આણંદના ચિખોદરા ગામે રહેતા રીઢા બુટલેગરે પોતાના ઘરે જ વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ બનાવી વેચતો હોવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ દારૂ બનાવવા તેને વડોદરાનો શખસ કેમિકલ પુરૂ પાડતો હતો. જે અંગે પોલીસે બન્ને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, ચિખોદરા ગામના એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા ઉંટીયાનો વડવાળી સીમમાં રહેતો બાબુ ભીખા તળપદા તેના ઘરે વિદેશી દારૂ બનાવી વેચાણ કરી રહ્યો છે. આ બાતમી આધારે એસઓજીએ ખાસ ટીમ બનાવી પંચોને સાથે રાખી શનિવારની બપોરે ચિખોદરા ગામે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્થળ પર એક શખસ મળી આવ્યો હતો. જેની પુછપરછ કરતાં તે બાબુ ભીખા તળપદા હોવાનું જણાવ્યું હતું. તેના મકાનની તલાસી લેતા અંદરનું દ્રશ્ય નિહાળી એસઓજીની ટીમ ચોંકી ગઇ હતી. વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ખાલી બોટલ, ઢાંકણા, દારૂ બનાવવાનો કેમિકલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આથી, પોલીસે સ્થળ પર જ બાબુ તળપદાની અટક કરી હતી. આ અંગે પુછપરછ કરતાં તે દારૂ ભરેલા ક્વાર્ટર પોતે ઘરે બનાવ્યાં હોવાનું અને આ બનાવટી વિદેશી દારૂ પોતે બનાવી વેચતો હોવાની કબુલાત કરી હતી. વિદેશી દારૂ બનાવવાનું કેમિકલ વડોદરા ખાતે રહેતો દિનેશ શામરીયા આપી જતો હતો.
આણંદ એસઓજીએ વધુ તપાસ માટે એફએસએલને સ્થળ પર બોલાવી હતી. જેમની પ્રાથમિક તપાસમાં સ્થળ પર મળી આવેલો પ્રવાહી આલ્કોહોલ હોવાનો અભિપ્રાય આપ્યો હતો. આ અંગે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડના ખાલી બોટલ, ઢાંકણા, રોકડ, મોબાઇલ મળી કુલ રૂ.1,29,209નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે બાબુ તળપદા અને દિનેશ સામળીયા સામે ગુનો નોંધી ધરપકડ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આણંદ એસઓજીએ ચિખોદરા ગામે વિદેશી દારૂ બનાવતા બાબુ તળપદાની અટક કરી હતી. જેમાં દારૂ બનાવવા વડોદરા રહેતો દિનેશ સામળીયા કેમિકલ પુરૂ પાડતો હોવાનું કબુલ્યું હતું. આથી, પોલીસની એક ટીમે દિનેશના ઘરે પહોંચી દરોડો પાડ્યો હતો. જેમાં દિનેશ ઘરે મળી આવતા તેની ધરપકડ કરી હતી. જ્યારે તેના મકાનમાં તલાસી લેતાં વિદેશી દારૂ બનાવવાની સામગ્રી તથા કેમિકલ સાથે મળી કુલ 1,03,650નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.