આણંદ તાલુકાના ખેરડા ગામે રહેતા ઈસમને એક લાખના ચેક રીર્ટને કેસમાં અદાલતે તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ એક લાખ વળતર ચુકવવા પણ હુકમ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સારસા ખાતે રહેતા અને વૃંદા ફાયનાન્સના નામે ધંધો કરતા ફરિયાદી સુનિલભાઈ રમેશભાઈ પટેલ પાસેથી ખેરડા ગામે રહેતા લાલજીભાઈ જશવંતસિંહ રાઉલજી એક લાખ રૂપિયા સામાજીક કામ માટે ઉછીના લઈ ગયા હતા. જે નાણાંની સમયસર પરત ના કરતા સુનિલભાઈએ ઉઘરાણી કરતાં લાલજીભાઈએ ચેક આપ્યો હતો. જે ખાતામાં ભરતા અપર્યાપ્ત બેલેન્સના કારણે પરત ફર્યો હતો.
જેથી ફરિયાદી દ્વારા કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ આણંદની અદાલતમાં 138 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ આણંદના ચોથા એડી.સીનીયર સિવિલ જજ અને એડી. ચીફ જ્યુ. મે.ની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફે ઉપસ્થિત વકિલ રાજેશ ચંદાણીની દલિલો તેમજ રજુ કરેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને જજ એન. જી. પરમારે એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે ફરિયાદીને એક લાખ રૂપિયા એક મહિનાની અંદર ચુકવી આપવા હુકમ કર્યો છે. તેમજ જો ના ચુકવે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.