સાદગી / સાહુકારી:આણંદ પાલિકામાં નેતાઓ-બાબુઓને ટાઢોડાની ટેવ 44 ACના ધમધમાટથી મહિને રૂ. 90 હજાર વીજ બીલ

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
બરબાદે ગુલિસ્તાં કરને કો બસ એક હીં ઉલ્લું કાફી હૈ, યહાં તો હર શાખ પે ઉલ્લું બૈઠાં હૈ, અંજામે ગુલિસ્તાં ક્યાં હોગા? - Divya Bhaskar
બરબાદે ગુલિસ્તાં કરને કો બસ એક હીં ઉલ્લું કાફી હૈ, યહાં તો હર શાખ પે ઉલ્લું બૈઠાં હૈ, અંજામે ગુલિસ્તાં ક્યાં હોગા?
  • સરકારી કચેરીઓેને વીજ બીલ બચતના આદેશ છતાં નડિયાદ પાલિકા કરતાં આણંદ પાલિકાનું વીજ બીલ 10 ગણું
  • નડિયાદ પાલિકામાં માત્ર 8 AC, માસિક વીજ બીલ રૂા. 9000 તો બીજી તરફ ...

ઉનાળાની ગરમીના કારણે વીજ લોડ વધી ગયો છે. ત્યારે રાજય સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં વીજળી બચાવવાના આદેશ કરાયા છે, સોલર પેનલ ફીટ કરાવી વીજ બચત સાથે વીજ ઉત્પાદન પર ભાર મૂકાયો છે. પરંતું નડિયાદ અને આણંદ પાલિકાની સરખામણી કરીએ તો નડિયાદ પાલિકામાં વીજ બચત અંગે ગંભીરતા દેખાઈ રહી છે. અહીં નેતાઓ અને અધિકારીઓ સાદગીમાં માનતાં હોય તેમ આખી કચેરીમાં માત્ર 8 AC છે. જેના કારણે માસિક માત્ર રૂા. 9000 વીજ બીલ આવે છે. તો બીજી તરફ આણંદ પાલિકામાં નેતાઓ-બાબુઓને ટાઢોડાની ટેવ હોય તેમ 44 ACના ધમધમાટથી મહિને રૂા. 90,000 વીજ બીલનો ધૂમાડો થઈ રહ્યો છે.

આણંદ શહેરનું કરમસદ, વિદ્યાનગર અને આણંદ એમ ત્રણ પાલિકામાં વિભાજન થયું હોવાથી નડિયાદ કરતાં આણંદ પાલિકા વસ્તી, વિસ્તાર, સ્ટાફની સંખ્યા અને કચેરીના બાંધકામમાં નાની હોવા છતાં નડિયાદ પાલિકા કરતાં આણંદ પાલિકાનું વીજ બીલ 10 ગણું આવી રહ્યું છે.જો કે સરકારના પરિપત્ર મુજબ વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ સહિત સર્વર સિસ્ટમ માટે એસીની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ આણંદ નગરપાલિકામાં મોટાભાગની ચેમ્બરમાં એસી બેસાડીને લાખો રૂપિયાના બીલનું આંધણ કરાઈ રહ્યું છે.

પ્રજાના ટેક્ષના નાણાંનો દૂર ઉપયોગ કરવામાં પાલિકા પાછી પાની કરતી નથી. આણંદ નગરપાલિકાનું માસિક વીજ બીલ રૂપિયા 90 હજારની આસપાસ આવે છે. વાર્ષિક 10 લાખથી વધુ વીજ બીલ આવે છે. મોટાભાગની ઓફિસોમાં કર્મચારી હાજર ન હોય તો પણ સિંલીગ ફેન, ટયુબ લાઇટ અને એસી ચાલુ જોવા મળે છે. આમ ખોટી રીતે વીજળી ઉપયોગ કરીને પાલિકાને આર્થિક નુકશાન પહોંચાડી રહ્યાં છે.

વર્ગ 1 અને 2ના અધિકારીની ચેમ્બરમાં જ એસીની જોગવાઇ
પાલિકાના એક્ટ મુજબ માત્ર વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીની ચેમ્બરમાં એસી ફીટ કરવાની જોગવાઇ છે. પરંતુ આણંદ પાલિકામાં સેન્ટ્રલ એસી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. - એસ.કે.ગરવાલ, ચીફ ઓફિસર, આણંદ નગરપાલિકા

આણંદ પાલિકામાં એસી ખરીદીમાં ગોટાળા, હિસાબ મળતો નથી
એસી ખરીદી અંગે માહિતી એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેમાં એસી સહિતની કેટલીક ખરીદી પાછળ 8.46 લાખ ઉપરાંત ખર્ચ કરવામાં આવ્યો છે. 6 એસીની ખરીદીમાં ભારે ગોટાળા કરવામાં આવ્યાં છે. 25થી 27 હજારનો કોઇ હિસાબ જોવા મળતો નથી. - તૌસિફ (હાફેઝી) વ્હોરા, સામાજિક કાર્યકર, આણંદ

વીજળી-નાણાંનો વેડફાટ ; માત્ર ACમાં જ નહીં ભર ઉનાળે દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલું રાખી ધૂમાડો
આણંદ પાલિકાની ઓફિસમાં ગમે ત્યારે જઇએ તો ઓફિસમાં કોઇ કર્મચારી હોય કે ન હોય તો પણ પંખા, ટયુબ લાઇટો અને એસી ચાલુ જોવા મળે છે. શહેરના કેટલાંક માર્ગો પર ભર બપોરે સ્ટ્રીટલાઇટો ચાલુ રાખવામાં આવે છે. જ્યારે ખરેખર છેવાડાના વિસ્તારમાં તો રાત્રિના સમયે પણ સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં જોવા મળે છે. આમ પાલિકાના રેઢિયાળ તંત્રને કારણે પ્રજાના લાખો રૂપિયાનો ધૂમાડો થાય છે. - રમેશ પ્રજાપતિ, સ્થાનિક રહીશ, આણંદ

અન્ય સમાચારો પણ છે...