તારાપુર તાલુકાના જીચકા ગામે વળાંક પર પુરપાટ ઝડપે જતું ટ્રેક્ટર ટ્રોલી સાથે જ પલટી નજીકના કાંસમાં પડી ગયું હતું. જેના કારણે ટ્રોલી નીચે દબાયેલા ત્રણ મજૂરનું મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
12થી 14 જેટલા મજુરો ટ્રોલીમાં સવાર હતાં
તારાપુરના જીચકા ગામે રહેતા અજીત કેશવભાઈ પટેલના ખેતરમાં ડાંગર રોપણીનું કામ ચાલી રહ્યું છે. તેઓએ તેમના મિત્ર નરેન્દ્રભાઈ પટેલના વાડામાં રહેતા મજૂરો રોક્યાં હતાં. આ મજૂરો રવિવાર સવારે ડાંગર રોપી મોડી સાંજે વાડા પર જવા ટ્રેક્ટરમાં નિકળ્યા હતાં. આ સમયે 12થી 14 જેટલા મજુરો ટ્રોલીમાં સવાર હતાં. આ ટ્રેક્ટર કમલેશ દેવાભાઈ મકવાણા ચલાવી રહ્યો હતો.
ટ્રેક્ટર, ટ્રોલી સાથે નજીકના કાંસમાં પડ્યું હતું
આ દરમિયાન તેઓ જીચકા ગામના બસ સ્ટેન્ડ નજીક વડ તળાવ પાસે પસાર થઇ રહ્યાં હતાં, તે સમયે વળાંક પર પુરપાટ ઝડપે ટ્રેક્ટર ચલાવવાના કારણે તે કાબુ બહાર જતું રહ્યું હતું અને પલટી ગયું હતું. જેના કારણે ટ્રેક્ટર, ટ્રોલી સાથે નજીકના કાંસમાં પડ્યું હતું. જોકે, આ અકસ્માતમાં ટ્રોલીમાં સવાર મજુરોએ બુમાબુમ કરતાં આસપાસા લોકો દોડી આવ્યાં હતાં અને બહાર કાઢ્યાં હતાં. આ ઉપરાંત અન્ય ટ્રેક્ટરની મદદથી ટ્રોલી સીધી કરતાં તેના નીચે દબાયેલા ત્રણ મજુરો બેભાન હાલતમાં મળી આવ્યાં હતાં. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યું પામેલા જાહેર કર્યા હતાં.
આ ઘટનાના પગલે દોડી આવેલા અજીતભાઈ પટેલે તપાસ કરતાં મૃતકોમાં રમેશભાઈ પુનાભાઈ ડામોર (ઉ.વ.40, રહે.નાની સંજેલી, તા. રણધીપુર, જિ. દાહોદ), ધર્મેશ હિંમતભાઈ સુરસીંગ ભુરીયા (ઉ.વ.25 રહે.પંડોઇ ચોરા, તા. મોરવાડ, જિ.પંચમહાલ) અને સોનલબહેન મુકેશભાઈ મખનાભાઈ (ઉ.વ.17, રહે. ગલાના પડ, તા.સંજેલી, જિ. દાહોદ) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અજીત પટેલની ફરિયાદના આધારે તારાપુર પોલીસે ટ્રેક્ટર ચાલક કમલેશ દેવાભાઈ મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી. એચ. ચારણ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.