તંત્રની ભ્રષ્ટતા કે બેદરકારી ?:આણંદમાં જમીન માપણીમાં લોલમલોલ, તો નામ ચઢાવામાં પણ ઠાગાઠૈયા; મહેસૂલી મેળામાં ફરિયાદો ઉઠી

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસુલી મેળા દરમ્યાન જમીન માપણીમાં ભૂલો હોવાની અને વારસાગત જમીનોમાં પણ નામ ન ચઢતા હોવાની ફરિયાદો ખુલી

ગુજરાતમાં મહેસૂલ વિભાગ નાગરિકોના પ્રશ્નોને બિનજરૂરી વિલંબિત કરવા અને ભ્રષ્ટતા આચરવા કુખ્યાત બની રહયુ હોવાનું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરમાં સ્વીકાર્યું હતું.ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ મેળાનો પ્રયોગ કરી અનેક નાગરિકોની સમસ્યા અને પ્રશ્નોમાં સરળ ઉકેલ કરી દીધો છે.જોકે આ કારણે ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર પણ લગામ કસાઈ છે.આણંદ કલેકટર કચેરી ખાતે યોજવામાં આવેલ મહેસૂલ મેળાના પ્રજામાં હકારાત્મક પરિણામ મળી રહ્યા છે.પ્રાપ્ત માહિતી મુજબ આણંદમાં ફળ વેચવાની ફેરી કરતા ફેરિયાને રસ્તે ચાલતા લોટરી લાગી હોય તેવી ખુશી થઈ હતી તો બીજી તરફ તંત્રની નફ્ફટાઈ અને બેજવાબદાર વર્તણૂંકથી ત્રાસી ગયેલ નાગરિકોને પણ ક્યાંક તેમના પ્રશ્નોને વાચા મળ્યાની લાગણી થઈ હતી.એક એનઆરઆઈ ની ફરિયાદ પોલીસ સાંભળતી નહોતી તેને પણ મહેસૂલ મેળામાં ન્યાય મળ્યો હોય તેવી લાગણી વ્યક્ત કરી હતી.

ભાડજ ગામમાં ભૂલોવાળા નકશા અપાયાનો પ્રશ્ન ઉઠ્યો

પેટલાદ તાલુકાના ભાડજ ગામના 67 વર્ષીય નગીનભાઈ પટેલ પ્રશ્ન લઇને આવ્યા હતા. તેમનો પ્રશ્ન એ હતો કે, ભાડજ ગામમાં બે વખત બ્લોક પડ્યા ત્રીજી વખત રી-સર્વેની કામગીરી સેટેલાઇટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ફક્ત 50 ખેડૂતોના જમીનની માપણી કરી આખા ગામનું રીસર્વેનું કામ પૂર્ણ થઇ ગયું છે, તેમ જણાવી ભાડજ ગામના ખેડૂતોને બે માસ પછી નકશા આપવામાં આવ્યાં હતાં. જેમાં પણ અગાઉની ભૂલો વાળા નકશા આપવામાં આવ્યા અને ખેડૂતોને અન્યાય થયો હોઇ મેં વારંવાર મામલતદાર ઓફિસ, કલેકટર ઓફિસ અને ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરી હોવા છતાં કામગીરી થયેલ ન હોવાથી આ મહેસૂલી મેળામાં આવ્યાં હતાં. મંત્રીએ ધ્યાનપૂર્વક સાંભળી અધિકારીઓને બોલાવી આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી હતી.

