ઉનાળાની ગરમીએ દિનપ્રતિદિન આખરી સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે નગરજનો ગરમીથી બચવા માટે એસી,પંખા ચાલુ રાખીને લાઇટ બીલ બચત માટે વીજચોરી ના નુશખા અપનાવતાં હોવાની ફરિયાદો ઉઠી છે. જેને અટકાવવાના ભાગરૂપે વીજતંત્રની વીજીલન્સ ટીમોએ આણંદ ડિવીઝન હસ્તક આવેલા આણંદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડીને 188 વીજ કનેકશનમાં ચેકીંગ કરીને 33 વીજ ધારકોને વીજ ચોરી કરતાં ઝડપી પાડયા હતા.
વીજ તંત્રએ 32,890 યુનિટ વીજચોરી કરવા બદલ 5 .33 લાખ ઉપરાંત રકમનો દંડ ફટકાર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લા વીજ તંત્રની 16 જેટલી વીજીલન્સ ટીમોએ વીજ ચોરી અટકાવવાના ભાગરૂપે દરોડા પાડીને સપાટો બોલાવી દીધો હતો.જેમાં આણંદ શહેર સહિત ઉમરેઠ પંથકના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી વિષયક વીજ મીટર, રહેણાંક વિસ્તારના મળીને 188 જેટલા વીજ મીટર તપાસવામાં આવ્યા હતા.
જો કે વહેલી સવારે વીજીલન્સ ટીમોએ દરોડા પાડવાની કાર્યવાહી હાથધરવામાં આવતાં વીજચોરી કરતાં તત્વોમાં રીતસરની દોડાદોડી મચી ગઇ હતી. ડાયરેકટ લંગર નાંખી,વીજમીટર છેડછાડ કરીને, ખેતરોમાં બોરકુવાની મોટર ચાલુ કરવા માટે સીંગલ ફેઝ હોવા છતાં ટેટા મુકીને ખુલ્લે આમ રીતે વીજચોરી કરવામાં આવતી હોયછે કુલ 33 વીજધારકોએ 32890 યુનિટની વીજચોરી કરવામાં આવી હોવાનું ઝડપાતાં વીજતંત્રએ અધિનિયમ મુજબ 5,33,066નો દંડ ફટકાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.