તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:ચરોતરના કોલ્ડ સ્ટોરેજમાં 1.20 લાખ ટન બટાકાનો જંગી ભરાવો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખાણીપીણી વ્યવસાય ઠપ્પ થતાં માંગની સાથે ભાવ પણ તળિયે પહોંચ્યાં
  • પોખરાઝ બટાકા 100 રૂપિયે મણ જતા ખેડૂતોને વીઘે 30 હજારનું નુકસાન

આણંદ -ખેડા જિલ્લામાં ચાલુવર્ષે 2 લાખ ટન બટાકાનું ઉત્પાદન થયું હતું. જેમાંથી ખેડૂતોઅે 80 હજાર ટન બટાકા જે તે સમયે વેચી દીધા હતા. જયારે 1.20 લાખ ટન બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સારા ભાવ આવે ત્યારે વેચીશું તે આશાએ મુકી રાખ્યા છે. ચાર માસ થવા છતાં ભાવ વધતા નથી. બીજી બાજુ કોલ્ડ સ્ટોરેજનું ભાડું પણ ચઢી રહ્યૂં છે. તેની સામે બટાકાનો ભાવ 100 થી 150 રૂપિયે મણ બોલાઇ રહ્યો છે. કોરોનાના કારણે બટાકાની માંગ ઘટી છે. ત્યારે વર્ષોથી ખેતી કરતાં ખેડૂતોએ માનવું છે કે, આગામી ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાન પુન ઃ બટાકાની માંગ વધતા ભાવ ઉંચકાશે.

કોલ્ડ સ્ટોરેજ એસોશિએશનના પ્રમુખ સતીષભાઇ પટેલે જણાવ્યું હતું કે,ચરોતરના 40 કોલ્ડ સ્ટોરેજમાં 1.20 લાખ ટન બટાકાનો સ્ટોક હાલમાં ઉપલબ્ધ છે. પરંતુ કોરોના મહામારીમાં લોકડાઉન અને આંશિક લોકડાઉનને કારણે 6 માસથી ખાણીપીણીની બજારો, હોટલો અને હોસ્ટેલો બંધ રહેતા બટાકાની માંગમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેની સામે ચાલુવર્ષે માર્ચ માસમાં વિપુલ પ્રમાણમાં બટાકા પાકયા હતા.

જે તે સમયે ભાવ ન હોવાથી 85 ટકા ખેડૂતોએ સારા ભાવ મળે ત્યારે વેચવાની આશાઅે ભરી રાખ્યા હતા. પરંતુ આ વખતે જુલાઇ માસ આવ્યો છતાં બટાકાની માંગમાં કોઇ વધારો થયો નથી. તેના કારણે જથ્થાબંધ માર્કેટમાં પોખરાઝ 100 અને લોકર બટાકા 200 રૂપિયે મણ વેચાઇ રહ્યાં છે.જેથી હાલમાં બટાકા વેચવામાં આવે તો ખેડૂતોને વીઘે 30 થી 35 હજારનો ફટકો પડે તેમ છે.

ઓકટોબર સુધીમાં સારા ભાવ આવવાની આશા
ચાલુ વર્ષે બટાકાનું 10 ટકા વધુ ઉત્પાદન થયું છે. જેના કારણે કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોક વધી ગયો છે. હાલમાં ખાણીપીણી લારીઓ, હોટલો વગેરે બંધ હતા.તેના કારણે બટાકાની માંગ ઘટી છે.પરંતુ ધીમે ધીમે હોટલો સહિતના ધંધાના પુનઃ શરૂ થઇ રહ્યાં છે. આગામી બે ત્રણ માસમાં ખાણીપીણીનું બજાર ધમધમતંુ થશે ત્યારે બટાકાની માંગ વધશે. માંગ વધતાની સાથે બટાકાના ભાવ 300 થી ઉપર પહોંચવાની સંભાવના છે. જેથી ખેડૂતોએ ભાવ વધે ત્યાં સુધી ધીરજ રાખવી જોઇએ, નહીં તો ખોટ સહન કરવી પડશે. > કેતન પટેલ, પ્રગતિશીલ ખેડૂત, બોરીયા

ગત વર્ષે જુલાઇમાં 300થી 400 રૂપિયે મણ બટાકા વેચાયા હતા
ગત વર્ષે જુલાઇ માસમાં પોખરાઝ બટાકાનો ભાવ મણે200 થી 250 અને લોકર બટાકાનો ભાવ 300 થી 400 રૂપિયે મણ બોલાતો હતા. જે હાલમાં 100 કે 200 રૂપિયે મણ વેચાઇ રહ્યાં છે.તેના કારણે ખેડૂતોને વેચાણ કરે તો તેને 30 હજારનો ફટકો પડે તેમ છે.

​​​​​​​બટાકાની ખેતીમાં વીઘે 35થી 40 હજારનો ખર્ચ
બટાકા રોપણી કરવા માટે બિયારણનો એક કટ્ટાનો ભાવ રૂા 2000 થી 2500 બોલાતો હોય છે. તેમજ તેની પાછળ ખોળ ખાતર અને પાણી,મજૂરી ખર્ચ થાય છે. કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મુકવા પાછળ એક કટ્ટાએ અંદાજે રૂા 100 નો ખર્ચ થાય છે. ત્યારે 250 થી વધુ ભાવે બટાકા જાય તો ખેડૂતોને વીઘે 20 હજાર રૂપિયા જોવા મળે છે. પરંતુ આ વખતે પોખરાજ બટાકાનો ભાવ 100 રૂપિયા હોવાથી હાલમાં બટાકો વેચાવામાં આવે તો 30 હજારનો ફટકો પડે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...