મજબુરી:આણંદમાં રૂા 20ના સ્ટેમ્પની અછત વિદ્યાર્થીઓ - અરજદારો પરેશાન

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારોએ વધુ નાણાં ખર્ચીને રૂા. 50નો સ્ટેમ્પ ખરીદવા મજબુર

આણંદ જિલ્લામાં વિવિધ સરકારી કામો માટે અરજદારોને તેમજ વિવિધ દાખલા કઢાવવા માટે વિદ્યાર્થીઓને જરુરી એવા રૂા.20ના સ્ટેમ્પ પેપરની છેલ્લા ચાર માસથી અછત સર્જાઇ છે. બીજી તરફ મોટાભાગની મામલતદાર કચેરી સહિતના નિયત સ્થળોએ પણ રૂા.20ના ઇ સ્ટેમ્પ ઉપલબ્ધ નથી. આથી વિદ્યાર્થીઓ, અરજદારોને વધુ નાણાં ખર્ચીને રૂા. 50નો સ્ટેમ્પ ખરીદવા સહિતની પરેશાની ભોગવવી પડી રહી છે.

ધો.10 અને 12ના પરિણામો જાહેર થયા બાદ વિવિધ સરકારી કામોમાં વિદ્યાર્થીઓને જ્ઞાતિના દાખલા, આવકના દાખલા, એફીડેવિટ સહિતના કામ માટે રૂા. 20ના સ્ટેમ્પની જરુરિયાત ઉભી થઇ છે. આથી પોતાના વિસ્તારની સરકારી કચેરીએ પહોંચ્યા બાદ વિદ્યાર્થી, વાલીઓને જરુરી રૂા.20નો સ્ટેમ્પ ન મળવાના કારણે નાછૂટકે વધુ નાણાં ખર્ચીને રૂા.50નો સ્ટેમ્પ ખરીદવો પડી રહ્યો છે.છેલ્લા ચાર માસ ઉપરાંતથી જિલ્લાભરમાં રૂા.20ના સ્ટેમ્પ પેપરની અછત છતાંયે જવાબદાર તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં ન આવ્યાની બાબતે અરજદારોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

આરોગ્ય વિષયક મા કાર્ડ, આવક અંગેના સોગંદનામા સહિતના કામોમાં રૂ.20નો સ્ટેમ્પ ઉપયોગી છે. પરંતુ તે ન હોવાના કારણે ગ્રામ્ય વિસ્તાર સહિતના અરજદારોએ 50નો સ્ટેમ્પ મજબૂરીવશ ખરીદવો પડી રહ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...