નકલી PSI:વાસદમાં PSIના નામે દમ મારનારો શખ્સ પકડાયો, છ મહિનામાં સાડા ત્રણ લાખ રૂપિયા પડાવ્યાંનું ખુલ્યું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતનો શખ્સ અલગ અલગ હોટલમાં રોકાઇને નંબર મેળવી કોલ કરતો હતો

વાસદમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સ્વાંગ રચી હોટલ માલીક અને ટ્રાન્સપોર્ટ માલીકોને ફોન કરી તેમના વિરૂદ્ધ ખોટી ફરિયાદો કરવાની ધમકી આપી પૈસા પડાવતા શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. આ શખસની મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ગઇ હતી.

વાસદમાં આવેલી હરિઓમ દાલબાટી હોટલના માલીક ગૌત્તમ પટેલ તથા કિસ્મત કાઠીયાવાડી હોટલના માલીક જયરામ જીવાભાઈ પરમારના મોબાઇલ પર ફોન કરી અજાણ્યા શખ્સે પીએસઆઈ તરીકે ઓળખ આપી હતી. બાદમાં તમારી હોટલના ગ્રાહકના પાર્સલમાં રબ્બર હોય જે અત્રે ફરિયાદ કરવા આવ્યા છે. જો ફરિયાદ ન કરવી હોય તો રૂ. દોઢ હજાર આપવા પડશે.

આ અંગે ગૌત્તમભાઈએ વાસદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મોબાઇલ નંબર ટ્રેસ કરતા તે વાસદની રીલેક્ષ હોટલ પાસે મળી આવ્યો હતો. જ્યાં તેને પકડી પુછપરછ કરતા તે વિકાસસીંગ સુરેન્દ્રસીંગ (ઉ.વ.25, રહે.તુલસીધામ એપાર્ટમેન્ટ, સુરત) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અટક કરી પુછપરછ કરતા તે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી હોટલ માલીક તથા ટ્રક, ટ્રાન્સપોર્ટ માલીકો પાસેથી પોલીસના નામે ફોન કરી કેસ નહીં કરવાના અને ફરિયાદીને વળતર રૂપે રકમ પેટીએમથી ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરતો હોવાનું કબુલ્યું હતું. આથી, પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તેની પાસેથી પોલીસે રોકડ રૂ.10 હજાર, બે મોબાઇલ, પેટીએમ કાર્ડ સહિત કુલ રૂ.20 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

છ મહિનામાં સાડા ત્રણ લાખ રૂપિયા પડાવ્યાં

વિકાસસીંગની પુછપરછ કરતાં તેણે તમામ ટ્રાન્જેકશન ઓનલાઇન જ કરાવ્યાં છે. ઓક્ટોબર -2021થી અત્યાર સુધીમાં અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, સુરત અને ઉત્તરપ્રદેશમાં આવી રીતે આશરે 300થી વધારે વ્યક્તિઓ સાથે અંતાજીત રૂ.3.50 લાખથી વધુ રકમની ઠગાઇ કરી છે. જેમાંથી ઘણાના મોબાઇલ નંબર મળી આવ્યાં છે. જેઓ સાથે વાત કરતા તેમની પાસેથી પૈસા પડાવ્યાં હોવાનું જણાવ્યું હતું. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશના ટ્રક માલીકો તેમજ ટ્રાન્સપોર્ટર સાથે ઠગાઇ થઇ હોવાનું જણાવ્યું છે.

કેવી રીતે નાણાં પડાવતો હતો?

વિકાસસીંગ અલગ અલગ હોટલમાં રહી ત્યાંની આસપાસની ખાણી - પીણીની હોટલના ઓનલાઇન તથા રૂબરૂમાં જઇ માલીકના નંબર મેળવી લેતો હતો. બાદમાં ગ્રાહકના પાર્સલમાં રબ્બર નીકળ્યું હોય અને તે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવેલો હોય પોતે પીએસઆઈ બોલુ છું તેમ કહી ફરિયાદ નહીં કરવાના ગ્રાહકના ખર્ચ રૂપે રકમ પેટીએમથી પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરતો હતો.

આ ઉપરાંત કોઇ પણ હાઈવે પર બેસી ત્યાથી પસાર થતી ટ્રક અને અન્ય વાહનોના નંબર તથા તેના ઉપર લખેલ માલીકના નંબર મેળવી બાદમાં પોતે પોલીસ સ્ટેશનથી પીએસઆઈ બોલું છું અને હાલ તમારી ટ્રક જે તે લોકેશન પર નીકળી ત્યાં સાયકલને ટક્કર મારતા સાયકલવાળો વાહન નંબર સાથે ફરિયાદ કરવા આવેલો છે. તો તેના ખર્ચ પેટે રૂ. દોઢ હજાર કે બે હજાર જેટલી રકમ પોતાના પેટીએમ વોલેટમાં ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...