અનાજ કૌભાંડ:આણંદ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જોળ અનાજ કૌભાંડમાં પરવાનો રદ્દ કરાયો, તમામ રેશનકાર્ડ ક્રોસ ચેકીંગ થશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરવાનેદારના તમામ રેશનકાર્ડના ત્રણ મહિનાની માહિતીનું ક્રોસ ચેક કરવા જિલ્લા પુરવઠા અધિકારીએ આદેશ આપ્યો

આણંદ તાલુકાના જોળ ગામની સસ્તા અનાજની દુકાનમાંથી 16મીના રોજ અનાજનો જથ્થો ભરી જઇ રહેલા વાહનનો કેટલાક યુવકોએ પીછો કરી તેને પોલીસની મદદથી કરમસદ પાસે પકડી પાડ્યો હતો. આ મામલે હોબાળો મચ્યા બાદ સમગ્ર પ્રકરણ જિલ્લા પુરવઠા અધિકારી સુધી પહોંચ્યું હતું. તેઓએ તાત્કાલિક અસરથી પ્રાથમિક દૃષ્ટિએ ગેરરીતિ ગણી પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યો છે અને તમામ રેશનકાર્ડનું ક્રોસ ચેક કરવા આણંદ ગ્રામ્ય મામલતદારને આદેશ આપ્યો છે.

જોળ ગામે કેટલાક જાગૃત યુવકોએ 16મી ઓક્ટોબરના રોજ ગામની સસ્તા અનાજની દુકાનનો જથ્થો સગેવગે થતો હોવાની શંકા આધારે એક ટેમ્પાનો પીછો કર્યો હતો. બાદમાં વિદ્યાનગર પોલીસની મદદથી આ ટેમ્પાને કરમસદ પાસે રોકવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ભારે હોબાળો મચ્યો હતો અને પોલીસ મથકે જ આણંદ ગ્રામ્ય મામલતદાર સહિતની ટીમ દોડી ગઇ હતી. મામલતદારે ગોડાઉન સહિતના સ્થળો પર તપાસ કર્યા બાદ જથ્થાને સીઝ કર્યો હતો અને વધુ કાર્યવાહી માટે અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલી આપવામાં આવ્યો હતો.

આ રિપોર્ટ આધારે જિલ્લા પુરવઠા અધિકારી લલીત પટેલ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યાં હતાં અને પ્રાથમિક દૃષ્ટિએ ગેરરીતિ જણાતા પરવાનેદાર કિર્તીબહેન રણજીતભાઈ પરમારનો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધો છે. આ ઉપરાંત આ પરવાનેદાર હેઠળ આવતાં તમામ રેશનકાર્ડ ધારકોના કાર્ડ ત્રણ મહિના સુધી કેટલો અનાજ મેળવ્યું છે ? નથી લીધું તો ક્યા કારણસર નથી લીધું ? દુકાનદારે એન્ટ્રીપ પાડી છે કે કેમ ? સહિતના મુદ્દે તપાસ કરવા આદેશ કર્યો છે.

ઉલ્લેખીય છે કે, પરવાનેદાર કિર્તિબહેન પરમાર ગામના સરપંચના પરિવારના જ સભ્ય છે. આથી, આ સમગ્ર પ્રકરણમાં સરપંચની પણ સંડોવણી છે કે કેમ ? તે પણ નિષ્પક્ષ તપાસ થવી જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...