વારસાગત જમીનના ખોટા દસ્તાવેજો કરી બીજાને વેચી દીધી

આણંદ રહેતાં એનઆરઆઈ નવીનચંદ્ર છોટાભાઈ પટેલ કે જેઓની દાદાની આઝાદી પહેલાની જમીન આણંદમાં ટીપીમાં સર્વે નંબર 21, 31, 21, 32 ઉપરાંત 27, 74, 2776 અને 26, 23 કુલ 600 ગુંઠા જગ્યા ખેતીલાયક જમીન છે. તે પૈકીની કેટલીક જમીનના 15 જેટલા ખોટા દસ્તાવેજો કરી બીજા દ્વારા વેચી દેવામાં આવ્યા હોવાની તેમને વર્ષ 2019માં ખબર પડી કે આ જમીન ખોટા દસ્તાવેજો કરી વેચી દેવામાં આવી છે. બાદમાં તેમણે મામલતદાર, પ્રાંત કચેરી, કલેકટર અને ગાંધીનગર સુધી કાયદાકીય લડત ચાલુ કરી હતી. પરંતુ દરેક જગ્યાએ મને યોગ્ય ન્યાય ન મળતાં આણંદ ખાતે યોજાયેલા આ મહેસૂલી મેળામાં આવ્યાં હતાં. મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને રૂબરૂ મળી આ કેસ સંબંધી વાત કરતા તેઓએ સ્થળ ઉપર જ પોલીસ અને મહેસુલી અધિકારીઓને બોલાવી ન્યાયિક નિર્ણય કર્યો હતો.

જમીનમાં 160થી વધુ નામ નોંધાવેલા છતાં કોઇ નામ ચડ્યાં નથી

જયપ્રકાશ મણીભાઈ પટેલ કે જેઓ પણ મહેસૂલી મેળામાં આવ્યાં હતાં. જેમનો પ્રશ્નો તેમના બાપદાદાની 600 ગુંઠા જમીન ઉપર 160થી વધુ નામ નોંધાયેલા છે, પરંતુ કોઈ પણ માપ ક્ષેત્રફળ આજદિન સુધી 7/12માં ચડ્યાં નથી. આમ છતાં પણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખોટા દસ્તાવેજો કરી લીધા હોઇ આ બાબતની રજૂઆત કરવા આવી હતી. જોકે, મંત્રીએ તેમના પ્રશ્નનું શું નિરાકરણ આવ્યું ? તેમ પુછતાં તેમણે જણાવ્યું કે, આ બાબતની ચકાસણી કરવાની ખાતરી આપી હોય હવે મને ન્યાય મળશે તેવું લાગે છે. મંત્રીએ આણંદના આંગણે આવી મને અને મહેસુલને લગતા ઘણા પ્રશ્નો લઇને આવેલ અરજદારોના પ્રશ્નોને સાંભળી રહ્યા છે ત્યારે હું તેમનો આભાર માનું છું.

કલેક્ટર ઓફિસે ફળ વેચવા આવેલા શ્રમિકને મેળાની જાણ થતાં અરજી કરી

બોરસદ તાલુકાના નાપા તળપદ ગામના મહેશભાઇ મોહનભાઇ તળપદા કે જેઓ પોતાની લારીમાં સફરજન વેચતા વેચતા જતા હતા ત્યારે તેમને ખબર પડી કે કલેકટર કચેરીમાં મહેસુલ મંત્રી આવ્યા છે અને તેઓ રૂબરૂમાં અરજદારોના પ્રશ્નો સાંભળે છે. તેઓ પણ મહેસુલી મેળામાં આવી ગયા હતા. તેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું અને મહેસૂલ મંત્રીને રૂબરૂ મળી તેમની જમીન બાબતની અરજી નામંજૂર કરવામાં આવી છે. સાતબારમાં પાકી એન્ટ્રી પડતી નથી વેચાણ આપેલ વ્યક્તિનું નામ જતું નથી અને લેનારનું નામ આવતું નથી અને આ બાબતે તેઓએ મામલતદાર સમક્ષ પણ લેખિતમાં અરજી કરી છે. તે બાબતે કામગીરી કરી આપવા મંત્રીને રજૂઆત કરી હતી. મંત્રીએ શાંતિથી સાંભળ્યા બાદ અધિકારીને રૂબરૂ બોલાવી તાત્કાલિક તેમના દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરી બાકી એન્ટ્રી પાડી 7/12માંથી વેચાણ આપનારનું નામ કમી થાય અને લેનારનું નામ દાખલ થાય તેવી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...