આદેશ:આણંદમાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લા નોડલ અધિકારી (સ્થાળાંતરીત શ્રમિકો) અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આણંદના પ્રાદેશિક અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 અન્વયે આણંદ જિલ્લામાં બીજા તબક્કામાં તા.5 ડિસેમ્બર 2022 ના રોજ મતદાન થનાર હોઈ ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-1948, કારખાના અધિનિયમ-1948, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-1996 અને કોન્ટ્રાક્ટ લેબર એક્ટ-1970 હેઠળ નોંધણી થયેલ સંસ્થા ,સાઈટ પરના શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-1951 ની કલમ-135 (બી) મુજબ નોંધણી થયેલ સંસ્થા,સાઈટ પરના શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે.

મહત્વનુ છે કે આ જોગવાઈ અનુસાર સંબંધિત શ્રમયોગીઓ ,કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં, તેમજ રજાના કારણે શ્રમયોગી,કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં તે વ્યક્તિ રજા જાહેર ન થઈ હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.વળી જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઊભું થવાના સંજોગો,શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયા વાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ,કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણ થી ચાર કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુધ્ધનું વર્તન કરશે તો તે શિક્ષાને પાત્ર થશે. મતદાનના દિવસે ઉપરોક્ત સબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારી (સ્થળાંતરીત શ્રમિકો) અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આણંદના પ્રાદેશિક અધિકારી એન. ડી. અજમેરાનો ફોન નં.02602 266194 /266195 અથવા તેમની કચેરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, બીજો માળ, બારદાનવાલા કોમ્પ્લેક્ષ, ડૉ. કૂક રોડ, આણંદનો અથવા ચૂંટણી કંટ્રોલ રૂમ ફોન નં.18002331337 પર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...