જીવલેણ અકસ્માત:મોરબીનો કારચાલક વાસદ-બગોદરા હાઇવે ઉપર બેફામ થયો ,અકસ્માતમાં પેટલાદના દંપતીનું ઘટના સ્થળે જ કરુણ મોત

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી

આણંદમાં અકસ્માતે માઝા મૂકી છે રોજ બરોજ બેફામ બનતા ગાડી ચાલકો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે.બાઈક ,સ્કૂટર ચાલકો અને રાહદારીઓને જાહેર માર્ગો ઉપર જવું જીવલેણ બની રહ્યું છે.બોરસદ - ડભાસી બસ સ્ટેન્ડ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ કરુણ મોત અરેરાટી વ્યાપી ગઈ છે.અકસ્માતો રોકવા સરકાર દ્વારા લાંબા ગાળાનું અસરકારક આયોજન થાય અને સામાન્ય નાગરિકોના જાનમાલનું રક્ષણ થાય તેવી લોકમાંગ ઉભી થઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાસદ-બગોદરા હાઇવે ઉપર જીવલેણ અકસ્માતથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બોરસદ તાલુકાના ડભાસી બસ સ્ટેન્ડ પાસે સોમવારે બપોરે પુરપાટ ઝડપે બેફામ બનેલી કારે અને બાઈક સવાર બે વ્યક્તિને ઉછાળી દેતા ચકચાર મચી છે.આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર વિશ્નોલીના દપંતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થતા તેઓના પરિવારજનો અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આ જીવલેણ અકસ્માત સર્જાયો ની બોરસદ રૂરલ પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી અકસ્માતમાંમૃત થયેલ બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તેઓની ઓળખ કરી પરિવારોજનોને જાણ કરી હતી.

પેટલાદ તાલુકાના વિશ્નોલી ગામના દંપત્તિ રમણભાઈ પરસોતમભાઈ ઠાકોર ઉ.વ.45 અને જશોદાબેન રમણભાઈ ઠાકોર ઉ.વ.42 બાઈક નં જીજે,23 ડીએફ.8651 લઇ બોરસદ તાલુકાના નાવડ ગામ ખાતે રહેતા તેઓના બહેનને ત્યાં સામાજિક કામે નીકળ્યા હતા.આ અંગે મૃતકના દિકરા ઉમેશ ઠાકોરે જણાવ્યું હતું કે બપોરના 12 કલાકની આસપાસ પિતા રમણભાઈના મોબાઈલ ઉપર થી કોઈ કે ફોન કરી જાણ કરી હતી કે વાસદ બગોદરા હાઇવે ઉપરથી પસાર થઇ ડભાસી નજીક જીલોડ પુરા તરફથી આવતા પિતા અને માતા ને અકસ્માત થયો છે.જેથી ત્વરિત ઘટના સ્થળે પહોંચી જોતા આ જીવલેણ અકસ્માતમાં પિતા તથા માતા મૃત્યુ પામ્યા હતા.સ્થાનિક લોકો પાસેથી તપાસ કરતા જાણવા મળ્યું કે ડભાસી તરફ વળતા જ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ ગ્રાન્ડ આઈ ટેન નં જીજે.15 સીકે.5342ના ચાલકે બાઈકને પાછળના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી.આ કારણે બાઈક પર સવાર દંપતી બાઈક પર ઉછળી રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પતિ પત્નીની ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માતની ઘટનાને લઇ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘટના અંગે બોરસદ રૂરલ પોલીસને જાણ કરવામાં આવતા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને લાશોને બોરસદ સરકારી દવાખાના ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી મહત્વનુ છે બોરસદ રૂરલ પોલીસ ના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર કાર ચાલક દિલીપભાઈ સોમાભાઈ પટેલ ,રહે મોરબી અંબાવાળી સોસાયટી સનાળા રોડ ,તા.જી.મોરબી પોલીસ સ્ટેશને હાજર થઈ ગુનો કબૂલી લીધો છે.

બે-ત્રણ મહિનામાં જ ત્રણેક અકસ્માત
જીલોડપુરા-ડભાસી પાસે હાઈવે ઓથોરીટી દ્વારા કટ રાખવામાં આવ્યો છે જેને પગલે હાઈવે પર અનેક બાઈક ચાલક, પગપાળા વ્યક્તિઓ અચાનક રોડ ક્રોસ કરતા હોય છે. છેલ્લાં બે-ત્રણ મહિનામાં જ અહીં ત્રણેક જેટલાં અકસ્માત નોંધાયા છે. જે અંગે હાઈવે ઓથોરીટીને પણ હાઈવે પરનો આ કટ બંધ કરી આગળના ગરનાળાને અવર-જવર માટે ખોલી દેવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી.> એમ. વી. ચાવડા, PSI, બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન.

અન્ય સમાચારો પણ છે...