'એ..એ ...કાઇપો છે':આણંદમાં પવનની ગતિએ પતંગ ઊંચા આભે ઉડયો, પતંગ રસિયાઓએ ગીત, સંગીત સાથે ખાણી પીણીની મોજ માણી

આણંદ21 દિવસ પહેલા

આણંદમાં ઉત્તરાયણના તહેવારે પતંગ રસિયાઓને લહેર પડી ગઈ હતી.એ..એ.. કાઇપો છે..અને લપેટ...લપેટની બૂમાબૂમ સાથે યુવા હૈયાઓનો ઉમંગ પતંગ સાથે આકાશને આંબ્યો હતો. જિલ્લામાં શહેર અને ગામડે ધાબા ઉપર ખાણી પીણીની મોજ માણી અને યુવાઓએ પતંગ ઉડાડ્યા હતા. આકાશે પતંગોની રમઝટનો માહોલ જામ્યો હતો.

મંદિરોમાં દાન-દક્ષિણા કરવાનું પણ અનેરું મહત્વ
ઉત્તરાયણનો પતંગોત્સ જનસમાન્યમાં ઉત્સાહ, ઉમંગ અને નવીન સકારાત્મક ઉર્જા ભરે છે. ભારતીય પરંપરા મુજબ આ દિવસે કરવામાં આવેલું દાન પુણ્યનું કર્મ માનવીને સો ગણું બની પરત ફળીભૂત થાય છે આ માટે સવારે નિત્ય કર્મથી નિવૃત્ત થઇ ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરી તેમની ઉપાસના કર્યા બાદ ઘી,તલ તેમજ ખીચડી નું દાન કરે છે. મંદિરોમાં દાન-દક્ષિણા કરવાનું પણ અનેરું મહત્વ છે સાથોસાથ ગાયને ચારો નાખવાનો રિવાજ વર્ષો જૂનો છે. આણંદ જિલ્લામાં દરેક તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ એ લોકો અને બાળકો અને યુવાનોનો અતિ પ્રિય તહેવાર છે.

મંદિર ઘુમ્મટમાં પંતગથી શણગાર
ઉત્તરાયણના પવિત્ર તહેવારે આણંદ જિલ્લામાં સવારથી જ ભક્તિમય માહોલ જણાયો હતો. મંદિરો ભક્તો શ્રદ્ધાળુઓથી ઉભરાયા હતા. આણંદ રોકડીયા હનુમાન મંદિર ઘુમ્મટમાં પંતગથી શણગાર કરવામાં આવ્યો હતો. પ્રભુના નિજ મંદિરમાં પણ નાની-મોટી પતંગના શણગાર થકી પ્રભુને ઉત્તરાયણની ભેટ ધરવામાં આવી હતી.

​​​​​​​બીજી તરફ આ દિવસે ગાયને ઘૂઘરી અને ઘાસનું ખાસ દાન કરવામાં આવતું હોય મંદિર નજીક ઘાસના વેપારીઓનો મેળો જામ્યો હતો, જ્યાં શ્રદ્ધાળુઓ ગાય માટે ઘાસ ખરીદી ખવરાવતા નજરે ચઢ્યા હતા તો અન્ય ભાવિકો ગરીબોને અનાજ, તલ સાંકડી ગોળચીકી, ખીચડી અને સહિતની વસ્તુઓ દાન કરી ઉત્સવનો પુણ્યલાભ લીધો હતો.​​​​​​​
​​​​​​​ધાબે ચઢી પતંગ ચગાવવાની મોજ માણી​​​​​​​
​​​​​​​મહત્વનું છે સમગ્ર જિલ્લામાં ઉત્તરાયણ ખૂબ જ ધામધૂમ અને મસ્તીથી ઉજવણી કરવામાં આવી હતી. પતંગરસિયાઓ પરિવાર સાથે ધાબે ચઢી પતંગ ચગાવવાની મોજ માણી હતી. યુવક, યુવતીઓ, બાળકો અને પૌઢો સુધ્ધાંએ પતંગ ચગાવી ઉત્તરાયણનો આનંદ લૂંટયો હતો. પવનની ગતિ પણ જોરદાર હોઈ પતંગને એક ઢેકડો મારતાં હવામાં ઉડી જતી હોઈ યુવાનોને પેચ લડાવવામાં ખૂબ જ મસ્તી ચઢી હતી. એ..એ ...કાઇપો છે..લપેટ ...બે લપેટ ..અને ઓડેચ..ચ...ચ..જેવા હોંકારા દેકારા સાથે ઉત્તરાયણની સાંજ ક્યારે આવી પહોંચી કોઈને ખબર પણ ન રહી. યુવાહૈયાઓએ ટોળે વળી ગીત-સંગીત અને પતંગ પેચની કોમેન્ટ્રી કરી માહોલ રંગીન બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...