રાજયમાં હાલ પશુઓમાં લમ્પી વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં પણ પશુઓમાં લમ્પી વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે. જેને લઈ પશુપાલકો અને વહીવટીતંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જોકે, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, પશુપાલન વિભાગ રોગને અંકુશમાં લેવા સખત સક્રિય બન્યા છે. જિલ્લામાં પશુઓના રસીકરણની પ્રક્રિયા વધુ તેજ બનાવવામાં આવી રહી છે. હાલ રાહતના સમાચાર એ છે કે, જિલ્લામાં આ રોગને કારણે હજુ સુધી એકપણ પશુનું મૃત્યુ થયું નથી.
યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી શરૂ
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝના રોગચાળાથી પશુધનને બચાવવા માટે અમુલ ડેરી તથા પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના ગામોમાં પશુઓને રસી મૂકવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત અત્યારસુધીમાં જિલ્લાના અસરગ્રસ્ત તમામ 79 ગામોમાં કુલ 9193 પશુઓને રસી મૂકી દેવામાં આવી છે. આ ઉપરાંત રોગચાળાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ગૌશાળાઓમાં પણ રસીકરણની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે.
ક્યા તાલુકામાં કેટલા પશુ અસરગ્રસ્ત?
આ અંગે જિલ્લાના નાયબ પશુપાલન નિયામક સ્નેહલ પટેલે જણાવ્યું છે કે, ઉમરેઠ સિવાયના જિલ્લાના બાકીના સાત તાલુકાઓના 79 ગામોમાં 147 પશુઓ અસરગ્રસ્ત થયા છે. જેમાં આણંદ તાલુકાના 10 ગામના 13 પશુઓ, આંકલાવ તાલુકાના 6 ગામના 6 પશુઓ, બોરસદ તાલુકાના 11 ગામના 21 પશુઓ, પેટલાદ તાલુકાના 15 ગામના 47 પશુઓ, ખંભાત તાલુકાના 19 ગામના 31 પશુઓ, તારાપુર તાલુકાના 14 ગામના 24 પશુઓ અને સોજિત્રા તાલુકાના ચાર ગામના પાંચ પશુઓનો સમાવેશ થાય છે.
આ તમામ અસરગ્રસ્ત ગામોના પશુઓની રસીકરણ કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આણંદ તાલુકાના આ અસરગ્રસ્ત ગામોના 1200, આંકલાવ તાલુકાના 100, બોરસદ તાલુકાના 300, પેટલાદ તાલુકાના 2460, ખંભાત તાલુકાના 4722, તારાપુર તાલુકાના 291 અને સોજિત્રા તાલુકાના 120 પશુઓનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે. જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝના કારણે કોઇપણ પશુનું મૃત્યુ થયું નથી.
જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું
આણંદ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે સમગ્ર જિલ્લામાં બહારના રાજયમાંથી કે અન્ય જિલ્લામાંથી પશુઓને લાવવા કે ફેરબદલી કરવા તેમજ પશુ બજારો અને પશુ મેળાઓ જેવી કાર્યવાહી ન કરવા જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીએ જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
પશુપાલકોને અનેક સૂચનાઓ અપાઈ
આ ઉપરાંત લમ્પી સ્કીન ડીસીઝનું સંક્રમણ ફેલાવા ન પામે તે માટે પાંજરાપોળો, ગૌશાળા અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છર, ઇતરડીનો ફેલાવો અટકાવવા માટે દવાનો છંટકાવ તથા પશુઓને રાખવાની જગ્યાઓ સ્વચ્છ રાખવા જેવી સૂચનાઓ પશુપાલકોને આપવામાં આવી રહી છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર, પશુપાલન વિભાગ અને અમૂલ ડેરી દ્વારા રોગને ઉગતો ડામી દેવા માટેના અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જણાવી જિલ્લાના અસરગ્રસ્ત તમામ પશુઓને સારવાર હેઠળ યુધ્ધના ધોરણે આવરી લેવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.