આણંદ તાલુકાના કાસોર (ભાલેજ) ગામે કોલેરાની આશંકા 48 કલાકમાં ગામના બે જુદા જુદા વિસ્તારમાંથી25 વધુ ઝાડા- ઉલ્ટીના કેસ મળી આવ્યાં હતા. જેના પગલે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોઅે બુધવારે રાત્રે દોડી જઇને ગામમાં ઘેર ઘેર તપાસ હાથ ધરી હતી.ઝાડા- ઉલટીમાં પટકાયેલા લોકો પૈકી 5 દર્દીઓની હાલત ગંભીર જણાતાં તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.બાકીના દર્દીઓને ઘરે બોટલ ચઢાવીને સારવાર કરવામાં આવી હતી.તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઝાડા- ઉલટીના કેસ વધુ હોવાથી ગ્રામજનોએ કોલેરાની આશંકા વ્યકત કરી હતી. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગામના બોરમાં દુષિત પાણી આવતું હોવાથી પાણી જન્ય બિમારીના કેસ મળી આવ્યાં છે. કાસોર ગામના રણછોડજી મંદિર, દરવાજા વિસ્તાર, મહાદેવવાળા ફળિયું અને સુથારવાળામાંથી ઝાડા- ઉલટીના કેસ મળ્યાં છે. જેમાં 5 દર્દીઓને હાલત ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ગામમાં 7 ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના ડીએચઓ 7 ટીમો સાથે કાસોર ગામે પહોંચી ગયા હતા. રાત્રે જ દર્દીઓને તપાસીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. 1200 કલોરીન ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ 314 ઓ.આર.એસ.પેકેટ વિતરણ કરાયું છે.
> રાજેશભાઇ પટેલ, જિલ્લા આરોગ્ય વિભાગ આણંદ
ગામની પીવાના પાણીની લાઇનમાં બે લીકેજ મળ્યાં
આણંદ આરોગ્ય વિભાગની ટીમે ગામમાં તપાસ કરી હતી.જેમાં નવા બનેલા બોરમાંથી દુષિત પાણી આવતું હોવાથી રોગચાળો ફેલાયો છે.તેમજ ગામની પીવાના પાણીની પાઇપ લાઇનમાંથી બે લીકેજ મળી આવ્યાં હતા.જે તાત્કાલિક રીપેરે કરીને લીકેજ બંધકરી દેવામાં આવ્યાં છે.બોરનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવશે. > કોકિલાબેન, સરપંચ ,કાસોર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.