ચારૂસેટ કેમ્પસમાં અમેરિકા સ્થિત દાતા દર્શક પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચારૂસેટ હોસ્પિટલ માટે રૂપિયા 1 કરોડનું માતબર દાન આપનાર મૂળ આણંદના વતની અને અમેરિકામાં પ્લાઝા ગ્રુપના સ્થાપક દાતા દર્શક જયંતિભાઈ પટેલને દાન ભાસ્કર એવોર્ડથી સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે ચારુસેટ હોસ્પિટલમાં ધરતી એન્ડ દર્શક જે. પટેલ ઈએમટી ડિપાર્ટમેન્ટ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું.
ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ચારૂસેટ કેમ્પસમાં અમેરિકા સ્થિત 1 કરોડનું માતબર દાન અને મુળ આણંદના વતની દાતા દર્શક પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. બાદમાં સ્વાગત પ્રવચન સીએચઆરએફના ઉપપ્રમુખ-કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્રભાઈ પટેલે આપ્યું હતું અને આમંત્રિતો મહેમાનો, સૌ ઉપસ્થિતોને આવકાર્યા હતા.
ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ આમંત્રિત મહેમાનોનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે ચારૂસેટ યુનિવર્સીટીની વિકાસગાથા વર્ણવી હતી અને જણાવ્યુ હતું કે દાતાઓના આર્થિક સહયોગથી ચારુસેટ કેમ્પસનું નિર્માણ શક્ય બન્યું છે. બાદમાં એઆરઆઈપીના પ્રિન્સિપાલ ડો. બાલા ગણપતિએ ચારૂસેટ હોસ્પિટલ વિષે માહિતી આપી હતી અને કહ્યું હતું કે હોસ્પિટલની શરૂઆતથી જ દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે.
આ કાર્યક્રમ દજરમિયાન સમાજગોષ્ઠિના તંત્રી શરદ પટેલે દાનભાસ્કર એવોર્ડ અને તેની શરૂઆત વિષે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, માતૃસંસ્થા, કેળવણી મંડળ અને ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સહિયારી સમાજયાત્રા, સહિયારી શિક્ષણયાત્રા અને સહિયારી સ્વાસ્થ્ય યાત્રામાં અત્યાર સુધીમાં 2000થી વધુ દેશવિદેશના દાતાઓના સહયોગથી 200 કરોડ ઉપરાંતનું ફંડ પ્રાપ્ત થયું છે. જેમાં 1 કરોડ અને તેથી વધુ રકમનું દાન આપનારા 40થી વધુ વિશિષ્ટ દાતાઓ સમાવિષ્ટ છે. આવા વિશિષ્ટદાતાઓને કેળવણી મંડળની પરંપરા મુજબ વિશેષ સન્માન સમારંભમાં સમાજના શ્રેષ્ઠીઓના હસ્તે દાનભાસ્કર એવોર્ડ અને સન્માનપુષ્પથી નવાજવામાં આવે છે.
આ કાર્યક્રમાં દાતા દર્શક પટેલને દાનભાસ્કર એવોર્ડ અને સન્માનપુષ્પનું વાંચન ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ કર્યું હતું. ડો. એમ. સી. પટેલના હસ્તે દાતા દર્શક પટેલને શાલ ઓઢાડીને સન્માનપુષ્પથી સન્માન કરાયું હતું. નગીનભાઈ પટેલના હસ્તે દાતા દર્શક પટેલને દાનભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો. અમેરિકામાં પ્લાઝા ગ્રુપના સ્થાપક દાતા દર્શક પટેલ 30 વર્ષથી અમેરિકામા મૉટેલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓમાં સ્વૈચ્છિક સેવા પ્રદાન કરે છે અને શૈક્ષણિક-આરોગ્ય-ધાર્મિક ક્ષેત્રે અનેક સંસ્થાઓને દાન આપેલું છે.
આ પ્રંસગે દાતા દર્શક પટેલે જણાવ્યુ હતું કે ચારુસેટ કેમ્પસમાં ટ્રસ્ટીઓ-મેનેજમેન્ટની પ્રતિષ્ઠા અને પારદર્શી વહીવટ પ્રશંસાપાત્ર છે. ટ્રસ્ટીઓ-મેનેજમેન્ટના પારદર્શી વહીવટના કારણે ચારુસેટ કેમ્પસને માતબર દાન પ્રાપ્ત થાય છે. બાદમાં દાતા પરિવારના મેહુલ પટેલે જણાવ્યુ કે, દાન ભાસ્કર એવોર્ડ પ્રાપ્ત કરનાર દર્શક પટેલ દ્વિતીય દાતા છે. જે મૂળ આણંદના મોટા અડદના વતની છે. દર્શક પટેલ અમારા પરિવારની સમાજને પરત આપવાની સંસ્કૃતિને અનુસર્યા છીએ ત્યારે અમે બધા પરિવારજનો ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સમાજ માટે ચારુસેટ ઉમદા કાર્ય કરે છે તે અભિનંદનને પાત્ર છે.
