ચોરી:પેટલાદના શેખડી બળીયાદેવ મંદિર પાસે પીવાના પાણીના બોરમાં ઉતારેલ સબમર્સીબલ પંપસેટની ઉઠાંતરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટલાદના શેખડી ગામે આવેલા બળીયાદેવ મંદિરની પાસે પાણીના બોરની સબમર્સીબલ પંપની ચોરી થયાનો બનાવ બન્યો હતો. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

પેટલાદના શેખડી ગામના સરપંચ પ્રવિણાબહેન ચંદ્રેશભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, શેખડી - ખડાણા રોડ પર આવેલી મોટી નહેર નજીક બળીયાદેવ મંદિરની પાસે આવેલી સરકારી જમીનમાં પાણીના બોરની કામગીરી મુસ્તકીમ સૈયદ (રહે.પેટલાદ)ને કોન્ટ્રાક્ટથી સોંપ્યો છે. છેલ્લા વીસેક દિવસથી તેની કામગીરી ચાલી રહી છે. દરમિયાનમાં 2જી માર્ચ,2023ના રોજ જાણવા મળ્યું કે, બળીયાદેવ મંદિરની પાસે પીવાના પાણીના બોરમાં ઉતારેલી સબમર્સીબલ પંપસેટ કેબલ વાયર કાપી કોઇ શખસ ચોરી કરી ગયો છે. આથી, સ્થળ પર તપાસ કરતાં સબમર્સીબલ પંપસેટ, કેબલ મળી કુલ રૂ.14,900ની ચોરી થયાનું જણાયું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...