કામગીરી:ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલો શખસ એક દિ’ના રિમાન્ડ પર

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છૂટક ગાંજો લાવી વેચાણ કરતો હોવાની કબૂલાત

આણંદ શહેરના ખાટકીવાડમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રૂપિયા 14 હજારના ગાંજાના જથ્થા સાથે ખાટકીવાડ નજીક આવેલી ઝકરીયા મસ્જિદ સામે રહેતો ઈસાક ભીખુભાઈ ખલીફાને ઝડપી પાડ્યો હતો. જેને પોલીસે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.આણંદ શહેર પોલીસે ઈસાક પાસેથી 1.455 કિલોગ્રામના જથ્થો કબજે કરી જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેની પૂછપરછ હાથ ધરવા માટે રિમાન્ડ મેળવ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શખસે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર-પાંચ મહિનાથી તે છૂટક-છૂટક ગાંજો લાવતો હતો અને લોકોને વેચતો હતો. જોકે, તે ક્યાંથી લાવ્યો હતો તે અંગે તેણે ફોડ પાડ્યો નથી. છેલ્લા કેટલાય સમયથી આણંદ જિલ્લામાં નશાકારક પદાર્થોના ખરીદ વેચાણની બદી વ્યાપક પ્રમાણમાં ફુલી ફાલી છે. ત્યારે જિલ્લા પોલીસ સક્રિય બને તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...