ખંભાતી પતંગોની ઊંચી ઉડાન:જિલેટીન કાગળ અને વાંસની સ્ટિકને કારણે ખંભાતી પતંગ હવામાં સ્થિર રહે છે, આ વર્ષે આઠ કરોડથી વધુ પતંગો બનાવાયા

આણંદ4 મહિનો પહેલાલેખક: તેજસ શાહ
ખંભાતી પતંગની માગ વિશ્વફલકે વિસ્તરી.
  • ઉત્તરાયણના પછી તરત બીજા વર્ષ માટે પતંગો બનાવવાનું શરૂ થઈ જાય છે
  • કલાત્મક પતંગ નિર્માણમાં સમગ્ર રાજ્યમાં ખંભાતી પતંગ સૌથી ઊંચાઈએ હોય છે

આ વખતે ઉત્તરાયણ પહેલાં ઠંડીની સાથે સાથે સુસવાટા મારતા પવનોનો માહોલ જોતાં ખંભાતના આકાશમાં તેમજ રાજ્યભરમાં પણ પતંગોની રંગોળી રચાય એવું લાગી રહ્યું છે. શહેરનાં મુખ્ય બજારો સ્ટેશન રોડ, ગવરા રોડ, ચકડોળ મેદાન, લાલ દરવાજા જેવા વિસ્તારો તો ઠીક સોસાયટીઓ સુધી પતંગ વેચતા સ્ટોલ ઊભા થયા છે. રાજ્યભરના પતંગરસિકો ખરીદી માટે ઊમટી પડ્યા હોઈ, ઠેર ઠેર ટ્રાફિકજમનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ખંભાતી પતંગોની માગને પગલે નગરના સ્ટેશન રોડથી ગવારા તથા ચિતારી બજાર રોડ પર ભારે વાહન પર પ્રતબિંધ મૂકવો પડે છે. રાજ્યભરના ખરીદદારોની ભીડને પગલે ખંભાતમાં તા.12 અને તા.13ના રોજ આખી રાત પતંગોનું વેચાણ તથા માંજો પિવડાવવાના વેપારીઓનો ધમધમાટ ચાલુ રહે છે.

આ વર્ષે આઠ કરોડથી વધુ પતંગો બનાવાયા છે
ખંભાત શહેરમાં રવિવારના દિવસથી ખરીદી જોર પકડ્યું હતું, જે અંતિમ દિવસોમાં ઘોડાપૂર જેવું જોવા મળ્યું છે. ઠેર ઠેર મોડી રાત સુધી પતંગની ખરીદી જોવા મળી રહી છે. ખંભાતી પતંગની માગ વિશ્વફલકે વિસ્તરી છે. દેશ-વિદેશ સહિત સૌરાષ્ટ્ર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, વલસાડ, જંબુસર, ભરૂચ, રાજકોટ, આણંદ, નડિયાદ જેવાં શહેરોમાં ખંભાતી પતંગની પુષ્કળ માગ વધી છે, જેને કારણે ખંભાતમાંથી મોટા પ્રમાણમાં પતંગોની નિકાસ થઈ રહી છે. ખંભાતના ઉત્પાદકો વર્ષે પાંચ કરોડથી વધુ પતંગોનું હોલસેલ તેમજ રિટેઈલમાં વેચાણ કરતા હતા. આ વર્ષે આઠ કરોડથી વધુ પતંગો બનાવવામાં આવ્યા છે, જેનાથી ખંભાતમાં 70 કરોડથી વધુનું ટર્નઓવર થવાની સંભાવનાઓ છે. રાજ્યભરમાંથી દૈનિક સરેરાશ 8થી 12 હજાર જેટલા પતંગરસિકો, ઉત્પાદકો ખરીદી માટે આવતા હોય છે.

ખંભાતી પતંગો 2 ફૂટથી માંડી 12 ફૂટથી પણ વધુના હોય છે
મહત્ત્વનું છે કે કલાત્મક પતંગ નિર્માણમાં સમગ્ર ગુજરાતમાં ખંભાતી પતંગ ઊંચાઈએ ગણાય છે. ખંભાતી પતંગો 2 ફૂટથી માંડી 12 ફૂટથી પણ વધુના હોય છે, જેના નિર્માણની કામગીરી ઉત્તરાયણના 15 દિવસ બાદ જ નવા પતંગો બનાવવાનું શરૂ થઈ જાય છે. ખંભાત ખાતે ચાલુ વર્ષે પતંગસાહસિકોએ અનેકાનેક પ્રકારની કલાત્મક પતંગોના વેચાણ અર્થે બજારમાં મૂકેલા છે, જેમાં મુખ્યત્વે પડી પતંગ, ચાંદપડી, લાડવેદાર, દીલવડી, સમડી, પોપટ, કમળ, પ્લેન, પાનટોપેદાર, ચાંદદાર મુખ્ય રહ્યા છે. એ જ પ્રકારે મેટલ પતંગમાં પણ પડી, પોપટ, ચકલી જેવી અનેક વરાઇટીઝ બજારમાં આવી ચૂકી છે. ચાલુ વર્ષે ખંભાતમાં પતંગોની વરાઇટીમાં વિવિધ પક્ષીઓના આકારો,ફિલ્મ કલાકારોના ફોટાવાળી તેમજ કલરિંગ વિવિધ ડિઝાઈનવાળા પતંગો ખરીદદારો માગી રહ્યા છે. નોટબંધી પછી મોદી ક્રેજ ઘટી ગયો હોઈ, અમે બનાવેલા મોદી બ્રાન્ડ પતંગો પડી રહ્યા છે. નેતાઓ તેમજ પક્ષની પતંગો પણ ઉપલબ્ધ છે.

જિલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ રહે છે
પતંગ-ઉત્પાદક રવિ ચુનારા જણાવે છે, ખંભાતના પતંગોની વિશેષતા એ છે કે એમાં વપરાતો જિલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ રહે છે. વાંસનું ફિનિસિંગ પણ ઉત્કૃષ્ટ હોવાથી ખંભાતી પતંગ આકાશી ઉડાનમાં ફેલ જતો નથી. અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતના પતંગની બોલબાલા હતી. પેઢી દર પેઢી પતંગ કારીગરીની પરંપરા ચાલી આવી રહી છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચિલ, ગેંસિયા, કનકવાનું ઉત્પાદન થયું છે. ખંભાતની પ્રસિદ્ધ પતંગોના વેચાણમાં તેજી આવવાને કારણે મહિલાઓ ઉપરાંત યુવાનો પણ પતંગ નિર્માણમાં સક્રિય થયા છે. હાલ ખંભાતમાં સાત હજાર જેટલા પતંગના કારીગરો છે, જેમાં ચાર હજારથી વધુ મહિલાઓ પણ સામેલ છે, જેઓ ઘરે પતંગો બનાવી રોજગાર મેળવે છે.

ખંભાતી પતંગ સાત પ્રક્રિયામાં પસાર થઈ તૈયાર થાય છે
પતંગ-ઉત્પાદક અક્ષય ચુનારાએ જણાવ્યું હતું કે એક ખંભાતી પતંગ બનાવવા માટે સાત કારીગરો પાસેથી પતંગ પ્રસાર થાય છે, જેમાં કાગળ કટિંગ, કમાન, ઢઢ્ઢો, કિનારી, પૂછડું, પટીઓ, ડિઝાઇન સામેલ હોય છે. વળી, આ પતંગો ચુનારવાડ, અકબરપુર તેમજ લાલ દરવાજા વિસ્તારના જથ્થાબંધ વેચાણ કરતા વેપારીઓ ઉપરાંત છેવાડાના વિસ્તાર સુધીમાં નાના-મોટા સ્ટોલ અને રેકડીઓવાળા તેમજ ભાગોળ પર ફૂટપાથ પર પતંગ-દોરાનું વેચાણ કરતા ચુનારા તેમજ મુસ્લિમ સમાજના મળી કુલ 400થી વધુ જગ્યાએ પતંગ તથા ફિરકીનું વેચાણ થઈ રહ્યું છે.

ખંભાતમાં રૂ.2થી રૂ.2 હજાર સુધીના પતંગ મળે છે
વર્ષો જૂના પતંગ-ઉત્પાદક દીપકભાઈ ચુનારાના જણાવ્યા મુજબ, 5થી 7 ફૂટ સુધીના કાગળ અને ખંભાતી ચિલ સહિત વિવિધ આકારના પતંગ ખરીદવા માટે લોકો બજારમાં જોવા મળ્યા છે. 2 રૂપિયાથી માંડીને 2000 રૂપિયા સુધીના પતંગ આ વર્ષે બજારમાં જોવા મળી રહ્યા છે. જ્યારે ફિરકીનો ભાવ 150થી માંડી 600 સુધીનો છે.

દેશ તેમજ વિદેશમાં પણ ખૂબ મોટી માગ
ખંભાતી પતંગોની અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દુનિયાના અનેક દેશોમાં નિકાસ થાય છે. વાર્ષિક કરોડોનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગમાં પતંગ તૈયાર કરવાના વ્યવસાયમા રોકાયેલા ચુનારા અને મુસ્લિમ પરિવારો વર્ષભર રચ્યાપચ્યા રહીને રોજગારી મેળવે છે. 1200થી વધુ પરિવારો આ ઉધોગ સાથે જોડાયેલા છે. ખંભાતના બજારમાં બે ઈંચની ટચૂકડી પતંગો પણ આકર્ષણ જન્માવે છે. ગૃહ સજાવટ, ભેટ તથા સુશોભનમાં વપરાતી ટચૂકડી પતંગો ઉપરાંત 8 ફૂટના ચંદરવો, રોકેટ જેવા પતંગોની માગ વધી છે. આ પતંગો રૂ.500થી 2000 સુધીમાં વેચાય છે.

એપ્રિલ પછી તો ડિલિવરી કરવાનાં કામો આરંભાઈ જતાં હોય છે
રવિભાઇ ચુનારાએ જણાવ્યું હતું કે ખંભાતના પતંગો હોલસેલ ભાવે જ ગુજરાતના વિવિધ વિસ્તારના પતંગ વેચવાવાળાઓને પૂરા પાડતા હોય છે. ઉત્તરાયણ પર્વના પંદર દિવસ પછી તરત જ નવા પતંગો માટેનું કાર્ય પ્રારંભાઈ જતું હોય છે. એપ્રિલ પછી તો ડિલિવરી કરવાનાં કામો આરંભાઈ જતાં હોય છે. ખંભાતના પતંગો સૌરાષ્ટ્રથી પ્રારંભાઈને ઠેઠ મુંબઈ સુધી પહોંચતા હોય છે. હોલસેલ વેપાર કરવા સાથે આજ ઉત્પાદકો ઉત્તરાયણના પર્વ દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત જેવાં રાજ્યનાં મોટાં સેન્ટરો સાથે નાનાં પ્રચલિત સેન્ટરો પર પણ છૂટક વેચાણ માટે ડેરાતંબુ તાણીને સીઝન સાચવી લેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...