આ પ્રસંગે દાતા પરિવારના મોસાળ પક્ષ દ્વારા કમળાબેન ભીખાભાઇ પટેલ તરફથી ચારુસેટને 10 લાખનું દાન પ્રાપ્ત થયું છે. જેના ભાગરૂપે 3.11 લાખનો ચેક નગીનભાઇ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો. માતૃસંસ્થાના ખજાનચી આર. વી. પટેલે જણાવ્યું હતું કે દર્શકભાઈ-મેહુલભાઈના પિતા સદગત જયંતિભાઈ સેવાભાવી કાર્યકર અને સેવાકીય ભાવના ધરાવતા હતા અને તેમના પરિવારે દાન આપવાની પ્રણાલી જાળવી રાખી છે.
કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે, સારું કાર્ય કરીએ તો સારા કામ માટે દાન મળતુ રહે છે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે, ચારુસેટમાંથી અભ્યાસ કરીને નોકરી-ધંધામાં ખૂબ કમાઓ ત્યારે તેમાંથી થોડું દાન સંસ્થાને કરશો અને ચારુસેટનું નામ રોશન કરશો. બાદમાં મધુબેન પટેલે જણાવ્યું હતું કે, દાનનો મહિમા છે. સારા કાર્યો માટે દાન આપીએ તેનો આત્મ સંતોષ પ્રાપ્ત થાય છે. વી. એમ. પટેલે જણાવ્યું હતું કે નિસ્વાર્થ ભાવે સેવા કરતાં હોઈએ તો નાણાકીય તંગી પડતી નથી. નિસ્વાર્થ કાર્યકરોના કારણે કેમ્પસને દાન પ્રાપ્ત થાય છે.
આ પ્રંસગે ડો.એમ.સી.પટેલે દાતા દર્શક પટેલના પ્રદાન અને ચારુસેટ સાથે સંકળાયેલા છે તે વિષે માહિતી આપી હતી અને દાતા પરિવાર સાથેના સંસ્મરણો યાદ કરતાં જણાવ્યુ હતું કે 1987માં માતૃસંસ્થાના માળખાની રચના વખતે દર્શક પટેલના પિતાશ્રી જયંતિભાઈ પટેલ ટ્રસ્ટી તરીકે હતા.તેમણે ભવિષ્યમાં દાન ભાસ્કર એવોર્ડ પ્રાપ્ત કરનાર દાતાઓના ગ્લોબલ લેવલના વિશાળ અનુભવનો લાભ મળે અને ચારુસેટ સાથેનું બોન્ડિંગ કાયમી રહે તે હેતુથી ચારુસેટ દાન ભાસ્કર એવોર્ડી ક્લબ શરૂ કરવાનો અનુરોધ કર્યો હતો.
નગીનભાઈ પટેલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ચારુસેટ હોસ્પિટલના 100 કરોડનું માતબર દાન પ્રાપ્ત થયેલું છે અને હજુ બીજું 100 કરોડનું દાન મેડિકલ કોલેજ માટે પ્રાપ્ત થાય તે માટે સાથ સહકાર આપવા દેશ વિદેશના દાતાઓને અપીલ કરી હતી.
આ પ્રસંગે માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા -કેળવણી મંડળના-સીએચઆરએફના મંત્રી ડો. એમ. સી. પટેલ, સીએચઆરએફના ઉપપ્રમુખ-કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, સહમંત્રી મધુબેન પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, દાતા રમણભાઈ શનાભાઇ પટેલ, માતૃસંસ્થાના ખજાનચી આર. વી. પટેલ, નવનીતભાઈ પટેલ, વી. એમ. પટેલ, એડવાઈઝર ડો. બી. જી. પટેલ, ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, દાતા દર્શક પટેલના પરિવારજનો ધરતી દર્શક પટેલ, મેહુલભાઈ પટેલ અને હેમલત્તા પટેલ, મનહરભાઇ પટેલ (થામણા), નવનીતભાઈ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ-ચારુસેટ- સીએચઆરએફના પદાધિકારીઓ, હોદેદારો, ચારૂસેટ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. ઉમાબેન પટેલ, ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો ઉપસ્થિત રહ્યા હતા. અંતે બીડીઆઈપીએસના પ્રિન્સિપાલ ડો. દર્શન પટેલે આભારવિધિ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.