાં માત્ર 400 વ્યક્તિઓને હાલ પૂરતી મંજૂરી અપાઈ છે. છેક સુધી ગાયક વૃંદ, કલાકારો અને ખૈલેયાઓને એક આશા હતી કે ક્યાંક સરકાર દ્વારા કોઈ મોટી જાહેરાત કરવામાં આવે. પરંતુ એવું બન્યું નથી. જેને પગલે હવે આણંદ શહેરમાં થતાં ચારથી પાંચ મોટા નવરાત્રિ મહોત્સવ નહીં જ યોજાય.

ત્યારે આણંદ શહેરના બે નવરાત્રિ આઈકન ડી. એન. હાઈસ્કુલના ગરબા તરીકે જાણીતા અને તેમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન સંગીતના સૂરો રેલાવનારા બ્રિજ જોષી એન્ડ પાર્ટીના બ્રિજ જોષી અને હાર્ટ કિલરમાં પોતાની ગાયકી દ્વારા ખેલૈયાઓને ગરબે ડોલાવનાર આલાપ ગ્રૂપના પ્રાપ્તિ મહેતા કોરોનાકાળની નવરાત્રિ અને કલાકારોની સ્થિતિ અંગે ભાસ્કર સાથે મોકળા મને વાત કરી હતી. આણંદમાં ગરબા રમાડતાં પ્રસિદ્ધ ગાયકવૃંદની નવ દિવસની નવરાત્રિની ફી રૂ. 15 લાખની આસપાસની અંદાજવામાં આવે છે. આમ ગાયનક્ષેત્રે સંકળાયેલા વૃંદને કમસેકમ એક કરોડનું નુકસાન થયાનું મનાય છે.

મધુર સ્વરથી ખેલૈયાઓને ડોલાવનાર પ્રાપ્તિ મહેતા આ વર્ષે ઘર આંગણે જ ગરબા રમશે
દિવ્ય ભાસ્કર :
સરકાર દ્વારા ચાલુ વર્ષે માત્ર 400ની મંજૂરી આપવામાં આવી છે આપનું નવરાત્રિ માટેનું કોઈ આયોજન ?
પ્રાપ્તિ મહેતા : અગાઉ એક ફાર્મ હાઉસમાં પ્લાનિંગ કર્યું હતું. જોકે, સરકાર દ્વારા માત્ર શેરી ગરબાને જ અને તેમાં 400 લોકોને મંજૂરી આપતાં હવે ક્યાંય જવાનું પ્લાનિંગ નથી કર્યું. હવે અહીં ઘરે જ મિત્રો અને સંબંધીઓ સાથે હું ગરબા ગાઈશ. મારા ગાયેલા ગીતોની સીડી મૂકીને મા અંબાની આરાધના કરીશું.

પ્રશ્ન : નવરાત્રિમાં ગાયકીની શરૂઆત ક્યારથી કરી અને કેવી રીતે કરી ?
જવાબ : આમ તો મારૂં ફેમિલી બેકગ્રાઉન્ડ એજ્યુકેશન અને સંગીત સાથે સંકળાયેલું છે. પહેલેથી જ પિતા ભજનો ગાતા હતા. એટલે મને ગાવાનો શોખ હતો. ધોરણ 12માં અભ્યાસ કરતી ત્યારે બંસરી ગ્રૂપમાં હું જોડાઈ એ પછી નવરાત્રિમાં ગાવાનું શરૂ કર્યું છે. છેલ્લાં 35 વર્ષથી વ્યવસાય સાથે સંકળાયેલી છું.

