તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:આણંદમાં મહાદેવના શ્રાવણની વિદાયની ઘડી, શિવપુત્ર ગણેશના આગમનની છડી

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર સહિત જિલ્લાના 351 ગામોમાં છેલ્લા એક માસથી શિવ મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશેષ પૂજા અર્ચના સહિ શિવશોસ્ત્ર, શિવમહીમ્ન સહિતના પાઠ લાખો શ્રધ્ધાળુઓ દ્વારા કરવામાં આવ્યા હતા . આવતીકાલે શ્રાવણી અમાસ અને સોમવારના રોજ શિવજીની મહાપર્વની વિદાય માટે મંદિરોમાં તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત શિવમંદિરોમાં શિવજીના પરિવારની ચોખ્ખા ઘીની મૂર્તિઓ બનાવીને પૂજા અર્ચના કરવા ઉપરાંત અન્ય પ્રકારે પૂજાનું આયોજન કરાયું છે. તેમજ સોમવતી અમાસ હોવાથી લાખો શ્રધ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને શિવજીને વિદાય અપાશે.

આણંદ શહેરના ઓમકારેશ્વર મહાદેવમાં સોમવાર નિમિત્તે લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન
આણંદ ટાઉનહોલ પાસે આવેલા ઓમકારેશ્વર મંદિરમાં શ્રાવણ માસની અમાસના છેલ્લા દિવસે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ સવારે 8 થી સાંજના 5.30 કલાક સુધી યોજાશે. ત્યારબાદ ફુલવાડી દર્શન ,આરતી, સહિત શિવ મહિમા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ હરિકૃષ્ણભાઇ પટેલે જણાવ્યું હતું.

જાગનાથ મહાદેવ ખાતે સોમવતી અમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા
આણંદ શહેરના સૌથી પ્રાચીન જાગનાથ મહાદેવમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.વહેલી સવારે આરતી,શિવપૂજા,હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ,સહિત અન્ય કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનું મંદિરના શુભપુરી મહારાજે જણાવ્યું હતું.

વિવિધ મંડળો દ્વારા ગણેશને બિરાજમાન કરવા માટે ચાલતી તડામાર તૈયારીઓ
આણંદ જિલ્લાની જનતા શિવજીના શ્રાવણ માસની વિદાયની તૈયારીઓ કરી રહી છે. તો બીજી બાજુ શિવજીના પુત્ર ગણેશજીના પર્વ ગણેશોત્સવની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. 10 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ મંડળો દ્વારા પંડાલ ઉભા કરવા તેમજ દુંદાળા દેવના વિવિધ સ્વરૂપોને બિરાજમાન કરવાની તૈયારીમાં લાગી ગયા છે. દસ દિવસ દરમિયાન ગણેશજીની આરાધના કરવા માટે ભારે ઉત્સાહ આણંદવાસીઓમાં જોવા મળી રહ્યો છે. મોટાભાગા મંડળો દ્વારા માટીની મૂર્તિઅો તૈયાર કરવા માટે આર્ડર આપી દેવામાં આવ્યા છે.

લાંભવેલ રોડ પર ધનુષ ગૃપ દ્વારા ટોકિયો ઓલ્મપિક થીમના ગણેશજીની સ્થાપના કરાશે
જન્માષ્ટમી મહોત્સવની પૂર્ણાહુતિ સાથે શહેરમાં વિઘ્નહર્તા ગણેશજીને આવકાર માટે તૈયારીઓને આખરી ઓપ વિવિધ મંડળો દ્વારા આપવામાં આવી રહ્યો છે. લાંભવેલ રોડ પર ધનલક્ષ્મી ટાવર પાસે ટોકિયો ઓલિમ્પિક મેડલ 2020ના થીમ ઉપર ચાર ફૂટની માટીના ગણપતિની મૂર્તિ સ્થાપિત કરશે તેમ ધનુષ ગૃપના મૌલિક (મુસા) પટેલે જણાવ્યું હતું.

સીપી કોલેજ પાસે ગુરૂનાનક સોસા.માં વેક્સિન થીમ પર ગણેશજીનો પંડાલ તૈયાર કરાશે
હાલમાં ગણપતિ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આણંદ શહેરના ગુરૂનાનક યુવક મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ બનાવવામાં આવે છે. નાગરિકો કોરોના અંગે જાગૃત થાય અને વેક્સિનેશનમાં રસ દાખવે તે માટે વેક્સિન થીમ પર પંડાલ તૈયાર કરીને ગણેશજીને બિરાજમાન કરવામાં આવશે તેમ ગુરૂનાનક યુવક મંડળના સભ્યે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...