જાગનાથ મંદિર વિવાદ:25 લાખના ચિટીંગના આરોપી મહંતે ટ્રસ્ટી સામે મિલ્કત હડપવાનો આક્ષેપ કર્યો

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ જાગનાથ મહાદેવ મંદિરની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
આણંદ જાગનાથ મહાદેવ મંદિરની ફાઈલ તસ્વીર
  • ટ્રસ્ટી રવિન્દ્ર પટેલે સાડા છ કરોડની જમીન વેચી દેવી હોય તે ના પાડતાં ફરિયાદ નોંધાવી-મહંત

આણંદ જાગનાથ મહાદેવ મંદિર વિવાદે પુન: માથું ઊંચક્યું છે. રૂપિયા 25 લાખની 25 વર્ષ જૂની ફિક્સ ડિપોઝીટ વાપરી નાંખવાની અને તમામ મિલ્કત હડપ કરવાની ફરિયાદ નોંધાયા બાદ મંદિરના વીજ કનેક્શન અને ગેસ કનેક્શન હાલ બિલ ન ભરતાં કાપી નાંખવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મુદ્દે મંગળવારે સવારે અમૂક સાધુ-સંતોની મંદિર ખાતે એક મીટીંગ મળી હતી. આ મીટીંગમાં તેમણે ટ્રસ્ટી રવિન્દ્ર પટેલે ટીપી 10માં આવેલી રૂપિયા સાડા છ કરોડની જમીન વેચી દેવી હોય તે ના પાડતાં તેમણે ફરિયાદ નોંધાવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે મંદિરના લેટરપેડ પર લેખિત રજૂઆતમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટના બંધારણ મુજબ સંન્યાસી ટ્રસ્ટીની જગ્યાએ મેનેજિંગ ટ્રસ્ટી સંન્યાસી જ બની શકે તેવું હોવાથી કાયદેસરના ટ્રસ્ટી તરીકે રમેશપુરીજીના અવસાન બાદ શુભમપુરી આપોઆપ બંધારણ મુજબ મેનેજિંગ ટ્રસ્ટી બન્યા છે.

અને તેને રવિન્દ્ર પટેલે સ્વીકૃતિ આપી છે. પરંતુ રવિન્દ્ર પટેલને મંદિરની જમીન વેચવા દેવાની ના પાડતાં શુભમપુરી મહારાજ પર ખોટી ફરિયાદ દાખલ કરાવી હેરાન કરવામાં આવી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં ટ્રસ્ટની ઠરાવ બુક જમા હોવા છતાં રવિન્દ્ર પટેલે તથા તેમના મળતીયાઓએ ગેરકાયદે ઠરાવ બુક બનાવી અને લેટરબુક બનાવી પોલીસ અને ચેરીટી કમિશ્નરને ગુમરાહ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

સમગ્ર બનાવ શું હતો ?
આણંદ જાગનાથ મહાદેવના મંદિરના હાલના ટ્રસ્ટી રવિન્દ્ર મણિભાઈ પટેલે ગત 26મી નવેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટમાં તેઓ ઉપરાંત મનુભાઈ મણિભાઇ પટેલ, રમણ પી. પટેલ, મંદિરના મહંત રમેશપુરી અને ગોવિંદપુરી નામે પાંચ ટ્રસ્ટી છે. વર્ષ 2019માં અલગ-અલગ તારીખોએ રમણ પટેલ અને રમેશપુરીની સહીથી રૂપિયા 25 લાખનો નાણાંકીય ઉપાડ થયો હતો. ઉપરાંત મહંત શુભમપુરીએ ઠરાવ બુકમાં સુધારા-વધારા કરીને મેનેજિંગ ટ્રસ્ટી તરીકેનો શબ્દ ઉમેર્યો હતો. આમ, સમગ્ર મામલે પોલીસે ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.

શુભમપુરી જામીન પર મુક્ત
સમગ્ર મુદ્દે જે વિવાદ થયો છે તેમાં પીઆઈ યશવંતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ફરિયાદ નોંધ્યા બાદ હાલમાં દસ્તાવેજો સહિત અન્ય મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. આ મામલે એક આરોપી મહંત શુભમપુરીની ધરપકડ કર્યા બાદ તેઓ જામીન પર મુક્ત થયા હતા.

રવિન્દ્રભાઈનો સંપર્ક ન થયો
સમગ્ર મામલે સાધુ-મહંતોએ કરેલા આક્ષેપો બાબતે મૂળ ફરિયાદી રવિન્દ્રભાઈ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના તરફથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુતર મળ્યો નહોતો. વધુમાં થોડાં સમય બાદ તેમનો ફોન પણ બંધ આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...