મેઘ મહેર:ચરોતર પંથક માં મેઘાડંબર : આંકલાવ તાલુકામાં સર્વાધિક સવા ઇંચ વરસાદ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસ દરમિયાન માત્ર સોજીત્રામાં 4મીમી વરસાદ નોંધાયો

આણંદ જિલ્લામાં મેઘરાજાના જોરમાં ચડાવ ઉતાર આવી રહ્યો છે. ગઇકાલે સોમવારે જિલ્લામાં જ્યાં સરેરાશ અડધાથી લઇ સવા ચાર ઇંચ પાણી પડ્યું હતું ત્યાં આજે માંડ સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. દરમિયાન મેઘરાજાના આ રાઉન્ડના કારણે વાવેતર અને પાકને ખાસ્સો ફાયદો થવાની સંભાવના છે. પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે સવારે 6 વાગે પુરા થતા 24 કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ 32 મીમી મીટર વરસાદ આંકલાવ તાલુકામાં નોંધાયો હતો. સોમવારે જ્યાં સવા ચાર ઇંચ પાણી પડ્યું હતું તેવા સોજિત્રામાં આજે દિવસ દરમિયાન ઉઘાડ નીકળ્યો હતો.

તેવી જ રીતે ખંભાતમાં 24 કલાકમાં 28 મી.મી., આણંદ તાલુકામાં 17, પેટલાદમાં 5, તારાપુર 19 અને ઉમરેઠમાં માંડ પાંચ મીમી પાણી પડ્યું હતું. મંગળવારે આણંદ જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટા છુટાછવાયા વરસ્યા હતા. એક માત્ર સોજીત્રામાં 4 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધી વરસેલા વરસાદની ટકાવારીની વાત કરીએ તો જિલ્લામાં 73.45 ટકા મેઘમહેર થઇ છે. જેમાં આણંદ તાલુકામાં સર્વાધિક 97.74 ટકા, ખંભાતમાં 88.95, સોજિત્રા 77.12, પેટલાદ 70.12, તારાપુર 69.70, બોરસદ 63.05, ઉમરેઠ 59.84, આંકલાવ 58.57 ટકા થવા પામે છે.

ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે
આણંદ કૃષિ હવામાન વિભાગના મનોજભાઇ લુણાગરિયાના જણાવ્યા પ્રમાણે આગામી 15,16 અને 17મી સપ્ટેમ્બર સુધી આણંદ-ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...