ભાસ્કર એક્સક્લુઝિવ:પતંગ રસિયા આનંદોઃ ઉત્તરાયણના 2 દિવસ 10 થી 15 કિમીનો પવન રહેશે

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • છેલ્લા 3 વર્ષ બાદ ઉતરાયણના દિવસે પવન સારો રહે તેવો હવામાન નિષ્ણાતનો વર્તારો
  • 14મીએ સવારના 6થી 11 વાગ્યા સુધી પવનની ગતિ 10 કિમી રહેશે, બપોરે થોડી ઘટશે

પતંગ રસિયાને આ ઉતરાયણમાં મોજ પડી જાય તેવો પવનનો વર્તારો છે. આ વખતે ગત વર્ષ કરતાં 4 કિમી વધુ પવન રહેશે. ગયા વર્ષે સવારે 6થી 8 કિમી ઝડપે પવન ઉત્તરાયણના દિવસે જોવા મળ્યો હતો. બપોરે 3થી 5 કલાક પવન પડી જતાં પતંગ રસિયાઓ નિરાસ થયા હતા. આ વખતે સવારના 6થી 11 વાગ્યા સુધી પવનની ગતિ 10 કિમી રહેવાની તેમજ વાસી ઉત્તરાયણે 15 કિમી ઝડપે પવન ફુંકાવવાની સંભાવના છે. જ્યારે 11થી 3 કલાક દરિમયાન પવનનું જોર 8થી 10 કિમી વચ્ચે રહેવાની સંભાવના આણંદ કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત ડો. મનોજ લુણાગરિયાઅે જણાવ્યું હતું કે, તા. 14 અને 15ના રોજ 10થી 15 કીમીનો પવન ફૂંકાશે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે ઠંડા પવનોનું જોર રહેશે. બપોરે પવનની ગતિ ઘટી શકે છે. જે 7થી 8 કીમીની રહેશે. સાંજે વધુપવન ફૂંકાવાની શકયતા છે. છેલ્લા 3 વર્ષ બાદ ઉતરાયણના દિવસે પવન સારો રહે તેવો વર્તારો છે.

ખંભાતમાં વર્ષોથી પતંગ વ્યવસાય સાથે જોડાયેલા કનુભાઇએ જણાવ્યું હતું કે પતંગનો ઢઢ્ઢો અને કમાન તેમજ પતંગમાં વપરાયેલા કાગળ સહિત કિન્નાર બાંધવાની કળાને આધારે પતંગ ચગાવવાથી અનેરો આનંદ મળે છે. પતંગનો ઢઢ્ઢો જાડો હોય અને એક સાઇડની કમાન કાગળની બહાર નીકળી ગઇ હોય તો તે હવામાં ગુલાટીયા વધુ મારે છે. પવનની ગતિ પ્રમાણે પતંગની પસંદગી કરવી જોઇએ વધુ પવન હોય તો સાદા કાગળની પતંગો ફાટી જાય છે. ત્યારે બટર પેપર કે પ્લાસ્ટીકની પતંગો ચગાવી જોઇએ તેમજ 12ઇંચથી 18 ઇંચની પતંગો ઉડાવવી જોઇએ તેમજ પાવલા, ઘેંસિયા, અડદિયા,પોણિયો અને આખા પતંગને કેટલાં પવનની ગતિએ ઉડાડી શકાય તેની યાદી બહુ જ મોટી છે. અને ઘણા ઓછા લોકો પાસે પતંગ ઉડાડવાની માહિર કળા જોવા મળે છે.

ટીપ્સ | હવા મુજબ પતંગ લો, કિન્નામાં શૂન-બે રાખો
છેલ્લા 50 વર્ષથી પતંગની મજા માણતાં મહેશ પટેલે પતંગ ખરીદવાથી માંડીને ઢઢ્ઢાની ચકાસણી, કિન્ના બાંધવાની રીત અને પવન પ્રમાણે પતંગની પસંદગી અંગે જણાવ્યું હતું. પતંગની પસંદગી જેટલી મહત્વનીલ છે એટલી જ કિન્ના કે જેમાં તેઓ ખાસ નીચે શૂન અને ઉપર બે એટલે કે ગાંઠથી એક-દોઢ ઈંચનું અંતર રાખવાનો આગ્રહ કરે છે. સ્થિર પતંગ રાખવાની કળા પણ અનોખી છે, જેમાં આંગળીના એક વેઢે જ દોરાને ખેંચવાથી ગમે તેવો નીચે રહેલો પતંગ ઉપર સીધો હવામાં આવી જાય છે.

ભારે પવનમાં પ્લાસ્ટિકના હલકા પતંગ મોસ્ટ ફેવરિટ
આ વખતે ઉત્તરાયણમાં ભારે પવન રહેશે એવું કહેવાય છે તો પ્લાસ્ટિકના હલકા પતંગ એમાં સારા રહેશે. આવા પતંગ હવામાં ધકેલાય છે અને આંગળા પર ભાર આવવા નથી દેતા. આ સ્થિતિમાં ખૂબ પવન હોય તો પ્લાસ્ટિકના પતંગ સારી રીતે ઊડી શકે છે. જોકે પવન ડાઉન થઈ જાય તો ત્રિવેણી કાગળના પતંગ પણ ખૂબ ઉપયોગી નીવડી શકે છે.

પતંગ ઉડાવવા માટે સરેરાશ 4 કિમીના પવનની જરૂર પડે છે
ખંભાતમાં છેલ્લા 30 વર્ષથી પતંગ બનાવનાર વિપુલ ચુનારાએ જણાવ્યું હતું કે, આકાશમાં પતંગ ઉડાડવા માટે 4 કિમીની આસપાસ પવન રહે તો પતંગ ઉડાડવાની મજા આવે છે. પરંતુ 3 કિમી કે તેથી નીચે પવન રહે તો પતંગ ચગાવવા માટે ઠુંણકા મારવા પડે છે. આવા સમયે નાના પતંગ અને 6 તારની દોરીથી ચગાવવા જોઇએ તો ઉડે છે.

અન્ય સમાચારો પણ છે...