પ્રશ્ન : કોઈ એવો અનુભવ કે જેણે પ્રાપ્તિ મહેતાને નવરાત્રિ આઈકન બનાવી હોય ?
જવાબ :
એક સમયે ગ્રૂપ તરફથી વિદેશમાં ગાવા માટે જવાનું હતું. ત્યારે એ સમયે ગાયકી વખતે પસંદગીકારોએ મારો અવાજ ચાઈલ્ડીશ (બાળક જેવો) છે તેમ કહીને મારી પસંદગી કરી નહોતી. મનમાં ગાંઠ વાળીને ત્યાર બાદ મેં આલાપ ગ્રૂપ બનાવ્યું. એ મારૂં પેશન હતું. આજે સ્થિતિ એ છે કે, ઘણા લોકો મારા ગાયેલા ગીત, ગરબાની કેસેટ, સીડી માંગતા હોય છે.

પ્રશ્ન : ગ્રૂપમાં કેટલાં સભ્યો છે અને તેમની આર્થિક સ્થિતિ કેવી છે, ખાસ કોરોનાના સમયમાં..
જવાબ :
મારા ગ્રૂપ સાથે કોરસ સહિત 25 જેટલાં લોકો સંકળાયેલા છે. જોકે, છેલ્લાં બે વર્ષથી જે સ્થિતિ છે એમાં ઘણાની હાલત કફોડી બની છે. જે લોકો માત્ર આ વ્યવસાય પર જ નભેલા છે તેમને સર્વાઈવ થવું અઘરૂં થઈ પડ્યું છે.

પ્રશ્ન : ગરબાનો તમને કેવો શોખ ?
પ્રાપ્તિ મહેતા : જબરો શોખ. ગુજરાતીને શોખ ન હોય એવું હોય. સાચું કહું જ્યારે પહેલી વાર હું સ્ટેજ પર ગાતી હતી ત્યારે મને બીજાને ગરબા રમતા જોઈ અને મને ગરબા રમવા ન મળતાં રડવું આવતું હતું. જોકે, હવે ગાયિકી પ્રોફેશન થઈ ગયું છે. હવે ગરબાનો શોખ પૂરો કરવા છેલ્લાં બે-ત્રણ નોરતા વખતે ગ્રૂપના લોકો એક પછી એક ગરબા રમવા જતા હોઈએ છીએ.

પ્રશ્ન : આજના યુથ માટે નવરાત્રિ પર્વ પર કોઈ ખાસ સંદેશ
જવાબ : માતાજીની આરાધનાનું પર્વ છે. જ્યારે છેલ્લાં દિવસે ગરબો વળાવવાનો હોય ત્યારે મારાથી ડુસકું ભરાઈ જાય છે. ગાઈ શકાતું નથી. યુથને એટલો જ મેસેજ આપીશ કે મજા કરો, એન્જોય કરો પણ સાથો-સાથા માં અંબાની આરાધના પણ કરો.

નવરાત્રિ એેટલે આર્ટીસ્ટ માટે તો ‘દિવાળી’, આખા વર્ષનું પ્લાનિંગ તેમાંથી જ કરતા હોય છે : બ્રિજ જોષી

દિવ્ય ભાસ્કર :-કોરોના પહેલાની નવરાત્રિમાં આપ સતત વ્યસ્ત રહેતા હતા હવે કોવિડની મર્યાદાઓ વચ્ચે ગરબા રમાડવાનું કોઈ આયોજન ?
બ્રિજ જોષી :- કંઈ જ નહીં. છેલ્લાં એકાદ દિવસને બાદ કરતાં ક્યાંય જવાનું પ્લાનિંગ નથી.

પ્રશ્ન :- કોરોના પહેલાની અને છેલ્લા બે વર્ષની નવરાત્રિ વચ્ચે આપના મતે શું અંતર છે ?
જવાબ :-
સાચું કહું તો અત્યારે નવરાત્રિ જેવું કાંઈ લાગતું જ નથી. છેલ્લાં એક-દોઢ મહિનાથી સતત રિયાઝ ચાલતો હોય. અલબત્ત, અત્યારે સમય જ ન હોય. દિવસ દરમિયાન રાત્રિની તૈયારી કરાતી હોય. ક્યા ગરબા પછી કયો ગરબો ગવાશે, કોણ ગાશે બે ગરબા વચ્ચે કઈ ટ્યુન મૂકવી સહિતના નિર્ણય અને તેનું પ્લાનિંગ ચાલતું હોય અને અત્યારે બસ શાંતિથી મમ્મી-પપ્પા સાથે બેઠો છું.

