રિમાન્ડ:બોગસ પેઢી બનાવી GST નંબર લેવાના કેસની તપાસ LCB કરશે

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનેવીના ડોકયુમેન્ટ વાપરનાર મહેમદાવાદના ઇરફાનને રિમાન્ડ
  • નંબરના આધારે 83 કરોડના નાણાકીય વ્યવહાર થયા હોવાનું જણાયું

મહેમદાવાદના શખસે બનેવીના ડોક્યુમેન્ટસનો ઉપયોગ કરી રૂપિયા 83 કરોડનો ચુનો ચોંપડ્યો હતો. સમગ્ર બનાવ અંગે જીએસટી ઓફિસર દ્વારા પર્દાફાશ કર્યા બાદ તારાપુર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. જોકે, હવે સમગ્ર કેસની તપાસ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. જેમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

તારાપુરના ખડા કસ્બામાં રહેતા સકીલ મહેમુદમિયાં મલેકના સાળા ઇરફાન સબ્બીર હુસેન કાજી (રહે. મહેમદાવાદ કચેરી દરવાજા, દાઉદપુરા)એ વર્ષ 2018માં બનેવી સકીલ મલેક પાસેથી લોખંડના ભંગારનો ધંધો કરવાનું જણાવીને તેમની પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટસ મેળવ્યા હતા. ઈરફાને આ પેટે રૂપિયા પાંચ હજાર માસિક આપવાની લાલચ આપી હતી. જે તેણે આપ્યા હતા. દરમિયાન, ગત 24મી ફેબ્રુઆરીએ જીએસટી ઓફિસની ટીમ સકીલ મલેકના ઘરે પહોંચી હતી અને તેમના નામનો જીએસટી નંબર ચાલતો હોવાનું અને તેના નંબરના આધારે 83 કરોડના નાણાકીય વ્યવહાર થયા હોવાનું જણાવ્યું હતું. અને તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે સમગ્ર હકીકત જણાવી હતી. જેને પગલે તારાપુર પોલીસ સ્ટેશનમાં ઈરફાન કાજી વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી ધરપકડ કરાઈ હતી.

બીજી તરફ આ મામલે જીએસટી ઓફિસર દ્વારા તેની સઘન પૂછપરછ કરાયા બાદ હવે તેની તપાસ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી છે, જેમાં તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જેમાં તેઓ દ્વારા ડોક્યુમેન્ટસ પર તપાસ કરાશે.

સ્થળ ચકાસણી વગર નંબરની ફાળવણી કરનાર કોણ ?
જોકે, સમગ્ર બનાવમાં અનેક પ્રશ્નો સર્જાયા છે જેવા કે, સામાન્ય ભણતર મેળવનારા ઈરફાન કાજીએ જીએસટી નંબર કેવી રીતે મેળવ્યો, અન્ય કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ તથા જીએસટી અધિકારીએ નંબર ફાળવ્યા બાદ સ્થળ તપાસ કરી હતી કે નહીં, દસ પેઢી જે બનાવી છે તે કોના નામે છે અને અન્ય કોના નામના ડોક્યુમેન્ટસનો ઉપયોગ કરાયો છે ? સમગ્ર મામલે જો જીએસટી અધિકારી અને એલસીબી દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડો પરથી પરદો ઊંચકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...