પ્રશ્ન :- ગાયકોની આવકનું સૌથી મોટું માધ્યમ નવરાત્રિ છે પરંતુ બે વર્ષથી મોટા આયોજનો રદ થવાની કલાકારોની આર્થિક સ્થિતિ પર શું અસર ?
જવાબ :- મારા ગ્રૂપમાં 25થી 27 કલાકારો છે. ગત વર્ષે નવરાત્રિ ન થઈ ત્યારે સ્થિતિ જોતાં એવું લાગ્યું કે વાંધો નહીં, આવતા વર્ષે થશે. જોકે, પહેલી વાર એવું બન્યું છે કે, સતત બીજા વર્ષે પણ નવરાત્રિ નહીં થાય. એમ કહું કે આર્ટીસ્ટ માટે તો આ ‘દિવાળી’ છે. મોટાભાગના આર્ટીસ્ટ નવરાત્રિમાંથી જે દ્વવ્ય મળે તેનાથી આખા વર્ષનું પ્લાનિંગ કરતા હોય છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી પર્વનું આયોજન ન થતાં કલાકારોની હાલત કફોડી બની છે.

પ્રશ્ન :- કોવિડ પહેલાની નવરાત્રિના નવ દિવસનું આયોજન શું રહેતું હતું ?
જવાબ :-
ડી.એન. સાથે છેલ્લાં 11 વર્ષથી સંકળાયેલો છું. સાચું કહું તો આ દિવસ દરમિયાન સ્હેજપણ સમય નથી હોતો. દરરોજનું રીહર્સલ અને એ પછી રાત્રિનો સમય સ્ટેજ પર. જોકે, સતત સાતથી આઠ કલાક સુધી કી-બોર્ડ પર હોવ પણ ક્યારેય થાક લાગતો નથી. એક આ અંબા માની દિવ્ય શક્તિનો જ પ્રતાપ છે. જે દરેક કલાકારને બળ પૂરૂં પાડે છે.

પ્રશ્ન :- માતાજીની આરાધના દરમિયાન આપની સંગીત કલાની વિશેષ ખાસિયત ?
જવાબ :-
મારા ગ્રૂપની ખાસિયત એવી છે કે જેમાં દરેક ટેસ્ટ છે. અહીં તમને ગામઠી ગરબા પણ જોવા મળે, લોક સંગીત પણ જોવા મળે અને સુગમ સંગીત પણ. ખાસ વાત એ કે ફિલ્મી ગીતો અમે નવરાત્રિ દરમિયાન નથી વગાડતા. માત્ર માતાની ભક્તિને જ પ્રાધાન્ય આપીએ છીએ.

પ્રશ્ન :- ખેલૈયાઓ માટે ખાસ કોઈ સંદેશ આપવો છે ?
જવાબ :-
ગરબા રસિકો, ખૈલયાઓ નિરાશ થશો નહીં. વધુ એક વર્ષ આપણે ગરબા ન રમીને ગુમાવ્યું છે. પરંતુ આવતા વર્ષે કે આગામી પાંચથી છ મહિના પછી બધું સારૂ થઈ જશે. સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે તે દરેક નાગરિકના સ્વાસ્થયને ધ્યાનમાં લઈને જ લેવામાં આવ્યા છે. કલાકારોને પણ સંદેશ આપવા માગું છું કે, તમે નિરાશ થશો નહીં. મા અંબા આપણંુ સંકટ ટૂંક સમયમાં દૂર કરશે જ.

અન્ય સમાચારો પણ છે...